Ad Code

Mughal Emperor : Akbar | મુઘલ વંશ : અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર)


અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605)



→ જન્મ : 15 ઓક્ટોબર, 1542

→ જન્મસ્થળ : અમરકોટ (કિલ્લા) ના રાણા વિરસાલના મહેલમાં

→ મૂળ નામ : બદર્-ઉદ્-દીન (હુમાયૂંએ જલાલુદ્દીન મુહમ્મદ અકબર નામ રાખ્યું.)

→ પિતા : નાસિરૂદ્દીન હુમાયુ

→ માતા : હમીદા બેગમ

→ ધાત્રિમાતા : માહમ આનગા

→ રાજ્યાભિષેક : 14 ફેબ્રુઆરી, 1556 ના રોજ માત્ર 14 વર્ષની ઉંમરે અકબરને બાદશાહ જાહેર કરવામાં આવ્યો.

→ હુમાયુના નિધન બાદ પંજાબના ગુરદાસપુર જિલ્લાની નજીક આવેલા કલનૌર નામના સ્થળે રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

→ શાહી ગ્રંથાલય : આગ્રા

→ તેના પિતાએ અકબરના જન્મ વખતે કસ્તુરી વહેંચીને કહ્યું હતું કે, કસ્તુરીની સુવાસની જેમ અકબરની સુવાસ પણ પ્રસરશે અને તેનાથી આખું જગત મહેંકી ઊઠશે.

→ સામ્રાજ્ય વિસ્તાર : કાબુલ- કંદહારથી લઈને દક્ષિણમાં નર્મદા અને પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી સુધીનો વિસ્તાર

→ અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયૂંએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્વાનો મુલ્લા ઇસામુદ્દીન ઇબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મીર અબ્દુલ લતીફ વગેરેની નિયુક્તિ કરી. પરંતુ અકબરને અભ્યાસ કરતાં ઘોડેસવારી, તલવારબાજી, ખેલકૂદ વગેરેમાં વિશેષ રસ હોવાથી તેનું અક્ષરજ્ઞાન આગળ વધી શક્યું નહિ.


બૈરમખાં



→ અકબરે તેને પોતાના વકીલ (વઝીર) તરીકે નિયુક્ત કર્યો હતો.

→ તેને ખાન – એ- ખાનાની પદવી પ્રદાન કરી હતી.

→ અકબરે બૈરમખાંને મક્કા જતાં રહેવાનો આદેશ આપ્યો.

→ મક્કા જતી વખતે પાટણ (ગુજરાત) મુકામે મુબારકખાં નામે એક અફઘાનીએ બૈરમખાંની હત્યા કરી.


અકબરના નવ રત્નો



બિરબલ
→ રાજપૂત સરદાર, જેને રાજા તેમજ કવિપ્રિયની ઉપાધિ પ્રદાન કરી હતી.

→ તેઓ પોતાના વાક્ચાતુર્ય તેમજ વાક્પટુતા માટે પંકાયેલા હતા.

→ યુસુફ્ઝઈ કાબિલા પર આક્રમણ દરમિયાન યુદ્ધમાં લડતી વખતે બિરબલનું નિધન થયું હતું.

ટોડરમલ
→ ટોડરમલ પહેલાં શેરશાહની સેવામાં હતા, શેરશાહના નિધન બાદ ઈ.સ. 1573 માં અકબરની સેનામાં આવી ગયા હતા.

→ અકબરે ટોડમરલને નાણાં મંત્રી બનાવ્યા હતા.

→ અકબરે ટોડમરલનેરાજાની ઉપાધિ પ્રદાન કરી હતી.

અબુલ ફઝલ
→ ફારસીના વિદ્વાન અને પ્રસિદ્ધ ઈતિહાસકાર હતા.

→ અબુલ ફઝલ શેખ મુબારકના પુત્ર તેમજ અકબરના દરબારી શાયર ફૈજીના નાના ભાઈ હતા.

→ અબુલ ફઝલે આઈન-એ- અકબરી અને અકબરનામા નામના બે ગ્રંથોની રચના કરી હતી.

માનસિંહ
→ અકબરના શાસનકાળનો સૌથી પ્રસિદ્ધ સેનાપતિ હતો.

હમીમ હુમામ
→ તેઓ શાહી પાઠશાળાના પ્રમુખ હતા.

અબ્દુર્રહીમ ખાન – એ – ખાના
→ મૂળ નામ : અબ્દુર્રહીમ

→ તેઓ અકબરના સંરક્ષક બૈરમખાંન ના પુત્ર હતા.

→ ઉપાધિ : ખાન –એ- ખાના

→ તેઓ કવિ અને સેનાપતિ હતા.

મુલ્લા દો પ્યાજા
→ પોતાની વાક્પટુતા માટે પ્રસિદ્ધ હતા.

→ ડુંગળી (પ્યાજ) ખૂબ જ પસંદ હોવાથી તેમને “મુલ્લા દો પ્યાજા” નામ આપવામાં આવ્યું હતું.

ફૈજી
→ તેમણે ગણિતના પુસ્તક “લીલાવતી” નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.

→ તેઓ અબુલ ફજલના મોટા ભાઈ હતા.

તાનસેન
→ મૂળ ગ્વાલિયરના હતા.

→ પ્રસિદ્ધ સંગીતકાર હતા.

→ તાનસેન દિપક રાગ માટે જાણીતા હતા.


અકબરના વિજયો




પાણીપતનું બીજું યુદ્ધ



→ ઈ.સ. 1556 માં પાણીપતના બીજા યુદ્ધમાં અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું.

→ આ યુદ્ધમાં અકબરનો વિજય થયો.


આમેર પર સત્તા



→ ઈ.સ. 1562 માં આમેરના રાજા ભારમાલની પુત્રી હરખાબાઈ સાથે લગ્ન કર્યા.

→ રાજા ભારમાલના પુત્ર ભગવાનદાસ અને માનસિંહને પોતાના દરબારમાં રાખ્યા.

→ આમેરનો રાજા રાણા ઉદયસિંહને બદલે અકબરની આધીનતામાં આવી ગયો.

→ બૈરમખાનના પતન બાદના અકબરના શાસનનાં બે વર્ષો (1560-62) ત્રિયા-શાસનનાં વર્ષો ગણાય છે, કારણ કે આ સમય દરમિયાન અકબરની દૂધમાતા માહમ આંગા મુખ્ય કર્તાહર્તા હતી. માહમ આંગાના વિરોધી, પરંતુ અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા શમ્સુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણૂક કરતાં માહમ આંગાના પુત્ર આદમખાને શમ્સુદ્દીનની હત્યા કરી. આથી અકબરે આદમખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નખાવ્યો (મે, 1562). આના આઘાતથી માહમ આંગા જૂન, 1562માં અવસાન પામતાં અકબર સર્વોપરી શાસક બન્યો.


મેવાડ પર આક્રમણ



→ ઐતિહાસિક ર્દષ્ટિએ અકબરનું સૌથી મહત્વનું યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપસિંહ સામે હલદીઘાટીનું (1576) હતું.

→ મેવાડની સ્વાધીનતા માટે મહારાણા પ્રતાપ અને તેના સૈનિકો રાજા માનસિંહની સરદારી નીચેના વિશાળ મુઘલ સૈન્ય સામે અપ્રતિમ વીરતાથી લડ્યા, પરંતુ આખરે મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડ્યો.

→ જયમલ રાઠોડને પોતાના મુખ્ય અધિકારી બનાવી પોતાના બીજા નેતા તરીકે રણમલ પટ્ટા સિસોદિયાને પોતાના લશ્કરનું સુકાન સોંપ્યું. બાદશાહ અકબર પણ શૂરવીર જ્યમલ અને રણમલ પટ્ટાના શૌર્યથી પ્રભાવીત થયા . તને આગ્રાની બહાર આ બંને શૂરવીરોની હાથીઓ પર સવાર કરેલી મૂર્તિઓ બનાવડાવી સ્મારકસ્વરૂપે સ્થાપિત કરી.

→ કર્નલ ટૉડે હલદીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે. ત્યારબાદ મહારાણા પ્રતાપ અનેક મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્રતા માટે જીવનના અંત (1597) સુધી અકબર સામે લડતા રહ્યા અને ચિતોડ સિવાયનો મેવાડનો ઘણોખરો મુલક મુઘલો પાસેથી ફરી કબજે કર્યો. તેમના અવસાન બાદ તેમના પુત્ર અમરસિંહે ચિતોડ સહિતનો બાકીનો પ્રદેશ પણ મુઘલો પાસેથી પુન: તાબે કર્યો.


કાલિંજર ગઢ



→ બુંદેલખંડ (રેવાના રાજાનું કાલિંજર ગઢ) પણ જીતી લેવામાં આવ્યું. આ જ સમયે ફતેહપુરસિક્રીમાં અકબરને એક પુત્ર થયો જેનું નામ સલિમ (જહાંગીર) રાખવામા આવ્યું.

→ તે સ્થળ શુભ માનીને ત્યાં તેણે પોતાની રાજધાની દિલ્હીને બદલે ફતેહપુરસિક્રી બનાવી.


અન્ય માહિતી



→ અકબરે 1562થી 1601 સુધીમાં અનુક્રમે માળવા, જબલપુર પાસેનું ગોંદવાના, રણથંભોર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, મેવાડ, બંગાળ, કાબુલ, કાશ્મીર, સિંધ, કંદહાર, અહમદનગર તથા અસીરગઢ તાબે કર્યાં. તેમાં ગોંદવાનાની વીર રાણી દુર્ગાવતી તથા તેના બહાદુર પુત્ર વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી (1564). અકબરે ફક્ત 9 દિવસમાં 965 કિમી.ની અંતર કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી દીધું (1573). આનાથી મુઘલ સામ્રાજ્યને બંદરનો લાભ મળતાં તેના વેપાર-વાણિજ્યનો વિકાસ થયો.

→ અકબરનાં બીજાં બે નોંધપાત્ર યુદ્ધો દખ્ખણમાં અહમદનગર તથા અસીરગઢ સામેનાં હતાં. અહમદનગરની વહીવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખૂબ જ વીરતાપૂર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણને નિષ્ફળ બનાવ્યું (1595-96), પરંતુ ત્યારબાદ અકબરના પોતાના સેનાનીપદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર અંતિમ આક્રમણ કર્યું (1600), ત્યારે આંતરિક ખટપટમાં ચાંદબીબીની હત્યા થઈ, જેથી મુઘલોએ અહમદનગર જીતી લીધું અને તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખૂબ મજબૂત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની અધીનતા સ્વીકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરતાં અકબરે કિલ્લાને ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામાં નિષ્ફળ જતાં કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવી કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવીથી અસીરગઢનો કિલ્લો જીત્યો (1601).

→ એક દીર્ઘદર્શી રાજવી તરીકે અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા વિકસાવવા દેશમાં વિશાળ બહુમતી ધરાવતી રાજપૂત-હિંદુ વસ્તી પ્રત્યે ઉદાર નીતિ અપનાવવી જરૂરી હતી; આથી અકબરે રાજપૂતો સાથે લગ્નસંબંધો બાંધ્યા, રાજ્યમાં તેમને ઊંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. આને પરિણામે અકબરને વીર રાજપૂતોની સેવા પ્રાપ્ત થઈ, મુઘલ સામ્રાજ્યનો વિકાસ થયો તથા હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો.

→ પોતાની હિંદુ પ્રજાનો સહકાર મેળવવા અકબરે જજિયા-વેરો તથા યાત્રા-વેરો નાબૂદ કર્યો, પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી, હિંદુઓને પૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું તથા તેમને મંદિરો બાંધવાની છૂટ આપી. અકબરે રાજપૂતો તથા હિંદુઓને ઊંચા હોદ્દા આપ્યા જેને પરિણામે મુઘલ સામ્રાજ્યને ટોડરમલ, માનસિંહ, બિરબલ, બેદીચંદ વગેરેની સેવાઓ પ્રાપ્ત થઈ.

→ અકબરે ધાર્મિક સુધારાની સાથે વહીવટી, સામાજિક તથા શૈક્ષણિક સુધારા પણ કર્યા.

→ તેણે પોતાના વિશાળ સામ્રાજ્યને કેન્દ્ર, સૂબાઓ (પ્રાંતો), સરકાર (જિલ્લા), પરગણા (તાલુકા) તથા ગ્રામ એકમોમાં વ્યવસ્થિત કર્યું. તેણે મહેસૂલી, લશ્કરી તથા વહીવટી વ્યવસ્થાની પૂરક મનસબદારી પદ્ધતિ પણ અમલમાં મૂકી. તેણે મુખ્ય નગરોનું અલગ વહીવટી એકમ બનાવ્યું.

→ અકબરે ગુલામીપ્રથાનો અંત આણી હજારો ગુલામોને મુક્ત કર્યા. તેણે દારૂબંધી ફરમાવી, ફરજિયાત સતીપ્રથા બંધ કરાવી તથા કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી.

→ અકબરે 14 વર્ષથી નીચેની કન્યા તથા 16 વર્ષથી નીચેના છોકરાનાં લગ્ન પર તથા વૃદ્ધલગ્ન પર પ્રતિબંધ મૂક્યો.

→ તેણે વિધવાવિવાહની છૂટ આપી.

→ પહેલી પત્નીથી પુરુષને સંતાન ન હોય તો જ તેને બીજી પત્ની કરવાની છૂટ અપાઈ.

→ અકબરે વેશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મૂક્યાં.

→ સામાજિક સુધારાનો અમલ કરાવવા અકબરે ખાસ અધિકારીઓની નિયુક્તિ કરી.

→ અકબરે દિલ્હી, આગ્રા, શિયાલકોટ તથા ફતેહપુર-સિક્રીમાં ઉચ્ચ શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી, જેમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા.

→ અકબરે ફતેહપુર-સિક્રીમાં કન્યાઓના શિક્ષણ માટે અલગ કન્યાશાળા ખોલી હતી.

→ પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ગણિત, ભૂમિતિ, કૃષિવિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, ઇતિહાસ, વ્યાકરણ વગેરે ઉપરાંત હિંદુ પાઠશાળાઓમાં રામાયણ, મહાભારત, પુરાણો તથા સંસ્કૃતિનો અભ્યાસ, જ્યારે મુસ્લિમ મદરેસાઓમાં કુરાન તથા ફારસીનો અભ્યાસ અનિવાર્ય મનાતો.

→ અકબરે રાજધાનીમાં સ્થાપેલ પુસ્તકાલયમાં અરબી, સંસ્કૃત, તુર્કી, ફારસી, ગ્રીક વગેરે ભાષાઓમાં લખાયેલ આશરે 54,000 હસ્તપ્રતો (ગ્રંથો) હતી.

→ અકબરે સાહિત્ય અને સાહિત્યકારોને આપેલ ઉત્તેજન તેની મોટી સિદ્ધિ કહી શકાય. તેણે સંસ્કૃત, અરબી, તુર્કી વગેરે ભાષાઓમાંનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે એક અલગ અનુવાદ વિભાગ સ્થાપ્યો.

→ રામાયણ, મહાભારત, અથર્વવેદ, લીલાવતી ગણિત, રાજતરંગિણી, પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયૂની, અબુલફઝલ, ફૈઝી વગેરે પાસે અનુવાદ કરાવ્યા.

→ એણે અબ્દુર્રહીમ ખાનખાના પાસે તુઝુકે-બાબરી(બાબરીનામા)નો તુર્કીમાંથી ફારસીમાં અનુવાદ કરાવ્યો.

→ અકબરની પ્રેરણાથી અબુલફઝલે ‘અકબરનામા’ તથા ‘આઇને અકબરી’, નિઝામુદ્દીન અહમદે ‘તબકાતે અકબરી’ તથા બદાયૂની(અબ્દુલકાદિર)એ ‘મુન્તખાબ-ઉત્તતવારિખ’ નામે વિખ્યાત ફારસી કૃતિઓ રચી. આ ગ્રંથોમાં અકબર અને તેના સમયનું વિસ્તૃત વર્ણન છે.

→ અકબરે ઉદાર નીતિથી હિંદી સાહિત્યને ઉત્તેજન આપ્યું. પરિણામે અબ્દુર્રહીમ ખાનખાનાએ ‘રહીમ સતસઇ’ નામે જાણીતી હિંદી કૃતિ રચી. બિરબલ, ભગવાનદાસ, માનસિંહ વગેરેએ હિંદીમાં કાવ્યો રચ્યાં.

→ અકબરના સમકાલીન મહાન સંત કવિ તુલસીદાસે (1535-1623) અવધીમાં ‘રામચરિતમાનસ’ નામે વિખ્યાત ગ્રંથ રચ્યો, જ્યારે અંધ કવિ સૂરદાસે શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને લગતો ‘સૂર-સાગર’ નામે જાણીતો ગ્રંથ વ્રજભાષામાં લખ્યો.

→ અબુલફઝલે ‘અકબરનામા’માં સૂરદાસનો અકબરની રાજસભાના મહાન સંગીતકાર તરીકે ઉલ્લેખ કરેલ છે.

→ અકબરના ઉત્તેજનથી વિઠ્ઠલનાથ (વલ્લભાચાર્યજીના પુત્ર), નંદદાસ, કુંભનદાસ, કેશવદાસ, નાભાજી વગેરેએ તથા મુસ્લિમ સંત રસખાને હિંદી ભાષામાં પોતાની કૃતિઓ રચી.

→ અકબરને શિક્ષણ અને સાહિત્યની માફક કલા અને સ્થાપત્યમાં પણ ઘણો રસ હતો. તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેહપુર-સિક્રી નામે નવું શહેર વસાવ્યું. આ શહેરનો બુલંદ દરવાજો ભારતમાં સૌથી ઊંચો અને વિશ્ર્વમાં સૌથી મોટા દરવાજાઓમાંનો એક ગણાય છે. આ શહેરનાં અન્ય બાંધકામોમાં જામા મસ્જિદ, રાણી જોધાબાઈનો મહેલ, બિરબલનો મહેલ, દીવાને ખાસ, ઇબાદતખાના (પ્રાર્થનાગૃહ) વગેરે ખૂબ જાણીતાં છે. આમાંનાં મોટાભાગના બાંધકામો હિંદુ શૈલીનાં છે.

→ અકબરે જાતદેખરેખ નીચે બંધાવેલ આગ્રા અને લાહોરના કિલ્લા પણ નોંધપાત્ર છે. અબુલફઝલે ‘આઇને અકબરી’માં નોંધ કર્યા મુજબ અકબર ચિત્રકલાને ઈશ્ર્વરને ઓળખવાની કલા માનતો. તેણે વિખ્યાત ઈરાની ચિત્રકાર અબ્દુસ્સમદની રાહબરી નીચે ચિત્રશાળા શરૃ કરી. તેમાં હિંદુ-મુસ્લિમ મળીને 100 ઉપરાંત ચિત્રકારો હતા, જેમાં મોટાભાગના હિંદુઓ હતા. મુસ્લિમોમાં અબ્દુસ્સમદ, મીર સૈયદઅલી તથા ફરુખ બેગ, જ્યારે હિંદુઓમાં દસવન્ત, બસવન, તારાચંદ, જગન્નાથ, ભીમ ગુજરાતી વગેરે મુખ્ય ચિત્રકારો હતા.

→ અબુલફઝલના કથન મુજબ અકબરે સંગીતને પણ ખૂબ પ્રાધાન્ય આપેલું. તે પોતે સંગીતનો સારો એવો જાણકાર હતો. તેની રાજસભામાં 36 સંગીતકારોમાં તાનસેન, બાબા રામદાસ, બૈજુ બાવરા, સૂરદાસ, બાજ બહાદુર (માળવાનો ભૂતપૂર્વ શાસક), લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.

→ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને સહિષ્ણુ હતી. તે પ્રત્યેક ધર્મમાં રહેલ મૂળ સત્ય શોધી કાઢવા ઇચ્છતો હતો અને એ રીતે તે રાજ્યમાં રહેતી જુદી જુદી કોમો (ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ) વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા માગતો હતો. આ આશયથી અકબરે ફતેહપુર-સિક્રીમાં ‘ઇબાદતખાના’(પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી (1575) તથા તેમાં ધાર્મિક ચર્ચા કરવા માટે તેણે જુદા જુદા ધર્મોના પંડિતોને નિમંત્ર્યા, જેમાં હિંદુ ધર્મના પુરુષોત્તમ અને દેવી તથા પુષ્ટિમાર્ગના વૈષ્ણવાચાર્ય વિઠ્ઠલનાથજી, મુસ્લિમ ધર્મના શેખ અબ્દુલ્લા અને અબ્દુલનબી (કટ્ટર સુન્ની) તથા અબુલફઝલ અને ફૈઝી (ઉદારમતવાદી), જૈન ધર્મના હીરવિજયસૂરિ, ભાનુચંદ્ર તથા શાંતિચંદ્ર; પારસી ધર્મના દસ્તુરજી મેહરજી રાણા, શીખ ધર્મના ગુરુ રામદાસ તથા ગોવામાંથી ખ્રિસ્તી ધર્મના રુડોલ્ફ એક્વાવીવા, એન્ટની મોન્સરેટ અને ફ્રાન્સિસ હેનરી ક્વેઝ મુખ્ય હતા.

→ સાત વર્ષ (1575-1582) સુધી ધાર્મિક ચર્ચા-વિચારણાને અંતે અકબરે પ્રત્યેક ધર્મના મૂળ સિદ્ધાંતોને આવરી લેતો ‘તોહીદે ઇલાહી’ (દીને ઇલાહી-એકેશ્વરવાદી) નામે નવો ધર્મ સ્થાપ્યો (1582). દીને ઇલાહીના નિયમો સાદા અને સરળ હતા. તેનું સભ્યપદ પણ મરજિયાત હતું.

→ દીને ઇલાહી દ્વારા પરસ્પર ઝઘડતા વિવિધ સંપ્રદાયોમાં ધાર્મિક સમન્વય સાધીને અકબર દેશની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા ઇચ્છતો હતો.

→ દીને ઇલાહી તેની સહિષ્ણુ અને સમન્વયકારી નીતિનો પ્રતીક હતો.

→ દીને ઇલાહીના સિદ્ધાંતો મુખ્યત્વે પોતાના યુગથી ખૂબ આગળ હોઈને અકબરના અવસાન (1605) સાથે તેનો અંત આવ્યો.

→ અકબરના જીવન પરથી ફિલ્મ અને ટી.વી.સીરિયલો પણ બની છે. ભારતમાં સૌથી પહેલો અકબરનો રોલ પૃથ્વીરાજ કપૂરે 1960માં બનેલી ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં ભજવ્યો હતો.

→ 1979ની ‘મીરા’ ફિલ્મમાં અકબરનું પાત્ર રજૂ થયું હતું.



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments