Ad Code

અકબરના કાર્યો | Works of Akbar


→ એક દીર્ઘદર્શી રાજવી તરીકે અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા વિકસાવવા દેશમાં વિશાળ બહુમતી ધરાવતી રાજપૂત-હિંદુ વસ્તી પ્રત્યે ઉદાર નીતિ અપનાવવી જરૂરી હતી; આથી અકબરે રાજપૂતો સાથે લગ્નસંબંધો બાંધ્યા, રાજ્યમાં તેમને ઊંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. આને પરિણામે અકબરને વીર રાજપૂતોની સેવા પ્રાપ્ત થઈ, મુઘલ સામ્રાજ્યનો વિકાસ થયો તથા હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો.

→ પોતાની હિંદુ પ્રજાનો સહકાર મેળવવા અકબરે જજિયા-વેરો તથા યાત્રા-વેરો નાબૂદ કર્યો, પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી, હિંદુઓને પૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું તથા તેમને મંદિરો બાંધવાની છૂટ આપી. અકબરે રાજપૂતો તથા હિંદુઓને ઊંચા હોદ્દા આપ્યા જેને પરિણામે મુઘલ સામ્રાજ્યને ટોડરમલ, માનસિંહ, બિરબલ, બેદીચંદ વગેરેની સેવાઓ પ્રાપ્ત થઈ.

→ અકબરે ધાર્મિક સુધારાની સાથે વહીવટી, સામાજિક તથા શૈક્ષણિક સુધારા પણ કર્યા.

→ તેણે પોતાના વિશાળ સામ્રાજ્યને કેન્દ્ર, સૂબાઓ (પ્રાંતો), સરકાર (જિલ્લા), પરગણા (તાલુકા) તથા ગ્રામ એકમોમાં વ્યવસ્થિત કર્યું. તેણે મહેસૂલી, લશ્કરી તથા વહીવટી વ્યવસ્થાની પૂરક મનસબદારી પદ્ધતિ પણ અમલમાં મૂકી. તેણે મુખ્ય નગરોનું અલગ વહીવટી એકમ બનાવ્યું.

→ અકબરે ગુલામીપ્રથાનો અંત આણી હજારો ગુલામોને મુક્ત કર્યા. તેણે દારૂબંધી ફરમાવી, ફરજિયાત સતીપ્રથા બંધ કરાવી તથા કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી.

→ અકબરે 14 વર્ષથી નીચેની કન્યા તથા 16 વર્ષથી નીચેના છોકરાનાં લગ્ન પર તથા વૃદ્ધલગ્ન પર પ્રતિબંધ મૂક્યો.

→ તેણે વિધવાવિવાહની છૂટ આપી.

→ પહેલી પત્નીથી પુરુષને સંતાન ન હોય તો જ તેને બીજી પત્ની કરવાની છૂટ અપાઈ.

→ અકબરે વેશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મૂક્યાં.

→ સામાજિક સુધારાનો અમલ કરાવવા અકબરે ખાસ અધિકારીઓની નિયુક્તિ કરી.

→ અકબરે દિલ્હી, આગ્રા, શિયાલકોટ તથા ફતેહપુર-સિક્રીમાં ઉચ્ચ શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી, જેમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા.

→ અકબરે ફતેહપુર-સિક્રીમાં કન્યાઓના શિક્ષણ માટે અલગ કન્યાશાળા ખોલી હતી.

→ પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ગણિત, ભૂમિતિ, કૃષિવિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, ઇતિહાસ, વ્યાકરણ વગેરે ઉપરાંત હિંદુ પાઠશાળાઓમાં રામાયણ, મહાભારત, પુરાણો તથા સંસ્કૃતિનો અભ્યાસ, જ્યારે મુસ્લિમ મદરેસાઓમાં કુરાન તથા ફારસીનો અભ્યાસ અનિવાર્ય મનાતો.

→ અકબરે રાજધાનીમાં સ્થાપેલ પુસ્તકાલયમાં અરબી, સંસ્કૃત, તુર્કી, ફારસી, ગ્રીક વગેરે ભાષાઓમાં લખાયેલ આશરે 54,000 હસ્તપ્રતો (ગ્રંથો) હતી.

→ અકબરે સાહિત્ય અને સાહિત્યકારોને આપેલ ઉત્તેજન તેની મોટી સિદ્ધિ કહી શકાય. તેણે સંસ્કૃત, અરબી, તુર્કી વગેરે ભાષાઓમાંનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે એક અલગ અનુવાદ વિભાગ સ્થાપ્યો.

→ રામાયણ, મહાભારત, અથર્વવેદ, લીલાવતી ગણિત, રાજતરંગિણી, પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયૂની, અબુલફઝલ, ફૈઝી વગેરે પાસે અનુવાદ કરાવ્યા.

→ એણે અબ્દુર્રહીમ ખાનખાના પાસે તુઝુકે-બાબરી(બાબરીનામા)નો તુર્કીમાંથી ફારસીમાં અનુવાદ કરાવ્યો.

→ અકબરની પ્રેરણાથી અબુલફઝલે ‘અકબરનામા’ તથા ‘આઇને અકબરી’, નિઝામુદ્દીન અહમદે ‘તબકાતે અકબરી’ તથા બદાયૂની(અબ્દુલકાદિર)એ ‘મુન્તખાબ-ઉત્તતવારિખ’ નામે વિખ્યાત ફારસી કૃતિઓ રચી. આ ગ્રંથોમાં અકબર અને તેના સમયનું વિસ્તૃત વર્ણન છે.

→ અકબરે ઉદાર નીતિથી હિંદી સાહિત્યને ઉત્તેજન આપ્યું. પરિણામે અબ્દુર્રહીમ ખાનખાનાએ ‘રહીમ સતસઇ’ નામે જાણીતી હિંદી કૃતિ રચી. બિરબલ, ભગવાનદાસ, માનસિંહ વગેરેએ હિંદીમાં કાવ્યો રચ્યાં.

→ અકબરના સમકાલીન મહાન સંત કવિ તુલસીદાસે (1535-1623) અવધીમાં ‘રામચરિતમાનસ’ નામે વિખ્યાત ગ્રંથ રચ્યો, જ્યારે અંધ કવિ સૂરદાસે શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને લગતો ‘સૂર-સાગર’ નામે જાણીતો ગ્રંથ વ્રજભાષામાં લખ્યો.

→ અબુલફઝલે ‘અકબરનામા’માં સૂરદાસનો અકબરની રાજસભાના મહાન સંગીતકાર તરીકે ઉલ્લેખ કરેલ છે.

→ અકબરના ઉત્તેજનથી વિઠ્ઠલનાથ (વલ્લભાચાર્યજીના પુત્ર), નંદદાસ, કુંભનદાસ, કેશવદાસ, નાભાજી વગેરેએ તથા મુસ્લિમ સંત રસખાને હિંદી ભાષામાં પોતાની કૃતિઓ રચી.




Post a Comment

0 Comments