→ સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં જૂનાગઢ સૌથી મોટું રાજ્ય હતું. તેની 82 % વસ્તી હિંદુ હતી. તેની ચારે બાજુ ભારત સાથે જોડાયેલાં દેશી રજવાડાં હતાં અને મોટા ભાગનાં દેશી રાજ્યોએ ભારત સાથે જોડાવાના કરાર કર્યા હતા; છતાં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા (1911-1947)એ 15 ઑગસ્ટ, 1947 ના રોજ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. તેથી સ્થાનિક લોકો અને સંસ્થાઓએ આઘાત અનુભવ્યો અને હજારો લોકો રાજ્યમાંથી અન્યત્ર હિજરત કરી ગયા. ઉછરંગરાય ન. ઢેબર અને ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ વી. પી. મેનન નવાબને સમજાવવા જૂનાગઢ ગયા, પરંતુ તેમને નવાબને મળવા દેવાયા નહિ.
→ મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947 ના રોજ જૂનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી.
→ આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા અને ‘વંદે માતરમ્’ દૈનિકના તંત્રી શામળદાસ લ. ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી શ્રીમતી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતાં.
→ આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ ગાંધીજીએ પણ પ્રાર્થનાસભામાં કહેલું, ‘જૂનાગઢ પાકિસ્તાનસે જાના ચાહિયે.’
→ આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરત બે દિવસ બાદ (30 સપ્ટેમ્બરે) રાજકોટમાંનું ‘જૂનાગઢ હાઉસ’ (હાલનું સરદારબાગ અતિથિગૃહ) કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું.
→ લશ્કરી ક્ષેત્રે આરઝી હકૂમતે ‘લોકસેના’ની રચના કરી હતી. તેમાં પગારદાર તરીકે દાખલ થયેલા ગુરખા અને શીખ સૈનિકો, આઝાદ હિંદ ફોજ તથા કેન્દ્રીય અનામત પોલીસ દળમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો, સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોમાંથી સ્વેચ્છાએ દાખલ થયેલા સૈનિકો, સશસ્ત્ર તાલીમ પામેલા સ્વયંસેવકો તથા મેર, હાટી, કારડિયા જેવી લડાયક જાતિઓના લોકો મળી કુલ ચાર હજાર સૈનિકો હતા.
→ લોકસેનાના સરસેનાપતિ તરીકે રતુભાઈ અદાણી અને શસ્ત્રનિયામક તરીકે વાસાવડના દરબાર માર્કંડભાઈ દેસાઈ હતા.
→ જૂનાગઢ રાજ્યના આંતરિક પ્રદેશમાં મેર જેવી લડાયક કોમના સંગઠક તરીકેનું કાર્ય ગોકુળદાસ ગગલાણી કરતા હતા.
→ દુર્લભજીભાઈ નાગરેચા બાતમી-નિષ્ણાત તરીકે કામ કરતા હતા.
→ અલબત્ત, ભારત સાથે જોડાયેલાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના રક્ષણ માટે તેણે ‘કાઠિયાવાડ સંરક્ષક દળ’ની રચના કરી હતી. તેના વડા તરીકે બ્રિગેડિયર ગુરુદયાલસિંઘ હતા.
→ 24 ઑક્ટોબર, 1947ના દશેરાના દિવસે લોકસેનાએ જૂનાગઢ રાજ્ય ઉપર આક્રમણ કરી તેનાં 11 ગામ જીતી લેતાં જૂનાગઢના નવાબ ગભરાઈને પોતાના કુટુંબ સાથે વિમાનમાર્ગે કેશોદથી કરાંચી નાસી ગયા હતા. બીજે દિવસે પણ લોકસેનાએ બીજાં 10 ગામ જીતી લીધાં. માત્ર 18 દિવસમાં તેણે કુલ 106 ગામ જીતી લેતાં અને પાકિસ્તાન તરફથી કોઈ મદદ ન મળતાં જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ આરઝી હકૂમતને શરણે થવાનું સ્વીકાર્યું અને ભારત સરકારને જૂનાગઢનો વહીવટ સંભાળી લેવા લેખિત વિનંતી કરી. તેથી ભારત સરકારના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે સેના સાથે 9 નવેમ્બર, 1947ની સાંજે જૂનાગઢ પહોંચી જઈ તેનો કબજો સંભાળ્યો હતો.
→ 20 ફેબ્રુઆરી, 1948ના રોજ જૂનાગઢમાં લોકમત લેવાતાં 1,90,779 લોકોએ ભારતમાં ભળવા માટે અને માત્ર 91વ્યક્તિઓએ પાકિસ્તાનમાં ભળવા માટે મતદાન કર્યું હતું.
→ જાન્યુઆરી, 1949માં જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળી જતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ પૂર્ણ થયું હતું.
→ આ લડતમાં જૂનાગઢ રાજ્યના મેર લોકોના મહંત વિજયદાસજી, જૂનાગઢ હવેલીના પુરુષોત્તમદાસજી, મયારામદાસજી તથા અલિંધ્રા બાપુ જેવા ધર્માચાર્યોએ પણ સક્રિય સહકાર આપ્યો હતો.
→ કનૈયાલાલ મા. મુનશીએ તેને ‘જૂનાગઢની પ્રજાની મુક્તિગાથા’ કહી છે.
0 Comments