નખત્રાણા | Nakhatrana


નખત્રાણા

→ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક.

→ કચ્છના ડુંગરો ત્રણ ધાર(ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર)માં વહેંચાયેલાં છે. તે પૈકી મધ્ય ધારમાં ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલો છે. આ ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે.

→ કાનફટા પંથના સ્થાપક દાદા ગોરખનાથની તપોભૂમિ અને મઠ આ ડુંગર પર આવેલ છે.

→ જાણીતા સૂફી સંત હાજીપીરની દરગાહ નખત્રાણા તાલુકામા આવેલી છે. જેને કચ્છના 'ગરીબ નવાઝ' તથા 'જિંદાપીર' તરીકે ઓળખવામાં આવે છે.

→ છારીઢંઢ જળપ્લાવિક ભૂમિ સંરક્ષિત અભયારણ્ય છે જેને વર્ષ 2008માં યુનેસ્કો દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યું છે. જે કચ્છના રણ અને બન્ની ઘાસના મેદાની કિનારે આવેલું છે.

→ છારીનો અર્થ ક્ષાર અને ઢંઢનો અર્થ સિંધિ ભાષામાં છીંછરા ખાબોચિયાં એવો થાય છે. આ મોસમી જળપ્લાવિત અભયારણ્ય છે. શિયાળા અને ચોમાસામાં વિદેશી પક્ષીઓ માટેનું આ મહત્વનું સ્થાન ગણાય છે.

રોહાનો કિલ્લો નખત્રાણા તાલુકાની રોહા ગામની સીમા પર આવેલો છે. આ કિલ્લામાં અલ્લાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલાં અબડાસાના જાગીરદાર અબરાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય લીધો હતો, પછીથી તમામ રાજકુમારીઓએ સમાધિ લીધી હતી. આ સ્થળને 'સુમરીરોહા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ નખત્રાણા તાલુકામાંથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. અહીંના દેશલપર અને કોટડામાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

→ નખત્રાણા પાસે ભૂખી નદી પરની ભેખડમાંથી બેસાલ્ટમાંથી બનેલી ગોળાકાર ધારવાળી પતરીઓ (flakes) મળી આવી છે, જેનો ઉપયોગ શિકાર કરેલાં પ્રાણીઓને કે ઝાડની ડાળીઓને કાપવા માટે કરવામાં આવતો હશે.

→ દસમી સદી દરમિયાન સોલંકી વંશના સાંધોની રાજધાની નખત્રાણા તાલુકાના ગૂંતરી ગામમાં હતી.

→ નખત્રાણામાં આવેલ કડિયા ધ્રોને (કાળિયા ધ્રો) 'ધ ન્યુ ટાઈમ્સ' દ્વારા પસંદ કરવામાં આવેલ વિશ્વના ફરવાલાયક 52 સ્થળાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કરોડો વર્ષ જૂની આ ખડકીય સંરચનાની વૈશ્વિક સ્તરે નોંધ લેવાયેલ છે. કડિયા ધ્રોની કુદરતી સુંદરતા એ વૈશ્વિક ઓળખ બની છે. કડિયા ધ્રોની (કાળિયા ધ્રો) બેનમૂન તસવીરો ભૂજના ટ્રાવેલ ફોટોગ્રાફર વરુણ સચદેવ એ ધ ન્યુયોર્ક ટાઈમ્સને મોકલી હતી. આ સ્થળે સપાટ રહેલી ખડકોને પવનોની અસરો અને પાણીનો ધસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. આ સ્થળ પર આવેલા પર્વતોને સાત શિખરો (પાચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાત શિખર)ને લીધે અહીંના લોકો મહાભારત પર્વત તરીકે ઓળખે છે.

→ કોટા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઈ ગામના નિર્જન વિસ્તારોમાં કમાલનું કુદરતી નકશીકામ અને રંગબેરંગી ડિઝાઈન છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે કયાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. જેને ગામઠી ભાષામાં 'ધ્રો' કે 'વાય' તરીકે ઓળખાય છે. આ સ્થળ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન સાથે સામ્યતા ધરાવે છે.

→ ભારતીય અને કેનેડિયન પુરાતત્વવિદોને ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા ભાદેલીમાંથી સિંધુ ખીણ-સભ્યતાના 4500 વર્ષ જૂના (ઈ.સ.પૂર્વે 2500) ડેરીના અવશેષો પ્રાપ્ત થયા છે.

Post a Comment

0 Comments