સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતા શબ્દ આમુખમાં કયારે ઉમેરવામાં આવ્યા?
→ ભારતીય બંધારણના આમુખમાં અત્યાર સુધીમાં ફક્ત એક જ વખત સુધારો થયો છે. જેમાં 42માં બંધારણીય સધારા, 1976' દ્વારા ભારતના બંધારણના આમુખમાં – સમાજવાદી (Socialist), બિનસાંપ્રદાયિક (Secular) અને અખંડતા (Integrity) એમ કુલ ત્રણ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.
સમાજવાદી (Socialist)
→ ભારતીય બંધારણના મૂળ આમુખમાં 'સમાજવાદી' શબ્દનો કોઈ જ ઉલ્લેખ ન હતો. પરંતુ ‘42મા બંધારણીય સુધારા, 1976' દ્વારા તેને બંધારણના આમુખમાં ઉમેરવામાં આવ્યો હતો. .
→ જોકે, એ અગાઉ ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત ‘સમાજવાદી' વ્યવસ્થાના લક્ષણો જોવા મળતા હતા. પરંતુ ‘42મા બંધારણીય સુધારા' બાદ તેનો આમુખમાં સ્પષ્ટ જ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. .
→ ભારતીય બંધારણના આમુખમાં સમાવિષ્ટ ‘સમાજવાદી’ શબ્દનો અર્થ એ છે કે, ભારતીય રાજ્ય વ્યવસ્થાની રચના સમાજવાદી વિચારસરણીને અનુરૂપ કરવામાં આવી છે.
→ વિશ્વના વિવિધ દેશોમાં “સમાજવાદ”ના અનેક સ્વરૂપો પ્રચલિત છે. એ બધામાં ભારતીય સમાજવાદ ભિન્ન છે. ભારતીય સમાજવાદની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે
→
ભારતીય સમાજવાદ આર્થિક અસમાનતા દૂર કરવી, આવકનું સમાન વિતરણ, વંચિત વર્ગોનું જીવન ધોરણ ઊંચું લાવવું તથા તેમને વધારેમાં વધારે સામાજિક સુરક્ષા પૂરી પાડવી વગેરે જેવી બાબતો પર ભાર મૂકે છે. અને આ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે અહિંસક અને શાંતિપૂર્ણ સાધનોનો પ્રયોગ કરે છે. આ ઉપરાંત ખાનગી સંપત્તિ અને ખાનગી ઉદ્યોગોની નાબૂદી વગર તે બંને પક્ષોમાં સમન્વય સાધવાનો પ્રયાસ કરે છે.
ભારતીય સમાજવાદ કાર્લમાર્ક્સના હિંસક સંઘર્ષના સિદ્ધાંતનો અસ્વીકાર કરે છે, અને અહિંસક નીતિઓના માધ્યમથી જ સમાજવાદના લાભો મેળવવા માંગે છે.
આ અંગે ડી.એસ.નકારા વિરુદ્ધ ભારત સંઘ કેસ, 1982માં ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે, “ભારતીય સમાજવાદ ગાંધીવાદ અને માર્ક્સવાદનું અનોખું મિશ્રણ છે, જે નિશ્ચિત રીતે જ ગાંધીવાદ તરફ ઝૂકેલું છે”.
આ ઉપરાંત ભારતીય સમાજવાદ 'લોકતાંત્રિક (લોકશાહી) સમાજવાદ” છે, “સામ્યવાદી સમાજવાદ' નહીં.
ભારતનો લોકશાહી સમાજવાદ મિશ્ર અર્થવ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવે છે, જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય છે.
સર્વોચ્ચ ન્યાયાલય અનુસાર ભારતના લોકશાહી સમાજવાદનો ઉદ્દેશ ગરીબી, બીમારી, વંચિતતા અને તકની અસમાનતા દૂર કરવાનો તથા આર્થિક અસમાનતા ઘટાડવાનો છે.
.
નોંધ :
→ 1991થી ભારતમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણની નવી આર્થિક નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જેનાથી ભારતની રાજ્ય વ્યવસ્થાના સમાજવાદી માળખામાં પરિવર્તન થયું છે. .
→ 'સમાજવાદ' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ પિયર લેરોક્સ નામના ફ્રેન્ચ ફિલોસોફરે 'Le Glob'નામના જર્નલમાં, 1832માં કર્યો હોવાનું કહેવાય છે. .
બિનસાંપ્રદાયિક / ધર્મનિરપેક્ષ (Secular)
→ બિનસાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ દેશનો અર્થ એ છે કે
તેમાં કોઈ એક જ ધર્મને રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો આપવામાં આવતો નથી. અને
પોતાના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવતા નથી.
→ ધર્મનિરપેક્ષ દેશોમાં કોઈ એક ધર્મની પ્રગતિ, વિકાસ કે અભિવૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવામાં આવતું નથી, તેમજ રાજ્ય(દેશ) બધા જ ધર્મથી સમાન અંતરે હોય છે.
→ ધર્મનિરપેક્ષ દેશમાં નાગરિકોને ખૂબ જ વ્યાપક ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવે છે. જેનાથી તેઓ તેમની ઈચ્છા અનુસાર કોઈપણ ધર્મનું પાલન કરી શકે છે, તેનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે અને આ ઉપરાંત તેઓ કોઈ ધર્મમાં માનવા કે ન માનવા માટે પણ સ્વતંત્ર હોય છે. .
→ ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય (દેશ) છે. જેનો કોઈ ચોક્કસ રાષ્ટ્રીય ધર્મ નથી. અહીં તમામ ધર્મના લોકો પ્રત્યે ભેદભાવ વગરનો એકસમાન વ્યવહાર કરવામાં આવે છે તથા દરેક નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા મૂળભૂત અધિકારના સ્વરૂપમાં મળેલી છે. આથી, તેના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે..
→ ભારતમાં સરકાર દ્વારા તમામ ધર્મને રક્ષણ આપવામાં આવે છે, પરંતુ કોઈપણ ધર્મને પ્રોત્સાહન આપવામાં આવતું નથી..
→ ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 25થી 28 અંતર્ગત દેશના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પણ આપવામાં આવ્યા છે. જે સ્પષ્ટ રીતે એ દર્શાવે છે કે ભારત એક બિનસાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ દેશ છે..
→ એસ.આર.બોમ્માઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ, 1994 અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયની 9 ન્યાયાધીશોની બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે, આપણી બંધારણીય ફિલસૂફીમાં “ધર્મનિરપેક્ષતા'ની ભાવના બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ અપ્રત્યક્ષ રીતે સમાવવામાં આવી હતી, પરંતુ “42માં બંધારણીય સુધારા' દ્વારા આમુખમાં “ધર્મનિરપેક્ષ' શબ્દને સ્પષ્ટ અને પ્રત્યક્ષ રીતે સમાવવામાં આવ્યો છે. .
નોંધ :
→ ભારતના મૂળ બંધારણના આમુખમાં 'ધર્મનિરપેક્ષ' અથવા તો 'બિનસાંપ્રદાયિક' શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ‘42મા બંધારણીય સુધારા, 1976' દ્વારા તેને આમુખમાં ઉમેરવામાં આવ્યો છે. .
→ ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે ‘બિનસાંપ્રદાયિકતા’ને ભારતીય બંધારણના ‘મૂળભૂત માળખા' (Basic Structure)નો ભાગ ગણાવ્યો છે..
→ બિનસાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ દેશ નીચે પ્રમાણેના જ ત્રણ પ્રકારના દેશથી અલગ હોય છે .
→
ધર્મ વિરોધી દેશ : કે જ્યાં નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવતી નથી. દા.ત. વિઘટન અગાઉનું રશિયા/ભૂતપૂર્વ સોવિયત સંઘ (USSR).
ધર્મતંત્રીય દેશ: કે જ્યાં ધાર્મિક વડા જ દેશના વડા હોય છે અને ધાર્મિક ગ્રંથને જ દેશનું બંધારણ માનવામાં આવે છે. દા.ત. વેટિકન સિટી.
ધર્મ પ્રભાવિત દેશ : કે જ્યાં ફક્ત એક જ ધર્મને રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો આપવામાં આવે છે. જ્યાં અન્ય ધર્મના નાગરિકોને ધાર્મિક સમાનતાની ખાતરી આપવામાં આવતી નથી. આવા દેશના કાયદાઓ ધર્મથી પ્રભાવિત હોય છે. દા.ત. પાકિસ્તાન.
રાષ્ટ્રની એકતા અને અખંડતા
→ ભારતના બંધારણના આમુખમાં '42મા બંધારણીય સુધારા, 1976' દ્વારા 'રાષ્ટ્રની એકતા' શબ્દના સ્થાને ‘રાષ્ટ્રની એકતા અને અખંડતા' શબ્દ ઉમેરવામાં આવ્યો હતો.
→ બંધારણના નિર્માણ સમયે અને ત્યારબાદ ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવી એ એક મોટો પડકાર હતો. આથી, ભારતના બંધારણ અંતર્ગત આપવામાં આવેલી મૂળભૂત ફરજોમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની ફરજ પણ આપવામાં આવી છે..
0 Comments