→ ફાગણ સુદ પૂનમના દિવસે વસંત ઋતુનું આગમન અને શિશિર ઋતુના સમાપનનો સંદેશો આપતો હોળીનો તહેવાર બે દિવસ ઉજવાય છે, પ્રથમ દિવસ હોળી અને બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવામાં આવે છે.
→ હોળી એ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક રીતે ત્રિવેણી સંગમ છે.
→ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હોળીની ઝાળ પરથી આવનાર સમયમાં ઋતુ કે હવામાનનું અનુમાન લગાવવામાં આવે છે તેમજ હોળીમાં ધાણી, નારિયેલ, કપૂર સહિતની વિવિધ વસ્તુઓમાં નાખવામાં આવે છે, જેથી વાતાવરણમાં રહેલ વિષાણુઓનો નાશ થાય એવું માનવામાં આવે છે.
દંતકથા
→ શ્રીમદ્ ભાગવત અનુસાર પ્રાચીન સમયમાં હિરણ્યકશિપુ રાજાને બ્રહ્માજી પાસે અવિનાશીનું વરદાન પ્રાપ્ત થયું હોવાથી અહંકારી થયો હતો. તેથી તે ઋષિમુનિઓ ભક્તો અને પ્રજા પર અત્યાચાર કરતો હતો.
→ આ ઉપરાંત તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જે હિરણ્યકશિપુ પસંદ ન હોવાથી તેને મારવાના અનેક પ્રયાસ કર્યા પરંતુ સફળ ન થયા. અંતે હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિ બાળી ન શકવાનું વરદાન હોય છે. તેથી ફાગણ સુદ પૂર્ણિમાની સંધ્યાકાળે નગરમાં હોલિકાદહન કરવાનું નક્કી કરવામાં આવે છે.
→ ફોઈ હોલિકાએ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, ભગવાન દ્વારા મળેલ વરદાનનો દુરુપયોગ થતાં હોલિકા બળીને ભસ્મ થઇ જાય છે અને પ્રહ્લાદ બચી જાય છે તેથી આ દિવસને આસુરી શકિત પર સાત્વિક શકિતના વિજયનું પ્રતિક તરીકે મનાવવા માટે હોલિકા દહન કરવામાં આવે છે.
→ ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી તેથી બીજા દિવસે નગરજનોએ રંગ, ગુલાલ અને જળથી આનંદ કર્યો તેથી હોળીના બીજા દિવસે ધૂળેટી સ્વરૂપે મનાવવામાં આવે છે.
→ હોળી ભારતીય સાહિત્ય અને સંગીતને હોળી સાથે ગાઢ સંબંધ છે.
→ કાલિદાસના ઋતુસંહારમાં વસંતોત્સવનો ઉલ્લેખ જોવા મળે છે.
→ શાસ્ત્રીય સંગીત ધમર કે જે ગાયનની એક શૈલી છે. જેને હોળી સાથે ગાઢ સંબંધ છે.
→ હોળીના તહેવારને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે, બિહારમાં ફગુઆ, મહારાષ્ટ્રમાં રંગપંચમી, ઉત્તર પ્રદેશમાં લઠ્ઠમાર હોળી, આંધ્રપ્રદેશમાં કામદહન, પંજાબમાં હોલા—મોહલ્લા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા તથા અસમનાં કેટલાંક ભાગોમાં તેને વસંત ઉત્સવ, દોલયાત્રા(દોલ પૂર્ણિમા) તથા ઢોલ જાત્રા કહે છે.
→ આસામમાં ઓલ - આઇ - લીગાંગ (Ali-Aye-Ligang) નામના વસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતમાં હોળી વિશે કેટલીક પરંપરા
→ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને 'હુતાસણી' (ગ્રામ્ય ભાષામાં ઉતાણી પણ કહે છે)થી પણ ઓળખવામાં આવે છે.
→ હોળીના બીજા દિવસ ધૂળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો' અને ‘ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે.
→ આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે.
→ ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારિક નૃત્ય કરવામાં આવે છે.
→ યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારિક હરીફાઈ યોજવામાં આવે છે. જેમ કે ઘોડા દોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે.
→ તેમજ સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂત સમાજના લોકો હોળીના દિવસે ‘આંબલી કાઢવાની રમત' રમે છે.
→ ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોના પાળિયાઓનું પૂજન અર્ચન પણ કરવામાં આવે છે.
→ ઘણા વિસ્તારોમાં હોળીના બીજા દિવસે બાળકો અને યુવાનો હોળીની રાખ શરીર પર લગાડીને ગામના તમામ વિસ્તારોમાં ફરે છે અને ફાળો (ગોઠ) ઉઘરાવે છે, આ લોકોને 'ઘેરૈયા' તરીકે ઓળખવામાં આવે છે.
→ હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે, તથા ગામલોકોને પતાસા તથા ખજૂર વગેરેની 'લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની 'વાડ' કહેવામાં આવે છે.
→ હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને 'હોળીના ફાગ' તરીકે ઓળખવામાં આવે છે, આ પરંપરા વર્તમાન પણ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે.
→ વિસનગરમાં ધુળેટીના પર્વે પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિના લોકો ખજૂર ભરેલો ઘડો મેળવવા એકબીજાની સામે ખાસડા ફેંકી પરંપરાગત ઉજવણી કરે છે.
→ ગુજરાતના ઘણા ગામોમાં હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.
→ જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ તથા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું દેવળી (દેદાબાપાની દેવળી) ગામ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગાંધીનગરના પાલજ ગામમાં પણ અંગારા ઉપર ચાલવાની પરંપરા છે. તથા ગુજરાતના અન્ય ગામોમાં પણ તાજેતરના વર્ષોમાં અંગારા પર ચાલવાની પરંપરા વધી છે.
→ આ તમામ ગામોમાં પાંચ વર્ષના બાળકથી લઈ અને સાઈઠ વર્ષ સુધીના લોકો ઉઘાડા પગે અંગારા પર ચાલે છે.
0 Comments