ગુજરાતી વ્યાકરણ : ક્રિયાવિશેષણ | Gujarati Vykaran : Kriyavisheshan
ક્રિયાવિશેષણ
→ જે પદો (શબ્દો) ક્રિયાપદની સાથે આવિને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તે ક્રિયાવિશેષ્ણ કહે છે.
→ જેવી રીતે વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે તેવી રીતે ક્રિયાવિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે.
→ ક્રિયાવિશેષણ દ્વારા કેવા કેવા અર્થ સૂચવાય છે એના આધારે તેના પ્રકાર પડે છે, એના વિસ્તૃત પ્રકારો નીચે મુજબ છે.
ક્રિયાવિશેષણ ના પ્રકાર
- સ્થળવાચક ક્રિયાવિશેષણ
- કાળવાચક ક્રિયાવિશેષણ
- રીતિવાચક ક્રિયાવિશેષણ
- પરિમાણવાચક ક્રિયાવિશેષણ
- ક્રમવાચક ક્રિયાવિશેષણ
- નીશ્વયવાચક ક્રિયાવિશેષણ
- સ્વીકારવાચક ક્રિયાવિશેષણ
- નકારવાચક ક્રિયાવિશેષણ
- સંભાવનાવાચક ક્રિયાવિશેષણ
- સંખ્યાવાચક ક્રિયાવિશેષણ
સ્થળવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ સ્થળનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવે છે તેને સ્થળવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે.
→ સ્થળવાચક ક્રિયાવિશેષણ પદો : જ્યાં, ત્યાં , ક્યાં, અહીં, તહીં, એમ, સર્વત્ર, ઉપર, નીચે, ઊંચે, હેઠે, હેઠળ, આધે, છેટે, દૂર, પાસે , નજીક, લગોલગ, આગળ, પાછળ, ઉગમણા, આથમણા, વગેરે.....
- ઉદાહરણ :
- ✓ અહીં આવ આપણે વાતો કરીએ.
- ✓ નીચે જાઓ, બાપુજી તમારી રાહ જુએ છે.
- ✓ ગાડી ત્યાં ઊભી છે.
કાળવાચક / સમયવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ સમયનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને સમયવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ કાળ વાચક/ સમયવાચક ક્રિયાવિશેષણ પદો: ત્યારે, ક્યારે, હમણાં, સદા, સર્વદા, નિત્ય, તુરત, હવે, હાલ, ઓણ, પોર, રોજ, અત્યારે, જયારે, અવારનવાર, વારંવાર, કદાપિ, નિરંતર, ઝટ, વગેરે.......
- ઉદાહરણ :
- ✓ એ ક્યારે સૂએ છે?
- ✓ એ રોજ ઈશ્વરનું ધ્યાન ધરે છે.
- ✓ તે કચેરીમાં હમણાં આવ્યો.
- ✓ હંમેશા સત્ય બોલો.
રીતિવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ ક્રિયા થવાની રીતનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેને રીતિવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ આ ક્રિયાવિશેષણ ક્રિયા કેવી રીતે થઈ એટ્લે કે ક્રિયાની રીત દર્શાવે છે.
→ રીતિવાચક ક્રિયાવિશેષણ પદ : આમ, તેમ, કેમ, જેમ, તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ, માંડ, અડોઅડ, પડ્યો-પડ્યો, તરત, તરતોતરત વગેરે......
- ઉદાહરણ :
- ✓ જલદી – જલદી તેઓ આવી ગયા.
- ✓ જાન વળાવી પાછો ફરતો દીવડો થરથર કંપે.
પરિમાણવાચક ક્રિયાવિશેષણ
→ જે પદો ક્રિયાનુ પ્રમાણ કે માપ દર્શાવે તેને પરિમાણવાચક ક્રિયાવિશેષણ કહેવામા આવે છે.
→ પરિમાણવાચક ક્રિયાવિશેષણ પદ : ખૂબ, જરા, જરાક, લગાર, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત, ઘણું, ઓછું, વગેરે.....
- ઉદાહરણ :
- ✓ રાકેશને થોડું દુ:ખે છે.
- ✓ સાકેત ઘણું રડ્યો.
- ✓ અતિશય ગુસ્સો સારો નહિ.
ક્રમવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ ક્રમનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવે તેને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ ક્રમવાચક ક્રિયાવિશેષણ પદ : પૂર્વે, અગાઉ, પાછળ, અગાઉ, આગળ, પાછળ, પછી વગેરે....
- ઉદાહરણ :
- ✓ રાકેશ પહેલો આવ્યો.
- ✓ તે આગળ આવ્યા.
- ✓ ચાર વર્ષ પછી અમે ભેગા થયા.
નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ નિશ્વયનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવે તેને નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ પદ : ખરેખર, જરૂર, અવશ્ય, વગેરે .......
- ઉદાહરણ :
- ✓ ખરેખર, આ કામ આપણે જાતે કરવું જોઈએ.
- ✓ જરૂરથી આવજો.
- ✓ ગીતા આ ગીત ચોક્કસ ગાશે.
સ્વીકારવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ સ્વીકારનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને સ્વીકારવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ સ્વીકારવાચક ક્રિયાવિશેષણ પદ : ભલે, છો, હા, વારુ, સારું, વગેરે .......
- ઉદાહરણ :
- ✓ તમે ભલે પધાર્યા.
- ✓ વારું! તમે કહેશો તેમ.
- ✓ ભલે, તમારું કામ થઈ જશે.
નકારવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ નકારાત્મકતાનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને નકારવાચક ક્રિયાવિશેષણ કહે છે.
→ નકારવાચક ક્રિયાવિશેષણ પદ : મા, ના, ન, વગેરે ......
- ઉદાહરણ :
- ✓ તે જમવા ગયો નહિ.
- ✓ જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ અમને
- ✓ તમારા મનમાં ના ધારશો.
સંભાવનાવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ સંભાવનાનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તે સંભાવનાવાચક ક્રિયાવિશેષણ કહેવામા આવે છે.
→ સંભાવનાવાચક ક્રિયાવિશેષણ પદ : કદાચ, કદાચિત, બનતા સુધી , શકે, રખે, જાણે, વગરે ......
- ઉદાહરણ :
- ✓ જાણે કુદરતનો કોપ ઊતર્યો હોય એવું લાગે છે.
- ✓ તેઓ કદાચ આવતી કાલે મુંબઇ આવશે.
સંખ્યાવાચક ક્રિયાવિશેષણ
→ આ ક્રિયાવિશેષ્ણ ક્રિયાની સંખ્યા એટ્લે કે ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવે છે.
→ સંખ્યાવાચક ક્રિયાવિશેષણ પદ : વારંવાર, એકવાર, અનેક વાર, બહુ વાર
- ઉદાહરણ :
- ✓ તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઊતરતું જ નથી.
- ✓ એક વાર મારી વાત સાંભળશો ખરા?
પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ ક્રિયાપદના અર્થમાં પ્રશ્નનું સૂચન કરી વિશેષતા બતાવે તે પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ કહેવાય.
→ પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ પદ : કેમ , ક્યારે, ક્યાં, વગેરે....
- ઉદાહરણ :
- ✓ તમે કેમ આવ્યા હતા?
- ✓ તમે ક્યાથી આવો છો?
અનુકરણવાચક ક્રિયાવિશેષણ
→ જે પદ ક્રિયાપદની અનુકરણ વાચકતાનો અર્થ સૂચવે તે અનુકરણવકહક ક્રિયાવિશેષણ કહેવાય.
→ અનુકરણવાચક ક્રિયાવિશેષ્ણ પદ : ફટાફટ, છમછમ , ચપોચપ, વગેરે ....
- ઉદાહરણ :
- ✓ તેણે ચપોચપ જમી લીધું.
- ✓ તે ફટાફટ તૈયાર થઈ ગયો.
હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ
→ જે પદો ક્રિયાપદનો હેતુ કે કારણ દર્શાવે તે પદો હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
→ હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ પદ : કેમ, શા માટે, વગેરે
- ઉદાહરણ :
- ✓ ત્યાં જમવા માટે જવાનું છે.
- ✓ તું મારી મજાક ઉડાવવા આવ્યો છે.
0 Comments