વીણા


વીણા

→ ભારતનાં તંતુવાદ્યોમાં વીણા અગ્રસ્થાને છે.

→ જે જે વાદ્યો પ્રાચીન કાળમાં ગજ અથવા મિજરાફની સહાયથી વગાડવામાં આવતાં તે બધાં જ વાદ્યોને તે જમાનામાં વીણા તરીકે ઓળખવામાં આવતાં.

→ ‘સંગીતરત્નાકર’ નામના ગ્રંથમાં વીણાના જુદા જુદા પ્રકારોનું વર્ણન સાંપડે છે; દા. ત., બ્રહ્મવીણા, તમ્બુરી વીણા, મત્ત કોકિલા વીણા, સ્વરમંડલ વીણા, રાવણહસ્ત વીણા, એકતંત્રી વીણા, ત્રિતંત્રી વીણા, કિન્નરી વીણા વગેરે.

→ આજના જમાનામાં જે વાદ્ય વીણા તરીકે ઓળખાય છે તે વાદ્ય સરસ્વતી વીણા અથવા રુદ્રવીણા છે.

→ રુદ્રવીણાનું પ્રાકૃત સ્વરૂપ તે ‘જંતર’, જેનો ઉપયોગ સૌરાષ્ટ્ર પ્રદેશની કેટલીક યાચક કોમો દ્વારા અમુક પ્રસંગ વખતે કરવામાં આવે છે.

→ જંતરનું એક લક્ષણ એ છે કે તે સરસ્વતી વીણાની જેમ ગાતી વખતે સંગતમાં લઈ શકાય છે.

→ કિન્નરી વીણા એ જંતરનું જ અતિપ્રાચીન સ્વરૂપ છે.

→ દક્ષિણ ભારતની સંગીતશૈલી એટલે કે કર્ણાટક સંગીતશૈલીમાં આજે પણ વીણા ઉચ્ચ સ્થાન ધરાવે છે; જોકે ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીમાં વીણાનું સ્થાન ક્રમશ: સિતાર નામના વાદ્યે લીધું છે.

→ ઉત્તર હિંદુસ્તાની સંગીત વાદ્યશૈલીમાં પણ આધુનિક જમાનામાં મોટા ગજાના વાદકો થઈ ગયા છે; જેમાં ઉસ્તાદ વઝીરખાં, ઉસ્તાદ બંદેઅલીખાં, મુરાદખાં, ઉસ્તાદ ઝિયા મોઇઉદ્દીન ડાગર અને ઉસ્તાદ અસદઅલીખાંસાહેબનાં નામ મોખરે રહ્યાં છે. તે પૂર્વે તાનસેનના જમાઈ ઉસ્તાદ નૌબતખાં, રહીમસેન, અમૃતસેન અને નિહાલસેનનાં નામ આ ક્ષેત્રમાં મોખરે હતાં.

Post a Comment

0 Comments