Ad Code

તમાકુ ઉદ્યોગ | Tobacco Industry


તમાકુ ઉદ્યોગ

→ ભારતમાં તમાકુનો પાક સોળમી સદીમાં (1508) પોર્ટુગીઝો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

→ બીદદ્રલ્ફે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લખેલા 28મી ઑક્ટોબર 1613ના પત્રમાં સૂરતની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં તમાકુ ઉગાડવામાં આવતી હતી તેવો ઉલ્લેખ છે.

→ ગુજરાત અને માળવા વિસ્તારમાં પણ તમાકુ ઉગાડવાની નોંધ ટૉમસ રૉયના અંગ્રેજ સેક્રેટરી એડવર્ડ ટેરી(1616–1619)એ કરી છે.

→ ઇલિયટના સંગ્રહમાંથી જાણવા મળે છે કે ઈ. સ. 1603માં શહેનશાહ અકબરના મદદનીશ બીજાપુરથી આગ્રા તમાકુ લાવેલા.

→ પર્શિયન ભાષાની હસ્તપ્રત ‘મન્સીર-એ-રહીમ’માં આપેલી માહિતી મુજબ અકબર બાદશાહના સામ્રાજ્ય (1556–1605) દરમિયાન તમાકુ યુરોપમાંથી દક્ષિણના પ્રદેશોમાં અને દક્ષિણમાંથી ઉત્તરીય પ્રદેશોમાં દાખલ થયેલી અને ત્યારથી તે સામાન્ય વપરાશમાં છે.

→ 9, ફેબ્રુઆરી, 1619ના રોજ ‘લાયન’ નામના જહાજ દ્વારા રેશમના બદલામાં 707 મહમુદી અને 6 પૈસાની કિંમતની 155 મણ તમાકુ પર્શિયા ખાતે નિકાસ કરવાની નોંધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પત્રવ્યવહારમાં મળે છે.

→ ભારતમાં ઉગાડવામાં આવતી તમાકુ પૈકી સિગારેટ માટેની તમાકુ 20 % વિસ્તારમાં, આંધ્રપ્રદેશના ઈસ્ટ અને વેસ્ટ ગોદાવરી, ગૂંતૂર, કિષ્ણા, પ્રકાશમ, નેલોર, કર્નુલ, કરીમનગર, ખમ્મમ, મહેબૂબનગર અને વારંગલ જિલ્લાઓમાં આશરે 80–120 હજાર હેક્ટરમાં અને કર્ણાટક રાજ્યના હસન, મૈસૂર અને ચિત્રદુર્ગ જિલ્લાઓમાં આશરે 20–30 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે.

બીડી માટેની તમાકુ કુલ તમાકુના 37 % વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યના ખેડા, વડોદરા અને પંચમહાલ જિલ્લાઓમાં 1 લાખ 10 હજાર હેક્ટરમાં અને કર્ણાટકના બેલગામ અને મહારાષ્ટ્રના કોલ્હાપુર તથા સાંગલી જિલ્લાઓમાં આશરે 40 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે.

હુક્કામાં વપરાતી કલકત્તી તમાકુ મુખ્યત્વે ઉત્તરપ્રદેશના ઇટાહ અને ફર્રુખાબાદ જિલ્લાઓમાં અને મુઝફ્ફરપુરમાં ઉગાડવામાં આવે છે.


→ કલકત્તી તમાકુ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના પેટલાદ અને ખંભાત તાલુકામાં અને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે.

→ પશ્ચિમ બંગાળના કુચબિહાર અને જલપાઈગુરી પરગણામાં પણ મોતીહારી તમાકુ ઉગાડવામાં આવે છે.

મહારાષ્ટ્રના પંઢરપુર વિસ્તારમાં ઉગાડવામાં આવતી કલકત્તી (પંઢરપુરી) તમાકુ ગુણવત્તાની ર્દષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે.

ખાવાની તમાકુ 12 % વિસ્તારમાં મુખ્યત્વે મધ્યગુજરાતમાં (ખેડા) લાલ અને કાળું ચોપડિયું, બિહારમાં (પૂર્ણિયા, સમસ્તીપુર અને વૈશાલી) ખૈની, પશ્ચિમ બંગાળમાં (કુચબિહાર અને જલપાઈગુરી) જત્તી અને તમિળનાડુમાં (કોઇમ્બતુર, મદુરાઈ અને પેરિયાર) સન ક્યોર્ડ અને સ્મોક ક્યોર્ડ નામથી ઉગાડવામાં આવે છે.

છીંકણી માટેની તમાકુ મુખ્યત્વે તમિલનાડુ અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે.

→ ઓરિસા રાજ્યમાં પીકા (નાટુ) તમાકુ-ચુટ્ટા બનાવવા માટેની તમાકુ-કલહંડી અને કોરાપુટ જિલ્લાઓમાં આશરે 15 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે છે.

→ સિગારેટ અને દેશી ચિરૂટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતી નાટુ તમાકુ આંધ્રપ્રદેશમાં ઉગાડવામાં આવે છે.

→ જ્યારે ચિરૂટ માટેની ફીલર તમાકુ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં આશરે 600 હેક્ટરમાં અને સિગાર રેપર તમાકુ પશ્ચિમ બંગાળના દિનહટ્ટા વિસ્તારમાં 5થી 6 હેક્ટરમાં કરવામાં આવે છે.

→ ગુજરાતમાં તમાકુની ખેતી ખેડા, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં થાય છે.

→ ભારત સરકારના વાણિજ્ય વિભાગ દ્વારા વર્ષ 1975માં આંધ્ર પ્રદેશના 'ગુન્તુર' ખાતે ટોબેકો બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

→ ગુજરાતમાં છીંકણી ઉદ્યોગ માટે શિહોર (ભાવનગર) શહેર જાણીતું છે.

→ આણંદના 'ધર્મજ' ખાતે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે.


વિશ્વ તમાકુ નિષેધ દિવસ

→ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે ૩૧ મેના રોજ મનાવવામાં આવે છે.

→ આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો, તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે, અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં છે.



Post a Comment

0 Comments