→ સામાન્ય રીતે પ્રાઈમરી મૅમરી મોંઘી હોય છે અને તેની ક્ષમતા મર્યાદિત હોય છે.
→ ડેટા અને સૂચનાઓને ભવિષ્યમાં વાપરી શકાય તે માટે આપણે તેનો વધારે સમય સુધી સંગ્રહ કરવાની જરૂર હોય છે. આ માટે સેકન્ડરી મૅમરી / સેકન્ડરી સ્ટોરેજ વાપરવામાં આવે છે, સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટા, સૂચનાઓ અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે.
→ હાર્ડડિસ્ક, કૉમ્પેક્ટ ડિસ્ક (CD), ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક (DVD) અને પેનડ્રાઈવ એ પ્રચલિત સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે.
→ કમ્પ્યૂટરના પ્રોસેસર સેકન્ડરી મૅમરીનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તે માટે કમ્પ્યૂટરના ઇનપુટ / આઉટપુટ ચેનલ્સના ઉપયોગની જરૂર પડે છે. સામાન્ય રીતે આ પ્રકારની મૅમરી પ્રાયમરી મૅમરી કરતાં ધીમી હોય છે, પણ તેની સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. આ ઉપરાંત સેકન્ડરી મૅમરી સ્થાયી પ્રકારની (non - volatile) મેમરી છે. કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ ડેટા બદલાતો નથી.
→ સેકન્ડરી મૅમરી / સ્ટોરેજ એ ઑક્ઝિલરી મૅમરી / સ્ટોરેજ (auxiliary Memory) તરીકે પણ ઓળખાય છે.
હાર્ડડિસ્ક (Hard Disk)
→ હાર્ડડિસ્ક એ ધાતુ (અથવા કાચ)ની એક અથવા વધારે કઠણ તકતીઓ (platters)ની બનેલી હોય છે. આ તકતીઓ ઉપર મેટલ ઑક્સાઈડનાં પડનું આવરણ ચડાવેલું હોય છે. જેના કારણે તે તક્તીઓની સપાટી ઉપર ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરવાની સગવડ પૂરી પાડે છે.
→ તકતીઓની ઑક્સાઈડ આવૃત્ત સપાટી ઉપરના નક્કી કરેલાં કણોને ચુંબકીય બનાવીને ડેટા અને સૂચનાઓને અભિલિખિત (રેકર્ડ - record) કરવામાં આવે છે. જ્યાં સુધી ચુંબકીય કણોનું અનુસ્થાન (ઓરિએન્ટેશન - orientation) બદલવામાં ન આવે ત્યાં સુધી તે તેનું ચુંબકીયપણું જાળવી રાખે છે. આથી એક વખત હાર્ડડિસ્ક ઉપર માહિતીનો સંગ્રહ કર્યા પછી તે બદલી શકાય છે.
→ હાર્ડ- ડિસ્કની તકતીઓ અતિ ઝડપથી ગોળ-ગોળ ફરે છે. આ ઝડપ સામાન્ય રીતે એક મિનિટમાં 5400થી 7200 રોટેશન (Rotation Per Minute - RPM) હોય છે.
→ હાર્ડડિસ્કની તકતીઓ ઉપર કેટલાંક રીડ-રાઈટ હેડ (વાંચવા - લખવા માટેના ભાગો) હોય છે, જેના દ્વારા ડિસ્કની તક્તીઓ ઉપર ડેટા લખવા અને વાંચવાની ક્રિયા થાય છે.
→ અંગત કમ્પ્યુટર (પર્સનલ કમ્યુટર)ની હાર્ડડિસ્કની ક્ષમતા 10 GB થી 500 GB સુધી હોય છે.
હાર્ડડિસ્કને હાર્ડડ્રાઇવ પણ કહેવામાં આવે છે.
કોમ્પેક્ટ ડિસ્ક (Compact Disk - CD)
→ કોમ્પેક્ટ ડિસ્કને ઓપ્ટિકલ ડિસ્ક પણ કહેવામાં આવે છે.
→ તે સામાન્ય રીતે 4.75 ઇંચ વ્યાસની સપાટ, ગોળ અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય (સુવાહ્ય - પોર્ટેબલ) તે પ્રકારનું સંગ્રહ કરવાનું માધ્યમ છે.
→ શાબ્દિક માહિતી, ગ્રાફિક્સ અને વીડિયો જેવા ડેટા CD ઉપર રાખી શકાય છે. સામાન્ય રીતે CD માં 650 MB ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે.
→ હાર્ડડિસ્ક કરતાં અલગ, CD એ ઑપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે. અહીં, લેસર લાઈટના પ્રકાશ વડે સ્ટોરેજ મીડિયમ ઉપર ડેટા લખવામાં (બર્ન - burn) આવે છે.
→ ડિસ્કની સપાટી ઉપર પિટ્સ એન્ડ લૅન્ડ્સ (pits and lands) ઢબથી ડેટા લખવામાં આવે છે.
ઑપ્ટિકલ મીડિયમ (પ્રકાશીય માધ્યમ) ઉપરના પિટ્સ કાયમી હોય છે. આથી ડેટામાં ફેરફાર કરી શકાતો નથી.
→ ઑપ્ટિકલ મીડિયા ઘણું ટકાઉ હોય છે પણ તે ચુંબકીય માધ્યમની જેમ ડેટામાં ફેરફાર કરવાની સગવડતા આપતું નથી.
→ ત્રણ પ્રકારની ઑપ્ટિકલ ડિસ્ક (પ્રકાશીય તકતીઓ) પ્રચલિત છે : CD ROM, CD - R અને CD RW. આમાંથી CD ROM સૌથી વધુ પ્રચલિત છે.
→ CD ROM & Compact Disk Read Only Memoryનું ટૂંકું રૂપ છે. CD ROMમાં ડેટા પહેલેથી જ લખેલો હોય છે.
ઉપયોગકર્તા ઑપ્ટિકલ ડિસ્ક ઉપર ડેટા લખી શકે છે. ખાસ યુટિલિટી મારફત CD ઉપર એક વખત ડેટા લખ્યા પછી તે અનેક વખત વાંચી શકાય છે. આથી આવી CD રાઇટ વન્સ રીડ મેની ટાઇમ્સ (WORM) તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની CD એ CD રી-રેકોર્ડેબલ (CD - R) તરીકે ઓળખાય છે.
→ ત્રીજા પ્રકારની ઑપ્ટિકલ ડિસ્કમાં ડેટાને ભૂંસી શકાય છે અને તેના ઉપર નવી માહિતી લખી શકાય છે. આ પ્રકારની CDને કેટલીક વખત EO (ઈરેઝેબલ ઑપ્ટિકલ) ડિસ્ક અથવા CD RW (CD writable) પણ કહેવામાં આવે છે.
ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક (Digital Versatile Disks)
→ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક DVD નામથી પ્રચલિત છે. તે ડેટાના સંગ્રહ માટેનું ઑપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે, તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો અને ઑડિયોવાળી ફિલ્મનો ડેટા પણ રાખી શકાય છે. DVD અને કૉમ્પેક્ટ ડિસ્કનાં એક સમાન ભૌતિક માપ જોતાં સરખી લાગે છે, પરંતુ તેના ઉપર ડેટાનું સાંકેતીકરણ (encoding) ઉચ્ચ ઘનતા સાથે અલગ રીતે કરવામાં આવે છે.
→ સામાન્ય રીતે DVD ની સંગ્રહશક્તિ (4 GB) CD કરતાં વધારે હોય છે.
USB પેનડ્રાઈવ (USB Pen Drive)
→ USB ફ્લેશ ડ્રાઇવ એ પેનડ્રાઈવ અથવા થમ્બડ્રાઈવથી પણ ઓળખાય છે.
→ તે કદમાં નાની, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવી (પોર્ટેબલ) અને તેના ઉપર અનેક વાર લખી શકાય તેવી હોય છે.
→ ફ્લેશ ડ્રાઇવ ડેટાસ્ટોરેજનું યુનિવર્સલ સિરિયલ બસ (Universal Serial Bus- USB)ના સેતુથી સંકલન કરવામાં આવ્યું હોય છે.
→ તે 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB અને 64 GBજેવી વિવિધ ક્ષમતાઓમાં ઉપલબ્ધ છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇