Ad Code

Responsive Advertisement

પાવાગઢ | ચાંપાનેર | Pavagadh | Champaner


ચાંપાનેર

→ વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરીનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરનાર ચાંપા વણિકના નામ પરથી પાવાગઢની તળેટીમાં ઈ.સ. 747માં ચાંપાનેરની સ્થાપના કરી હતી.

→ ઈ.સ. 1300માં ચૌહાણ કુળના રાજવીઓએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી.

→ ઈ. સ. 1300ની આસપાસ અહીં ખીચી ચૌહાણ વંશની સ્થાપના રણથંભોરના ચૌહાણ હમ્મીરદેવના પુત્ર રામદેવ દ્વારા થઈ હતી. અહીંના ચૌહાણ રાજાઓ ‘પતાઈ’ તરીકે ઓળખાતા. 1300થી 1485 સુધી અહીં ખીચી ચૌહાણોની સત્તા રહી.

→ પ્રાચીન શહેરમાં નવ દરવાજા છે જેમાં પાંચ દરવાજાને 'શહેર-એ-મુકર્રમના' નામથી ઓળખવામાં આવે છે. અહીં આવેલા અટક દ૨વાજાથી લઈને બુઢિયા દરવાજા સુધી કરેલ કિલ્લાબંધીમાં પથ્થરની સાત કમાનો આવેલી છે.

→ પંચમહાલના હાલોલ ખાતે આવેલ સિકંદરશાહનો મકબરો, એક મિનારાની મસ્જિદ અને પંચ મહુડાની મસ્જિદ જોવાલાયક સ્થળો છે.

→ ચાંપાનેર ખાતે આવેલ સર્પાકાર પગથિયાવાળી ગેબનશાહની વાવ, સકરખાનની દરગાહ, શહેરી દરવાજો, ભદ્ર કિલ્લાની દિવાલ અને દરવાજા, શહેરી કિલ્લો, શહેરકી (વહોરા ની)મસ્જિદ, લીલી-ગુંબજ-કી-મસ્જિદ, કમાની મસ્જિદ અને બાવમાનની મસ્જિદ જોવાલાયક સ્થળો છે. અહીં આવેલ 'બુધિયો દરવાજો' એ ચાંપાનેર કોટના સ્થાપત્યનો જ એક ભાગ છે.



લોકવાયકા

→ વર્ષો પહેલા ચાંપાનેરમાં પતઈ કુળના રાજાઓનું શાસન હતું. તેઓ મહાકાલી માતાના પરમ ભક્તો હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મહાકાલી માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતાં હતાં.

→ પતઈ કુળના છેલ્લા રાજા જયસિંહ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને ત્યારે જ મહાકાલી માતા નારીરૂપ લઈને ગરબે રમવા ઉતર્યા હતાં. ત્યારે ગરબે રમતા માતાજીને જોઈ રાજા રૂપથી મોહિત થઈ ગયાં. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહિ, તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે.

→ જેના પરિણામ સ્વરૂપે થોડા સમયમાં જ અમદાવાદના ગુજરાત સલ્તનતનાં રાજા મહંમદ બેગડાએ ઈ.સ. 1485માં ચાંપાનેર પર ચઢાઈ કરીને ચાંપાનેર જીતી લીધું અને પતઈ રાવળને હરાવીને તેનો વધ કર્યો.

મહમદ બેગડો

→ મહમદ બેગડાએ ચાંપાનેરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી પોતાની રાજધાની બનાવી અને ચાંપાનેરનું નામ બદલીને પોતાના નામ પરથી મુહમ્મદાબાદ રાખ્યું.

→ તેમણે અહીં વસાવેલા કિલ્લાને જહાપનાહ નામ આપ્યું હતું.

→ મહમદ બેગડાને ચાંપાનેરને બીજું મક્કા તરીકે વિકસાવવાની ઈચ્છા હતી.

→ મહમ્મદ બેગડો ચોમાસા દરમિયાન અહીં જ રહેતો. તેમણે ચાંપાનેરની બાજુમાં મક્કા જેવી સામ્યતા ધરાવતી જુમા મસ્જિદ બંધાવી હતી.

→ અહીં, મહમદ બેગડાએ કેવડા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, નગીના મસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો વગેરે બંધાવ્યા હતાં.


→ સુલતાન બહાદુરશાહના શાસન દરમિયાન ઈ.સ. 1535માં મુઘલ બાદશાહ હુમાયુએ ચાંપાને૨ કિલ્લો જીત્યો હતો.

→ મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગોધરા પંચમહાલનું વડુમથક હતું.

→ 1727માં તે મરાઠી શાસન નીચે અને 1853માં બ્રિટિશ હકૂમત નીચે હતું.

→ ઈ.સ. 1727માં કંથાજીના પાલક પુત્ર કૃષ્ણાજી ચાંપાનેર પર હુમલો કરીને ખંડણી ઉઘરાવતા હતાં. ત્યારબાદ સિંધિયાઓએ 18મી સદીમાં થોડો સમય શાસન કર્યું.

→ બ્રિટિશ અધિકારી વુડિગ્ટને ઈ.સ. 1803માં પાવાગઢનો કિલ્લો સિંધિયા પાસેથી જીતી લીધો જે થોડા સમય બાદ પાછો સિંધિયાઓને જ સોંપી દેવામાં આવ્યો.

→ બ્રિટિશ શાસન સમયે ઈ.સ. 1858માં નાયકા જાતિના રૂપાનાયકા અને કેવળનાયકાની આગેવાનીમાં અંગ્રેજો વિરુદ્ધ એક અસફળ બળવો કરવામાં આવ્યો હતો.

→ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના પુરાતત્વ વિભાગ દ્વારા ડૉ. આર. એન. મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપાનેરનું સ્થળ-સંશોધન થયું હતું.

→ વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા ગુજરાતની પ્રથમ અને ભારતની 26મી વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી હતી અને તેને
‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’

એવું નામ આપ્યું છે.

→ ઈતિહાસકાર જ્હોન વિલિ વોટ્સનના મત મુજબ પંચમહાલમાં પુષ્કળ પ્રમાણમાં આવેલા ચંદનના વૃક્ષો અને જંગલી હાથીઓને કારણે આ જિલ્લાને બ્રિટિશરો દ્વારા મુંબઈ પ્રાંતનો હિસ્સો બનાવાયો હતો.







પાવાગઢ

→ હાલોલ તાલુકામાં આવેલ શંકુ આકાર ધરાવતા પાવાગઢ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી કપાઈને સતી માતાના જમણા પગની આંગળી પડી હતી. આ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની નેત્ર સ્વરૂપની પ્રતિભા આવેલી છે. આ પ્રતિમા બે ફૂટ જેટલી સ્વયંભૂ બનેલી હોવાનું કહેવાય છે. મહાકાળીમાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રકતબીજને વરદાન હતું કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થાય. મહાકાળીમાએ હાથમાં ખપ્પર ધારણ કરી રકતબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનું એકપણ ટીપું પૃથ્વી પર ન પડવા દીધું અને રકતબીજનો સંહાર કર્યો હતો.

→ ભારતની 51 શક્તિપીઠમાંની ગુજરાતની 3 શક્તિપીઠ પૈકીની 1 શક્તિપીઠ મહાકાળી માતાજીની શક્તિપીઠ અહીં આવેલું છે. આ મંદિરની બાજુમાં સદનશાહની દરગાહ આવેલી છે. પાવાગઢ ખાતે નવલખા કોઠાર, લકુલીશ ભગવાનનું મંદિર, જામી મસ્જિદ, પાવાગઢના પ્રાચીન દ૨વાજા, તળેટીમાં આવેલ સાત કમાનો (ઈમારત), ખજૂરી મસ્જિદ, મહમ્મદ બેગડાની કબર, નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ, ગેબીની ગુફા, ગુંબજ મસ્જિદ, ઈટોથી નિર્માણ કરવામાં આવેલી મિનારની મસ્જિદ, રોપ-વે, કબૂતરખાના નામે આવેલું હવા ખાવાનું સ્થળ વગેરે જોવાલાયક સ્થળો છે.

→ હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ ડુંગર જ્વાળામુખી વિસ્ફોટથી બનેલો ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે.

→ આ ડુંગરનો 'પા ભાગ'(25%)નો જ જમીનની બહાર હોવાથી પાવાગઢ નામથી ઓળખાય છે.

→ આ ડુંગર પર દૂધિયા, તેલિયા અને છાશિયા તળાવોનું નિર્માણ જ્વાળામુખી વિસ્ફોટને કારણે થયેલ છે.તળાવની આજુ બાજુમાં દિગંબર જૈન સંપ્રદાયના દેરાસરો આવેલા છે.

→ આ ડુંગર વિશ્વામિત્રી નદીનું ઉદ્દભવસ્થાન ગણાય છે તથા ડુંગ૨ પર વિશ્વામિત્ર ઋષિની ગુફાઓ આવેલી છે.

→ પાવાગઢ ડુંગર પર રોપ-વે ની સુવિધા ઉપલબ્ધ છે.

→ પાવાગઢ ડુંગર પર જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર આવેલું છે.

→ પાવાગઢ ટેકરી ખાતે આવેલ બુલંદ દરવાજા, ગડી કુંડલ દરવાજા, ગુલન બુલન દરવાજા, ટંકશાળ, મકઈ કોઠાર, પતઈ રાવળનો મહેલ, મકઇ દરવાજો, તારાપુર દરવાજો, સૈનીકી મસ્જિદ, વાંદરા મસ્જિદ, પાવાગઢનો કિલ્લો અને પાવાગઢ ડુંગર પરના ખંડેર હિંદુ અને જૈન મંદિરો જોવાલાયક સ્થળો છે.

→ પાવાગઢ પર્વતની ઉત્તર તરફ મૈલિયા ટૂંકમાં આવેલ નવલખી ખીણમાં મુઘલ સમયના નવલખા કોઠાર આવેલ છે. જે અનાજ સંગ્રહણ માટે વપરાતાં હશે એવું કહીં શકાય.

→ વર્ષ 2011માં 62મા વન મહોત્સવ દરમિયાન પાવાગઢ ખાતે વિરાસત વનનું નિર્માણ કરવામાં આવ્યું.


બૈજુ બાવરા

→ તાનસેનનાં સમકાલીન બહાદુરી રાગમાં નિષ્ણાત બૈજુ બાવરા (મૂળ નામ: બૈજનાથ મિશ્ર) ચાંપાનેરના વતની હતાં.

→ તેમનો જન્મ ઈ.સ. 1500ની આસપાસ ચાંપાનેરના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

→ તેઓ સ્વામી હરિદાસના શિષ્ય હતાં.

→ બૈજુ બાવરાએ ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું.

હોરી ગાયકીનું સર્જન બૈજુ બાવરાએ કર્યું હતું.

→ રાજા માનસિંહે બૈજુના સન્માનમાં ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

→ બૈજુએ 'ઓકેદેશા' નામના ગ્રંથની રચના કરી છે.

→ જ્યારે મુઘલ બાદશાહ હુમાયુએ ગુજરાત પર ચઢાઈ કરી અને તેમાં મધ્યપ્રદેશમાં આવેલો માંડુનો કિલ્લો જીતી લેવાયો ત્યારે કિલ્લામાં હત્યાઓ શરૂ કરી હતી, આ કિલ્લામાં બૈજુ બાવરા પણ હાજર હતો ત્યારે બૈજુએ હુમાયુને સંગીત સંભળાવતા ખુશ થઈ ગયો અને તેણે બૈજુને ઈનામ માંગવા કહ્યું તે સમયે બૈજુએ કહ્યું કે કિલ્લામાં હત્યાઓ બંધ કરી દેવામાં આવે અને સર્વ કેદીઓને મુક્ત કરી દેવામાં આવે. જે વાતને હુમાયુએ માન્ય રાખી હતી.



Post a Comment

0 Comments