→ ગુજરાતમાં પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના માધવપુર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે.
→ જે ચૈત્ર સુદ તેરસના દિવસે પૂર્ણ થાય છે.
→ આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસ થઈ હોવાનું કહેવાય છે.
→ માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન પ્રસંગની સાથે જોડાયેલ છે.
→ પુરાણ કથા મુજબ રાજકુમારી રૂક્ષ્મણીજીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના દિવસે ભરાતા ભવનાથના મેળામાંથી ભગવાન શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા.
→ ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. ત્યાર પછીથી તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
→ આ ઉજવણી પાંચ દિવસ ચાલે છે. આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા માધવપુરમાં આવેલા પ્રસિદ્ધ શ્રી માધવરાયજી મંદિર તરફથી કરવામાં આવે છે.
→ આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રી ગોપાલ લાલજી (ભગવાન શ્રી કૃષ્ણનું) ફુલેકું નીકળે છે.
→ આ ફુલેકાની ઉજવણી ત્રણ દિવસ ચાલે છે. એટલે કે આ ફુલેકુ ત્રણ દિવસ નીકળે છે.
→ ત્યારબાદ જાન આગમન-સ્વાગત-લગ્નવિધિ અને કન્યાવિદાયના પ્રસંગ યોજાય છે.
→ અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન જ્યાં થયા હતા તે જગ્યા રૂક્ષ્મણીમઠ તરીકે ઓળખાય છે.
→ આ મેળા માટેનું એક ગીત "માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન" જાણીતું છે, જે ગુજરાતમાં વિવાહ સમયે લગ્નગીત તરીકે પણ ગવાય છે.
0 Comments