Computer History | કમ્પ્યૂટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ


કમ્પ્યૂટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ

→ અબકાસ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર (સાધન) છે. એક ફ્રેઈમમાં જોડેલા તાર ઉપર 10 મણકાઓવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો.

→ પ્રથમ મૂળભૂત કૅલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલે કરી જે ફક્ત મર્યાદિત કામ કરી શકે.

→ 1690માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે. જોકે સૂચનાઓને યંત્રમાં વણી લીધી હતી (hard coded) અને આ સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા ન હતા.

→ 1822માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન (difference engine) નામના એક મોડલની ડિઝાઇન બનાવી. આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી.

→ 1833માં બેબેજે એનાલિટીક એન્જિન (analytic engine)ની રચના કરી. આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેક્નોલોજીનો પાયો આ એનાલિટીક એન્જિનની ટેક્નોલોજીએ પૂરો પાડ્યો, એનાલિટીક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક ઍરિથમેટિક યુનિટ હતું અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના હતી. આવા પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કમ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

→ 1940ના સમયગાળામાં જોન વાન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. સૌપ્રથમ પ્રોગ્રામ- સંગૃહીત કમ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિસ્રોત હતા.

→ 1946માં જે. પ્રેસ્પર એકર્ટ અને જહોન ડબલ્યુ. મૌચલીયુનિવર્સિટી ઑફ પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના ENIAC નામના મશીનની રચના કરી.

ENIAC (Electrical Numerical Integrator and Calculator) એવું સૌપ્રથમ મશીન હતું, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ (વેક્યુમ-ટ્યુબ્સ)નો ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી અને તેને ઠંડું રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડતી હતી. આ ઉપરાંત ઈનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. આ મશીનમાં આંતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચિસ (switches) મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી.


પહેલી પેઢીના કમ્પ્યુટર (1945-55) (First Generation Computers (1945-55)

→ પહેલી પેઢીનાં કમ્પ્યુટર્સની શરૂઆત ENIACથી થઈ.

→ 1951માં મોચલી અને એકર્ટ દ્વારા બનાવેલ IBM UNIVACI (Universal Automatic Computer) આવ્યું. આ કમ્પ્યુટર ધંધાકીય ડેટા-પ્રોસેસિંગ કરવા સમર્થ હતું.

→ પહેલી પેઢીના કમ્પ્યુટરમાં નિર્વાત નલિકા (વૅક્યૂમ-ટ્યુબ્સ)નો ઉપયોગ થયો હતો.

→ નિર્વાત નલિકાના કારણે પહેલી પેઢીના કમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું, પુષ્કળ પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ થતો, ઈનપુટ અને આઉટપુટ ધીમા હતા અને તેમાં ગરમી તથા જાળવણીની સમસ્યા હતી. નિર્વાત નલિકાની જિંદગી ઘણી ટૂંકી હોવાથી તેને વારંવાર બદલવાની જરૂરિયાત રહેતી.


બીજી પેઢીના કમ્પ્યુટર (1955-65) (Second Generation Computers (1955-65))

→ પહેલી પેઢીનાં કમ્પ્યુટરમાં નિર્વાત નલિકાઓને કારણે ઉદ્ભવતી સમસ્યાઓને નિવારવા માટે બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર (transisters)નો ઉપયોગ થયો.

→ ટ્રાન્ઝિસ્ટર એક નાના કદના અર્ધવાહક પદાર્થથી બનેલ ઘટક છે. ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને કમ્પ્યુટરનું કદ પણ ઘટ્યું. આ ઉપરાંત કમ્પ્યુટરની કામ કરવાની ઝડપ પ્રમાણમાં વધી. તેની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ સુધારો થયો.

→ હવે યાંત્રિક (યંત્ર સમજી શકે તે) ભાષામાં કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કામ થઈ શકતું.

IBM 1620 એ બીજી પેઢીનાં કમ્પ્યુટરનું ઉદાહરણ છે.


ત્રીજી પેઢીના કમ્પ્યુટર (1965-80) (Third Generation Computers (1965-80))

→ ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ (ICs)નો ઉપયોગ કરવામાં આવ્યો.

→ આ સર્કિટ્સ એક સિલિકોન ચીપ ઉપર બેસાડવામાં આવતી હતી.

→ સિલિકોન ચીપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વિગેરે જેવા અનેક ઇલેક્ટ્રૉનિક ઘટકો જડવામાં આવતા હતા.

→ સર્કિટમાં તારના આંતરજોડાણો ઘણાં ઓછાં કરવામાં આવતાં આ કમ્પ્યુટર કદમાં નાનાં, કાર્યમાં ઝડપી અને ઈનપુટ તથા આઉટપુટમાં સુગમ (flexible) બન્યાં.

→ ત્રીજી પેઢીનાં કમ્પ્યુટર એક નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતાં હતાં.

→ IBM 360, PDP 8 અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.


ચોથી પેઢીનાં કમ્પ્યુટર(1980-89) (Fourth Generation Computers (1980-89))

→ ચોથી પેઢીનાં કમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં IC નો ઉપયોગ થયો હતો, જેને VLSI (Very Large Scale Integration) કહેવાય. આના કારણે આ પ્રકારનાં કમ્યુટર અતિશય ઝડપી, ખૂબ જ નાનાં અને વધારે ભરોસાપાત્ર હતાં.

→ આ પેઢીના કમ્પ્યુટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ (user-friendly - વાપરવામાં સરળ) બન્યાં અને અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાતા થયાં. આથી આ કમ્પ્યુટર અંગત કમ્પ્યૂટર (Personal Computers - PCs) કહેવાયાં.

→ IBM PC અને Apple II એ અંગત કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

→ ચોથી પેઢીનાં કમ્પ્યૂટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યૂટરનો પણ સમાવેશ થાય છે.

→ આ કમ્યુટર એક સેકન્ડમાં અનેક અબજ સૂચનાઓનો અમલ કરવા સમર્થ છે. તેનો ઉપયોગ એવા વિનિયોગમાં કરવામાં આવે છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગાણિતિક ગણતરીઓ કરવાની જરૂર પડે. જેમકે, શેર-વિશ્લેષણ, હવામાનની આગાહી અને અન્ય જટિલ અને ગૂંચવણભરેલા વિનિયોગ. આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર નેટવર્ક ટેક્નોલૉજીનો પણ ફેલાવો થયો.


પાંચમી પેઢીનાં કમ્પ્યુટર (1989- આજ સુધી) (Fifth Generation Computers (1989-till date))

→ પ્રક્રિયાની ઝડપ, ઉપયોગકર્તા સાથેનાં મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કમ્પ્યુટર નેટવર્ક સાથેનાં જોડાણ બાબત પાંચમી પેઢીનાં કમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યાં. આ કમ્પ્યુટર પોર્ટેબલ (સુવાહ્ય-portable) અને સગવડભર્યાં છે.

→ પાંચમી પેઢીનાં કમ્પ્યૂટરની મુખ્ય લાક્ષણિક્તામાં શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક-કમ્પ્યુટર, સંગહ કરવાની વિવિધ રચનાઓ, જેમકે ઓપ્ટિકલ ડિસ્ક અને અથતન સોફ્ટવેર ટેક્નોલૉજી જેવી કે કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence) અને ડિસ્ટ્રિબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

→ IBM નોટબુક, પેન્ટિયમ PC અને PARAM 10000 પાંચમી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

વિવિધ પેઢીનાં કમ્પ્યૂટરની મુખ્ય લાક્ષણિકતાઓની યાદી
પેઢીઓ લાક્ષણિકતાઓ ઉદાહરણો
પહેલી
→ નિર્વાત નલિકાઓનો ઉપયોગ કદમાં મોટાં
→ ઝડપ ઓછી અને ઓછાં કાર્યશ્રમ પંચકાર્ડનો ઉપયોગ
→ વ્યાપાર માટે બિનઉપયોગી
IBM UNIVAC 1
બીજી
→ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ
→ ઝડપ વધારે અને કદમાં અગાઉની પેઢી કરતાં નાનાં
→ ઉચ્ચ કક્ષાની ભાષાનો ઉપયોગ
IBM 1620
ત્રીજી
→ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ
→ વાપરવામાં સુગમ અને કદમાં નાનાં
→ ધંધાકીય વિનિયોગ માટે યોગ્ય
→ મિની કમ્પ્યુટર તરીકે જાણીતાં
→ IBM 360
→ PDP 8
→ PDP 11
ચોથી
→ વેરી લાર્જસ્કેલ ઈન્ટિગ્રેટેડ (VLSI) સર્કિટ્સનો ઉપયોગ
→ ક્રિયા-પ્રતિક્રિયા આપતું વિવિધ કાર્યો માટેનું યંત્ર
→ વિનિયોગનો ઝડપી વિકાસ થાય તે પ્રકારની સગવડ
→ અંગત કાર્ય કરવા માટે તેનો ઉપયોગ સરળ નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકાય.
→ IBM PC
→ Apple II
→ Super computers. જેવાકે CRAY શ્રેણીના કમ્પ્યુટર
પાંચમી
→ સુવાહ્ય (પોર્ટેબલ) અને અતિ આધુનિક (સગવડતાભર્યાં)
→ પ્રક્રિયાની ઝડપ અતિશય વધારે, ઉપયોગકર્તા સાથે વધારે મૈત્રીપૂર્ણ
→ વ્યવહાર, નેટવર્ક જોડાણ અતિ સરળ
→ કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યનો સમાવેશ.
→ IBM notebook
→ Pentium PCs
→ PARAM 10000


સોફ્ટવેર આધારિત કમ્યુટરની પેઢીઓ (Generations of Computers Based on Software)

→ હાર્ડવેરની પાંચ પેઢીઓની જેમ સૉફ્ટવેરની પણ પેઢીઓ છે.

→ સૌપ્રથમ પેઢી એ યંત્રકક્ષાની ભાષા કે યંત્રભાષા (મશીન-લેંગ્વેજ - machine language) છે, જે સંજ્ઞા 0 અને 1 વાળી બે સ્થિતિની ભાષા છે.

→ આમાં બે અંક હોવાથી તેને દ્વિઅંકી ભાષા (બાયનરી લેંગ્વેજ - binary language) પણ કહેવામાં આવે છે.

→ કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી આ ભાષા (દ્વિઅંકી ભાષા)ને સમજી શકે છે.

→ મશીન-લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજ (assembly language) રજૂ કરવામાં આવી.

→ એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક કોડ (સાંકેતિક ચિહ્ન - mnemonic codes) અથવા ચિહ્ન (symbols)નો ઉપયોગ થાય છે.

એસેમ્બલી લેંગ્વેજને બીજી પેઢીની કમ્પ્યુટર ભાષા ગણવામાં આવે છે.

→ મશીન-લેંગ્વેજ હોય કે એસેમ્બલી લેંગ્વેજ, ડેટા અને સૂચનાઓ આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવે તેવું હતું. આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. જો અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષા (કે અંગ્રેજી ભાષાનો નાનો ભાગ) કમ્પ્યુટરમાં વાપરવામાં આવે અને કમ્યુટરને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે, તો કમ્યુટરને ડેટા અને સૂચનાઓ આપવાનું કાર્ય (અંગ્રેજીનો સબસેટ)ની ત્રીજી પેઢીની ભાષા તરીકે રચના કરી.

→ આ ત્રીજી પેઢીની ભાષાને હાયર લેવલ લેંગ્વેજ (higher level language) તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ માહિતી (પ્રોગ્રામ)નો સ્વયં- સંચાલિત રીતે મશીન-લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે, જેને ટ્રાન્સલેટર (translator) (જેમ કે કમ્પાઇલર - compiler અને ઇન્ટરપ્રિટર - interpreter) કહેવામાં આવે છે.

→ મશીન-લેંગ્વેજમાં લખાયેલ આ ટ્રાન્સલેટર અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં લખાયેલ ડેટા અને સૂચનાઓને યંત્ર સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે.

→ C, COBOL (કોબોલ) અને Java (જાવા) જેવી પ્રોગ્રામિંગની ભાષાઓ હાયર લેંગ્વેજનાં ઉદાહરણ છે.

સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ (Structured Query Language - SQL) એ ચોથી પેઢીની પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ઉદાહરણ છે.

→ ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતની છે કે જેથી ફક્ત ‘શું કરવું છે' તેનો જ નિર્દેશ કરીને વિનિયોગનો વિકાસ ઝડપી બને છે.

→ જ્યારે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી.

→ ખામી શોધવી (fault-finding). ધ્વનિની ઓળખ કરવી (voice recognition) અને અંતર્વેધને શોધવું (intrusion detection) એ કેટલાક ઉદાહરણરૂપ વિનિયોગ છે કે જેમાં આ સગવડ મદદરૂપ થાય છે.

→ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જટિલતા ન રહે અને ઉપયોગકર્તા સાથેની ક્રિયા-પ્રતિક્રિયા સરળ રહે તે માટે આ કાર્ય પારદર્શિતા સાથે કરવામાં આવે છે. આ ધ્યેય પાર પાડવા માટે પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓમાં કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence AI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.


સોફ્ટવેરના પ્રકારો(Types of Software)

→ સૂચનાઓના સમૂહ (સેટ)ને કમ્પ્યુટર પ્રોગ્રામ કહેવામાં આવે છે.

→ પ્રોગ્રામ લખવાની (કોડિંગ - coding) ક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે, તેને પ્રોગ્રામર કહેવામાં આવે છે.

→ સૉફ્ટવેરના મુખ્ય બે પ્રકાર છે : સિસ્ટમ સોફ્ટવેર (systems software) અને ઍપ્લિકેશન સૉફ્ટવેર (application software).

→ સિસ્ટમ સૉફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને કમ્પ્યુટર હાર્ડવેર તથા ધંધાકીય વિનિયોગનાં સૉફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે.

→ કમ્પ્યુટરનું યોગ્ય રીતે બૂટિંગ કરવું (ચાલું કરવું - booting), મેમરીનું સંચાલન કરવું, સેકન્ડરી મૅમરીમાંથી પ્રાઈમરી મૅમરીમાં ડેટાનો માર્ગ કરવો, પ્રિન્ટર તથા અન્ય સ્રોતોનું સંચાલન વગેરે જેવાં મહત્ત્વનાં કાર્યો સિસ્ટમ સૉફ્ટવેર કરે છે.

→ ઑપરેટિંગ સિસ્ટમ (operating system) એ સિસ્ટમ સૉફ્ટવેરનું ઉદાહરણ છે.

→ ટ્રાન્સલેટર પ્રોગ્રામ્સ પણ સિસ્ટમ સૉફ્ટવેરનાં ઉદાહરણ છે. કેટલાક ટ્રાન્સલેટર પ્રોગ્રામ્સ પ્રોગ્રામિંગ ભાષા (ઉદ્ગમભાષા - source language)માં લખાયેલા આ સોર્સકોડને (source code) એકસાથે કમ્પ્યૂટરની અન્ય ભાષામાં (લક્ષ્ય ભાષા, મુખ્યત્વે મશીન/દ્વિઅંકી ભાષામાં) રૂપાંતરિત કરે છે. આ પ્રકારના પ્રોગ્રામને કમ્પાઇલર (compiler) કહેવામાં આવે છે.

→ ઇચ્છિત પરિણામ મેળવવા માટે અનુકૂળતાએ રૂપાંતરિત કોડનો અમલ કરવામાં આવે છે. કેટલાક ટ્રાન્સલેટર પ્રોગ્રામ્સ એક પછી એક લીટીને સૉર્સકોડમાંથી ટાર્ગેટ કોડમાં રૂપાંતરિત કરીને તેના અમલ વડે તરત જ પરિણામ તૈયાર કરે છે. આ પ્રોગ્રામને ઈન્ટરપ્રિટર (interpreter) કહેવામાં આવે છે.

→ ધંધાકીય વિનિયોગ જેવાકે સંગૃહીત ડેટામાંથી અહેવાલ (રિપોર્ટ) પ્રિન્ટ કરવો, બિલ તૈયાર કરવાં, પગાર-પત્રક બનાવવું, હાજરીની નોંધ કરવી, વિદ્યાર્થીઓનું ગુણપત્રક પ્રિન્ટ કરવું વગેરે માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ પ્રકારના વિશિષ્ટ વિનિયોગ માટે ખાસ સૉફ્ટવેર બનાવવું પડે છે. આ સૉફ્ટવેરને ઍપ્લિકેશન સૉફ્ટવેર (application software) કહેવામાં આવે છે.

→ ઍપ્લિકેશન સૉફ્ટવેર એ કમ્યુટર સૂચનાઓનો સેટ (પ્રોગ્રામ્સ) છે, જે ઉપયોગકર્તાને કોઈ વિનિયોગને લગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે. આ કાર્ય કોઈ સામાન્ય હેતુ માટે પણ હોઈ શકે, જેમકે : વર્ડ- પ્રોસેસિંગનું કાર્ય કે જે દરેક ધંધાની જરૂરિયાત હોય છે અથવા તેના કરતાં પણ નાનું કાર્ય,


પ્રચલિત કમ્પ્યુટર (Popular Computers)

→ કમ્પ્યુટરને કોઈ પણ પેઢીના પ્રોગ્રામિંગની ભાષામાં સૂચનાઓ આપીએ પણ અંતે તે અંક 0 અને 1ની શ્રેણીમાં રજૂ કરવી પડે છે. આથી આ પ્રકારનાં કમ્યુટર ડિજિટલ કમ્પ્યુટર પણ કહેવાય છે.

→ એનાલૉગ કમ્પ્યુટર અંકોને બદલે વૉલ્ટેજના કંપવિસ્તાર (amplitude) (કરંટ અથવા આવૃત્તિ (frequencies) અથવા ફેઈઝ)નો સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે. આથી આ પ્રકારના કમ્પ્યુટરને એનાલૉગ કમ્પ્યૂટર કહેવામાં આવે છે.

→ કેટલાંક કમ્પ્યુટર આ બંને પ્રકારની ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે, તેને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે.


અંગત અથવા ડેસ્કટોપ કમ્પ્યૂટર (Personal or Desktop Computers)

→ સામાન્ય રીતે તે રોજિંદા ધંધાકીય કાર્યોમાં વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે.

→ ડેસ્કટોપ કમ્પ્યુટર ઑફિસ જેવી કોઈ ચોક્કસ જગ્યાએ રોજિંદી ગણતરીનાં કાર્યમાં વપરાય છે. અદ્યતન કમ્પ્યૂટરમાં સિસ્ટમ-બૉક્સ સાથે મૉનિટર, કી-બોર્ડ અને માઉસનો સમાવેશ થાય છે.


લૅપટોપ કમ્પ્યૂટર (Laptop Computers)

→ લેપટોપ કમ્પ્યૂટર પાતળા સ્ક્રીન સહિત વજનમાં ઘણાં હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવા (સુવાહ્ય portable) હોય છે. તેના નાના કદને કારણે તેને નોટબુક કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે.

→ લેપટોપમાં લગભગ ડેસ્કટોપ જેવા જ ઘટકો સામેલ છે. જેમાં એક જ એકમમાં સ્ક્રીન, કી-બોર્ડ, નિર્દેશ કરવા માટેના એકમ જેમકે ટચપેડ (ટ્રેકપેડ તરીકે પણ ઓળખાય છે) અને/અથવા પોઇન્ટિંગ સ્ટિક તેમજ સ્પીકર્સનો સમાવેશ થાય છે.

→ આજકાલ લેપટોપની એક પાતળી આવૃત્તિ પ્રચલિત થતી જાય છે જેને અલ્ટ્રાબુક કહેવામાં આવે છે.

→ એક સામાન્ય લેપટોપ કરતાં અલ્ટ્રાબુકનું કદ નાનું અને વજન ઓછું છે.

→ અલ્ટ્રાબુક કમ્પ્યુટિંગ ટેક્નોલૉજીમાં બૅટરીની લાઇફ લાંબી હોય છે તથા શક્તિશાળી અને ઓછા વોલ્ટેજવાળા પ્રોસેસરનો ઉપયોગ થાય છે.


હેન્ડલુમ કમ્પ્યુટર (Handheld Computers)

→ હેન્ડહેલ્ડ કમ્પ્યુટર (હાથમાં રહી શકે તેવાં કમ્પ્યુટર Handheld computers) પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ (Personal Digital Assistants PDAs) તરીકે પણ જાણીતા છે.

→ તે લૅપટોપની સરખામણીમાં કદમાં નાનાં છે અને કોઈ પણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે.

→ પેન જેવી સ્ટાઇલસ (stylus)નો તે ઉપયોગ કરે છે અને સ્ક્રીન ઉપર હાથ વડે લખેલ માહિતીને સીધા નિવેશ તરીકે સ્વીકારે છે. તેનો સ્ક્રીન સામાન્ય રીતે ટચસ્ક્રીન હોય છે.

→ આયોજિત મુલાકાત માટેનું વિગતવાર નોંધપત્રક બનાવવા (scheduling appointments), સંપર્કમાં રહેલી વ્યક્તિઓનાં નામ અને સરનામાંની માહિતીનો સંગ્રહ કરવા અને વિવિધ રમતો રમવા જેવાં કાર્યો માટે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર ઉપયોગી બને છે. આકૃતિ 2.9માં હેન્ડહેલ્ડ કમ્પ્યુટર બતાવેલ છે.


ટેબ્લેટ કમ્પ્યુટર (Tablet Computer)

→ ટેબ્લેટ કમ્પ્યુટર સુવાહ્ય (portable) અને હરતાં-ફરતાં ગણતરીઓ કરવાનું એક સાધન છે. ટચસ્ક્રીનની સગવડતા ધરાવતા એક મોટા મોબાઇલ ફોનની જેમ ટેબ્લેટ કમ્યુટર એક મોબાઇલ કમ્યુટર છે. તે સામાન્ય રીતે સ્કીન ઉપરના આભાસી કી-બોર્ડ (પ્રત્યક્ષ પણ હકીકતમાં નહિ તેવું કી-બોર્ડ), એક નિષ્ક્રિય સ્ટાઇલસ પેન અથવા ડિજિટલ પેનનો ઉપયોગ કરે છે. આવા ટેબ્લેટ કમ્પ્યુટરમાં કી-બોર્ડની જરૂર રહેતી નથી.

→ ટેબ્લેટ કમ્પ્યુટરના બે પ્રકાર પ્રચલિત છે : (1) સ્લેટ ટેબ્લેટ PC. (slate tablet PC) અને (ii) કન્વર્ટિબલ ટેબ્લેટ PC (convertible tablet PC).

→ સ્લેટ ટેબ્લેટ એવા પ્રકારનું ટેબ્લેટ છે, જેમાં કી-બોર્ડ જોડેલું હોતું નથી. જોકે માગણી કરવાથી કી-બોર્ડ લગાવી શકાય છે.

→ કન્વર્ટિબલ ટેબ્લેટ PC મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લૅપટોપ કમ્પ્યૂટર છે, જેનો સ્ક્રીન ભંવરકડીની જેમ ફરી શકે છે (swivel - બે ભાગને જોડનારો નકૂચો અને કડી જેમાંથી એક ભાગ સ્થિર રહીને બીજો ભાગ ગોળ ફરી શકે છે) અને કી-બોર્ડ ઉપર વળી શકે છે.


વેરેબલ કમ્યુટર (Wearable Computers)

→ વેરેબલ કમ્યુટર બોડી-બોર્ન કમ્યુટર તરીકે પણ જાણીતાં છે.

→ તે ગણતરી કરવા માટેના અતિ બારીક એકમ છે, જે કોઈ વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે. તે માનવશરીર ઉપર રાખવામાં આવતાં હોવાથી ઘણાં નાનાં અને વજનમાં હલકાં હોય છે. .

→ વૅરેબલ કમ્પ્યૂટર બંગડી (કંકણ - bracelet), લટકણિયું (pendent), ચશ્માં અને અંગૂઠી જેવાં વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. .

→ આ એકમ મલ્ટીટાસ્ટિંગ (એકસાથે અનેક કાર્ય કરવા) માટે સમર્થ છે. તેની સાથે તમે અન્ય રોજિંદાં કાર્ય કરી શકો છો, ઘણી વખત આવા એકમને ઉપયોગકર્તાના શરીર અને/અથવા મગજના અતિરિક્ત/પૂરક ભાગ (extension) તરીકે ગણવામાં આવે છે. .

→ એક નાની પ્રોગ્રામ્ડ ચીપ જેવા ભિન્ન વેરેબલ કમ્પ્યૂટર પ્રાણીનાં હલનચલનની દેખરેખ માટે વપરાય છે. પ્રાણીના કાન જેવા કોઈ અંગ ઉપર અગાઉથી પ્રોગ્રામ કરેલ વજનમાં એક હલકી માઇક્રો-પ્રોસેસર ચીપ જોડી દેવામાં આવે છે. આ ચીપ કોઈ પ્રદેશમાં તે પ્રાણીના હલનચલન ઉપર દેખરેખ રાખે છે..


Question & Answer

  1. કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે?
  2. ENIACનું પૂર્ણ સ્વરૂપ શું છે?
  3. કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે?
  4. કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ (નેમોનિક કોડ) વાપરવામાં આવે છે ?
  5. Java. C અને COBOL કયા લેવલની ભાષાનાં ઉદાહરણ છે ?
  6. નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં ‘કઈ રીતે કરવું' ને બદલે ‘શું કરવું છે'નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી ?
  7. સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં AI ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો ?
  8. ઑપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનાં સૉફ્ટવેરનું ઉદાહરણ છે ?
  9. પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સૉફ્ટવેર છે ?
  10. જે કમ્પ્યૂટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે, તેને તમે શું કહેશો ?
  11. જે કમ્પ્યૂટર અંકોને બદલે વૉલ્ટેજના કંપવિસ્તાર (અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઈઝ)ના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે, તેને તમે શું કહેશો?
  12. ____________ હેન્ડહેલ્ડ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે ?

Post a Comment

0 Comments