Ad Code

Responsive Advertisement

પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો | Tools to know the history of ancient India


પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો

→ ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે.

→ ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઈતિહાસ પડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

→ ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિંદમહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે.

→ ભારત ઉત્તર-દક્ષિણ 3214 કિમી જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ 2933 કિમી જેટલી પહોળાઈ ધરાવે છે.

→ જમીનસીમા લગભગ 9600 કિમી અને સમુદ્રસીમા લગભગ 8000 કિમી જેટલી ધરાવે છે.

→ ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોકિમી જેટલો વિશાળ છે.

→ ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગના માધ્યમથી પુરાણોમાં ઈતિહાસ-લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે.

→ ઈ.સ.ની બારમી સદીમાં કલ્હણ 'રાજતરંગિણી' નામનો કાશ્મીરનો ઈતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે.

→ 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઈતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો.

→ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે (ઈ.સ. 1784) રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેણે 'મનુસ્મૃતિ'નાં અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સમુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું.

→ અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી (ઈ.સ. 1837).

→ વિન્સન્ટ આર્થર સ્મિથે Early History Of India લખ્યું. જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જે બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે.

→ રાષ્ટ્રવાદી ઈતિહાસકારોમાં ડો.આર.જી. ભાંડાકર અને વી.કે. રાજવડેનો સમાવેશ થાય છે.

→ સ્વતંત્રતા ભાદ ભારતીય ઇતિહાસ-લેખનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઈતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઈતિહાસ પર લખાણ વધવા લાગ્યું.

→ એ. એલ. બાશમ “ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા'ના લેખક અને ડી. ડી. કોસામ્બી ‘ઈન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન સિસ્ટરી'ના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે.


ભારતીય ઇતિહાસનું વિષયવસ્તુ

→ ઈતિહાસકારો ઇતિહાસ જાણવાનાં સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે : અલેખિત સાધનો અને લેખિત સાધનો.


અલેખિત સાધનો

→ ઇતિહાસકારો પુરાતત્ત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે.

→ પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીનાં વાસણો, મુદ્રાઓ , હાડપિંજરો, નૃવંશશાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે.

→ આ પ્રકારનાં સાધનોમાં કોઈપણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલાં શહેરો, ગામડાંઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવાં અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે.

→ 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પુરાપાષાણયુગ, મધ્યપાષાણયુગ, નવપાષાણયુગ, તામ્રપાષાણયુગ, તામ્ર-કાંસ્યયુગ અને લોહયુગ.

→ ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમાંની સૌથી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયોકાર્બન - 14 (સી - 14) પદ્ધતિ. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન-14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન-14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે.

→ વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગવિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જુના સમયમાં ધાતુઓ મળી આવી હશે તે નક્કી થઈ શકે છે.


લેખિત સાધનો

→ લેખિત સાધનો ચાર પ્રકારનો છે

  1. ધાર્મિક સાહિત્ય
  2. ધર્મેતર સાહિત્ય
  3. સિક્કાઓ-શિલાલેખો અને
  4. વિદેશી પ્રવાસીઓની પ્રવાસનોંધો.

ધાર્મિક સાહિત્ય

→ ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે. જેનો સમય ઈ.સ. પૂર્વ 1500થી ઈ.સ. પૂર્વે 10000 નો માનવામાં આવે છે.

→ ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે, જેમાં 1028 સુક્તો અને 10 મંડલ (પ્રકરણ) આપવામાં આવેલાં છે.

→ ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. ઋગ્વેદકાલીન ભારતને આપણે વૈદકાલીન ભારત પણ કહીએ છીએ.

→ ઋગ્વેદ સિવાય અન્ય ત્રણ વેદોની રચના થયેલ છે, એટલે કે વેદોની કુલ સંખ્યા ચાર છે. અન્ય વેદોમાં યજુર્વેદ,સામવેદ, અથર્વવેદનો સમાવેશ થાય છે. આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે. આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે.

પશ્ચાત્ વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધધર્મના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેની સાથે ધર્મસૂત્રોનો પણ સમાવેશ થવો છે.

→ આ ઉપરાંત મહાકાવ્યોમાં 'રામાયણ અને 'મહાભારત' બહુ જ અગત્યનાં છે.

→ ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ, વિષ્ણુપુરાણ અને ગરુડપુરાણ અગત્યનાં ગણાય છે.

→ ઉપનિષદોની સંખ્યા એકસો કરતાં પણ વધારે છે, તેને 'વેદાંત' કહેવામાં આવે છે. તેમાં તત્કાલીન ભારતની મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્ત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો તેમાં સમાવેશ થાય છે.

→ કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવાં ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્ત્વનાં છે.

ઉત્તરવૈદિક કાળ મોટે ભાગે ઈ.સ. પૂર્વે 600 વર્ષ સુધીનો ગણાય છે.

→ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં હિન્દુ સાહિત્યનાં ધર્મસૂત્રો અને ગુહ્યસૂત્રોની રચના જોવા મળે છે. તો સાથે સાથે બૌદ્ધ અને જૈનધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્ત્વપૂર્ણ સાહિત્યની રચના પણ આ સમયે થયેલી જોવા મળે છે.

→ બૌદ્ધધાર્મિક સાહિત્યમાં 'ત્રિપિટક' સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. તેમાં સુત્તપિટક, વિનયપિંટક અને અભિધમ્મપિટકનો સમાવેશ થાય છે.

સૂત્તપિટકમાં ગૌત્તમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે વિનયપિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે અભિધમ્મપિટકમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાન જોવા મળે છે.

→ આ સિવાય બૌદ્ધસાહિત્યમાં જાતકકથાનું જ્ઞાન બહુ જ અગત્યનું છે.

→ જૈનધર્મના ધાર્મિક સાહિત્યને 'આગમગ્રંથો' તરીકે ઓળખવામાં આવે છે. આ આગમોમાં 24 જેટલા જૈન તીર્થંકરોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું, જ્યારે બીજું સંકલન ઈ.સ.ની છઠ્ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયું હતું.


ધર્મેતર સાહિત્ય

→ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઈતિહાસ- ગ્રંથોનો સમાવેશ થાય છે.

→ 'મનુસ્મૃતિ' એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય, જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ ગણાય છે.

→ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર' પણ એવો જ એક બીજો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે.

→ પાણિનિએ રચેલ 'અષ્ટાધ્યાયી' નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપુર્ણ ગ્રંથ ગણાય છે, જેની રચના ઈ.સ. પૂર્વેની છઠ્ઠી-પાંચમી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે.

→ 'દિષનિકાય', 'અંગુત્તરનિકાય' અને 'મજિમનિકાય' એ મહત્ત્વપૂર્ણ બૌદ્ધગ્રંથો છે, જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલિન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે.

→ સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે.

→ મહાન સાહિત્યકાર કાલિદાસનાં સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા રચિત 'અભિજ્ઞાનશાકુન્તલમ્', 'મેઘદૂતમ્' અને 'ઋતુસંહાર'માંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ દૃષ્ટિગોચર થાય છે.

→ આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકનાં નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય કહી શકાય.

→ ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ 'રાજતરંગિણી' મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. તેની રચના કશ્મીરના રાજકવિ કલ્હણે કરી છે. તેમાં કશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે. ઈતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીનકાળે જોવા મળતો નથી.

→ જેમાં ઈતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં 'હર્ષચરિત' અગત્યનો ગ્રંથ ગણાય છે. તેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી છે.

→ દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમસાહિત્યને ગણાવી શકાય. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. તેના રચયિતા અનેક કવિઓ હતા.

મદુરાઈમાં આવાં ત્રણ સંગમો (સાભા) થયા. તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ- સાહિત્ય. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી-ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. આ કવિતાઓ રાજદરબારોમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં 'શીલપદિગારમ્' અને 'મણિમેખલાઈ' જેવાં વિખ્યાત મહાકાવ્યોનો પણ સમાવેશ થાય છે.

ઈ.સ. પૂર્વે 300 થી લઈને ઈ.સ. 300 સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમસાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.



સિક્કાઓ અને શિલાલેખો

→ સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે.

→ સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર (Numismatic) કહેવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે.

→ સિક્કાઓ ઉપર જોવા મળતાં પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઈતિહાસ જાણવા મળે છે.

→ ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે. તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈ.સ. પૂર્વે પાંચમી સદીનો ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. સિક્કાઓની જેમ જ શીલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવાનાં અગત્યનાં સાધનો છે.

→ કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને પ્રશસ્તિઓ કહે છે.

ભારતમાં સૌથી જુના શિલાલેખો અશોકના સમયના છે. અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મીલિપિમાં લખાયેલા જોવા મળે છે. સાથે સાથે ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષ્ઠી છે. તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી એટલે કે ગ્રીક લિપિમાં મળી આવ્યા છે.

→ અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળે જાય છે. તેમણે (ઈ.સ. 1827) અશોકના શિલાલેખોની બ્રાહ્મીલિપિને ઉકેલી.

→ બ્રાહ્મીલિપિ ડાબેથી જમણે લખાતી. ખરોષ્ઠી લિપિ જમણથી ડાબે લખાતી.

→ અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં પણ વધારે છે. તેમાંથી આપણને તેની વહીવટી, રાજકીય, ધાર્મિક નીતિઓનો ખ્યાલ મળે છે.

→ સાતવાહન રાજવીઓએ પણ શૈલ્યલેખો કોતરાવ્યા હતા, જે નાસિકની આસપાસ મળી આવ્યા છે.

→ અશોકના શિલાલેખ પછી મળી આવેલા અભિલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખ મળે છે.

→ કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિષેલ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ છે. આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે. આવું બીજું ઉદાહરણ રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિલેખ છે. આ સિવાય કલિંગ રાજા ખારવેલનો હાથીગુફા અભિલેખ, ગૌતમીનો નાસિકગુફા અભિલેખ, બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો ઐહોલ અભિલેખ ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોત છે.

તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. ભૂમિદાનપત્રો તાંબાનાં પતરાં પર લખવામાં આવતાં. વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે. તેના પર દર્શાવેલ તવારીખ તે ક્યારે બન્યા હતા; તેની માહિતી આપે છે. તેની સાથે તેમાંથી ભાષાની માહિતી પણ સાંપડે છે.

ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે.

→ વિદેશોમાંથી પણ મળી આવેલા અભિલેખોમાંથી ભારતનો ઈતિહાસ જાણી શકાય છે.

એશિયા માઈનોર એટલે કે તુર્કીમાં આવેલ બોગઝકોઈ નામના સ્થળેથી ઈ.સ. પૂર્વે 1400નો અભિલેખ મળે છે. જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે.

પર્સિપોલિસ અને બહિસ્તૃન અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે છે.

ઇજિપ્તના તેલ-અલ- અમામાંથી મળેલી માટીની તક્તીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓનાં નામ જોવા મળે છે.

→ શિલાલેખો-અભિલેખોમાંથી જેતે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે.


સ્મારક અને ભવન

→ રાજાઓ અને સામાન્ય લોકોનાં રહેઠાણો તથા મંદિરો જેવાં સ્થાપત્યોમાંથી જે-તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે.

ઉત્તર ભારતનાં નાગરશૈલીનાં મંદિરો, દક્ષિણ ભારતનાં દ્રવિડશૈલીનાં મંદિરો અને દખ્ખણના બેસર શૈલીનાં મંદિરો પ્રાચીનકાળની વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્યશૈલીના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો છે.

→ સ્તૂપો, ચૈત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે. જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર સ્પષ્ટ કરે છે.

ઈ.સ.ની નવમી સદીમાં જાવામાં બંધાયેલ બોરોબુંદરનું મંદિર તેનો મહાન પુરાવો છે.


મૂર્તિઓ

→ ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે.

→ કુષાણ, ગુપ્ત અને ગુપ્તકાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ-સ્થાપત્ય જોવા મળે છે.

કુષાણયુગની મૂર્તિકલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.

મૂર્તિકલામાં ગાંધાર કલાશૈલી અને મથુરા કલાશૈલી સર્વશ્રેષ્ઠ છે.

→ સાંચી, અમરાવતી, ભારતહૂત અને બોધગયામાં મળેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ દેખાય છે.


ચિત્રકલા

→ છેક પાષાણકાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. તેનો ઉત્તમ નમૂનો ભીમબેટકા ગુફાચિત્રો છે. ગુપ્તકાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો.

→ અજંતાનાં વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમબિંદુ કહી શકાય. ઇલોરા, બાઘ વગેરે સ્થળેથી પણ ચિત્રકલાના અનેક પુરાવા પ્રાપ્ત થયા છે.


વિદેશી મુસાફરોનાં વૃતાંત્ત

→ પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા, તો કેટલાક વેપાર- વાણિજયનો હિસ્સો બનીને આવ્યા હતા. આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે.

→ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મૅગેસ્થનિસ ભારતમાં આવીને રહ્યો હતો. તેણે ભારત વિશે 'ઇન્ડિકા' નામનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો. જોકે, આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેના પછીના ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં 'ઇન્ડિકા'નો સંદર્ભ અવાર-નવાર ટાંક્યો છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસનવ્યવસ્યા, ભારતની સમાજ-વ્યવસ્થા અને વેપાર-વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે.

→ ઈ.સ.ની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણાં બધાં ભારતીય વેપારીમથકો અને અગત્યનાં બંદરો વિશે માહિતી આપી છે.

→ તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે. આવા ગ્રંથોમાં ટોલેમીનું 'નેચરલ જિયોગ્રોફી' અને પ્લિનીના ગ્રંથો મહત્ત્વના છે.

→ આ સિવાય પેરીપ્લસ ઓફ ધી ઐરીથ્રિયન સી' ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે, તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે.

→ બૌદ્ધધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓમાં ફાહિયાન, યુઅન-સ્વાંગ અને ઇત્સિંગ મુખ્ય હતા. તેમણે ભારતના બૌદ્ધધર્મ, બૌદ્ધતીર્થ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખેદેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે.



Post a Comment

0 Comments