→ બોર એ વનસ્પતિશાસ્ત્રમાં ઝીઝીફસ પ્રજાતિના ક્ષુપનું એક ફળ છે. તે ભારતમાં સર્વત્ર જોવા મળે છે. વિશ્વમાં આ ફળ રેડ ડેટ, ચાયનીઝ ડેટ, કોરિયન ડેટ કે ઈંડિયન ડેટ તરીકે પણ ઓળખાય છે. તેને અંગ્રેજીમાં જુજુબે અથ્વા જુજુબા કહે છે, જે નામ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યું છે.
→ બોરને મલયાલમ ભાષામાં ઈળન્થેપળમ્ કે બદરી કહેવાય છે. તમિલ ભાષામાં તેને ઈલન્થાઈ પળમ્ કહે છે. કન્નડ ભાષામાં તેને યેલ્ચી હન્નુ અને તેલુગુમાં તેને રેગી પાન્ડુ કહે છે.
→ ચીનમાં બોર લાલ અને કાળા એમ બે રંગના થાય છે. તેને ત્યાં હોઙ ઝાઓ અને હેઈ ઝાઓ કહે છે.
→ દ્વિદળી વર્ગમાં આવેલા રહેમ્નેસી કુળની પર્ણપાતી વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ.
→ બોર ઉત્તર ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે. ત્યાંથી તે પશ્ચિમ એશિયામાં 2500–3000 વર્ષ પહેલાં પ્રવેશ પામી હતી. ગ્રીક અને રોમનો તેનાથી પરિચિત થતાં બારબેરી (ઉત્તર આફ્રિકા) અને સ્પેન લઈ ગયા હતા. પછી તો તે વિસ્તારમાં તેનું પ્રાકૃતિકીકરણ થયું હતું. ભારતમાં બોરના પ્રવેશ વિશે કોઈ અધિકૃત માહિતી નથી. જોકે 1959માં ICAR, દિલ્હી દ્વારા Z. jujubaના પાંચ પ્રકારો ચિંગ સાઓ, પોંગ સાઓ, સિયાંગ સાઓ, સિયાઓ સાઓ અને સ્વી સાઓની ચીનથી પંજાબના ફળની સુધારણા કરવા આયાત કરવામાં આવી હતી.
→ ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં બોરનું અથાણુ બનાવાય છે.
→ બોરડીનાં વૃક્ષમાંથી ફળ તરીકે બોર મળી આવે છે.
→ બોરનો ઉલ્લેખ યજુર્વેદમાં પણ જોવા મળે છે.
→ ફળ પ્રશામક (emollient) હોય છે અને છાતીનાં દર્દોમાં ઉપયોગી છે. પર્ણો રેચક હોય છે અને ખસ તથા ગળાની તકલીફોમાં ઉપયોગી છે.
→ ફળ અને પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે.
→ ઘરડાં વૃક્ષોનું અંત:કાષ્ઠ (heartwood) કાંસકા બનાવવામાં તથા ખરાદીકામમાં ઉપયોગમાં લેવાય છે. છાલમાં 7 % ટેનિન હોય છે અને મૂળની છાલમાં આલ્કેલૉઇડ હોય છે.
→ Z. mauritiana Lam. syn. z. jujuba Lam., hon Mill. ભારતીય બોર આપતી જાતિ છે.
→ યજુર્વેદ, સૂત્રો, મહાકાવ્યો, ઔષધગ્રંથો અને અન્ય સાહિત્યમાં કૌટિલ્ય, પાણિનિ અને પતંજલિ જેવા વિદ્વાનો દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
→ છાલ ખરબચડી, ભૂખરા કે આછા કાળા રંગની હોય છે. પર્ણો લંબચોરસ-ઉપવલયી, અંડાકાર કે ઉપગોળાકાર, ગાઢપણે દંતુર કે અખંડિત અને તલપ્રદેશોથી બંને બાજુએ ગોળાકાર છેડાઓવાળાં હોય છે. તે ત્રણ મુખ્ય શિરાઓ ધરાવે છે. પુષ્પો લીલાશ પડતાં પીળાં અને કક્ષીય ગુચ્છમાં હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનાં, લંબચોરસ-ગોળાકાર કે અંડાકાર, લાલ, નારંગી કે પીળા રંગનાં હોય છે.
→ ભારતીય બોરની 37 જાતો છે. તે પૈકી 34 જાતો ચતુર્ગુણિત (tetraploid; 2n = 48 રંગસૂત્રો), એક પંચગુણિત (pentaploid; 2n = 60 રંગસૂત્રો) અને બે અષ્ટગુણિત (octoploid; 2n = 96 રંગસૂત્રો) છે. બોરમાં જોવા મળતી બહુરંગસૂત્રીયતા (polyploidy) કીટક-પરાગનયનને આભારી છે.
→ બોર મહત્તમ છાયા તાપમાન 37°થી. 48° સે. અને લઘુતમ છાયા તાપમાન 7°સે.થી 13° સે. હોય તેવાં સ્થળોએ પ્રાકૃતિક રીતે થાય છે. તેને સરેરાશ વાર્ષિક વરસાદ 15 સેમી.થી 225 સેમી. જરૂરી છે.
→ જૂનાં પર્ણો માર્ચ-એપ્રિલ દરમિયાન ખરી પડે છે અને તે સાથે નવાં પર્ણો બેસે છે. વિવિધ સ્થળો ઉપર આધાર રાખીને પુષ્પો એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન આવે છે. માર્ચથી ઑક્ટોબરના સમયથી પાંચ માસના ગાળામાં ફળ પાકે છે.
→ ફળ વિટામિન ‘સી’ અને શર્કરાઓનો સારો સ્રોત છે.
→ ‘નાજુક’ જાતમાં શર્કરાઓ (10.5 %) અને વિટામિન ‘સી’ (205 મિગ્રા./100 ગ્રા.)નું સૌથી વધુ પ્રમાણ માલૂમ પડ્યું છે; જે કૅન્ડી બનાવવા માટે અને સૂર્ય-શુષ્કન (sun-drying) માટે સૌથી વધારે યોગ્ય છે.
→ ‘ગોલા’ જાતમાં ઍસિડનું પ્રમાણ વધારે હોવાથી તેનો ઉપયોગ અથાણાં બનાવવામાં વધારે સારી રીતે થઈ શકે છે.
→ ફળમાં સાઇટ્રિક ઍસિડ મુખ્ય છે. મેલિક અને ઑક્સેલિક ઍસિડ અલ્પ પ્રમાણમાં હોય છે.
→ દળેલાં બીજનું પેટ્રોલિયમ ઈથરમાં નિષ્કર્ષણ કરતાં ચળકતા પીળા રંગનું તેલ પ્રાપ્ત થાય છે.
→ પર્ણો કાથા સાથે સંકોચક (astringent) તરીકે ખવાય છે. પર્ણો પ્રસ્વેદક (diaphoretic) ગણાય છે અને બાળકોને ટાઇફૉઇડમાં આપવામાં આવે છે. તેમનો પોટીસ તરીકે પણ ઉપયોગ થાય છે.
→ ભારતમાં તેની છાલ ચર્મશોધનમાં વપરાય છે.
→ છાલનો કાઢો અતિસાર અને મરડાની ચિકિત્સામાં ઉપયોગી છે. છાલનો પેઢાના સોજામાં સંકોચક તરીકે ઉપયોગ થાય છે.
→ કાષ્ઠ સખત, મજબૂત અને ટકાઉ હોય છે. તેનો ઉપયોગ કોદાળી-પાવડા વગેરેના હાથાઓ, સૅન્ડલ, ધૂંસરી, દંતાળ, રમકડાં, પૈડાંના ભાગો અને ખરાદીકામમાં થાય છે. તે સક્રિય કાર્બનના ઉત્પાદન માટે તથા બળતણ અને કોલસાના ઉત્પાદન માટે સારું ગણાય છે.
→ દક્ષિણ ભારતમાં પરંપરાથી આ ફળને સુકવીને તેના ઠળિયા કાઢી લેવામાં આવે છે, ત્યાર બાદ તેમાં આમલી, લાલ મરચું, મીઠું અને ગોળ ઉમેરવામાં આવે છે. તેની નાની નાની થ્પલી બનાવી ફરી તેને તડકે સુકવાય છે. આ રીતે બનતી વાનગીને ઈલન્થી વડઈ કહેવાય છે. અમુક સ્થળોએ આ વાનગી તાજા ફળોમાંથી પણ બને છે. તેલુગુમાં તેને રેગી વડીયાલુ કહે છે.
→ ભારતીય બોરની કેટલીક વ્યાપારિક જાતો : ઉમરાન, કૈથલી, સાનોર–2, સાનોર–5, કંટકવિહીન, ZG–2, બનારસી, પેવંડી, નારિકેલી, ડંડન, નાજુક, મુરિયા, માહરારા
0 Comments