→ સિરામિક ઉદ્યોગ માટે ચિનાઈ માટી અગત્યનો કાચો પદાર્થ છે. તે કેઓલિન (ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી ઉષ્ણજળજન્ય કે ઉષ્ણબાષ્પ પ્રક્રિયા દ્વારા થતા વિઘટનની પેદાશ એટલે કેઓલિન) સમૂહની થોડે અંશે સ્ફટિકીય અને થોડે અંશે અસ્ફટિકમય ખનિજની બનેલી હોય છે અને તેથી તે કેઓલિનાઇટ તરીકે પણ ઓળખાય છે.
→ તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3 2SiO2 2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે.
→ આ ચિનાઈ માટી ગ્રેનાઈટ ખડકોમાં રહેલા ફેલ્સપારના ખવાણથી છૂટી પડેલી છે.
→ ચિનાઈ માટીના ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમાંક પર છે.
→ તેનો રંગ સામાન્ય રીતે સફેદ પરંતુ ઘણીવાર લોખંડ અથવા બીજા પદાર્થોની અશુદ્ધિઓને લીધે રંગીન પણ જોવા મળે છે. તે બરડ અને સ્પર્શે ઘણી વાર તૈલી (greasy) લાગે છે. તેનું અલગ તરી આવતું એક લક્ષણ એ છે કે તે માટીની સુગંધ ધરાવે છે અને ભીંજાય ત્યારે સુઘટ્ય (plastic) બને છે. તેની ઉષ્મા-અવરોધકતા ઊંચી હોય છે.
→ ચિનાઈ માટી પોટરી, સિમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, ઈન્સ્યુલેટર્સ, સૌંદર્ય– પ્રસાધનો અને રિફેકટરી ઉદ્યોગોમાં ઉપયોગ તરીકે લેવાય છે.
→ ઉત્તમ કક્ષાની ચિનાઈ માટી પોર્સેલેઇન, કલાત્મક દેખાવવાળાં સુશોભન પાત્રો અને વાસણોની બનાવટમાં, સારી ચમકવાળા કાગળ બનાવવામાં, રબર, શાહી, પ્લાસ્ટિક અને પ્રસાધનો તેમજ અગ્નિરોધક દ્રવ્ય બનાવવા માટે પણ વપરાય છે.
→ ગુજરાતમાં ચિનાઈમાટીનો અગત્યનો જથ્થો મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી મળે છે.
→ સાબરકાંઠા જિલ્લાનું આરસોડિયા ચિનાઈમાટીનું સૌથી મોટું ક્ષેત્ર છે.
→ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચિનાઈ માટીના જથ્થા માટે વધુ જાણીતું છે.
→ અમરેલી (જાફરાબાદ), બનાસકાંઠા (સાંતલપુર), કચ્છ (ભચાઉ, અંજાર, માંડવી, ભૂજ, નખત્રાણા, લખપત, રાપર), ખેડા (બાબિયા ડુંગર, ખારીધાર, જાડેરાધાર), મહેસાણા (વિજાપુર), પંચમહાલ (કાલોલ), સાબરકાંઠા (ઈડર, હિંમતનગર) અને સૂરત- (માંડવી)ના વિસ્તારોમાં ચિનાઈ માટીના જથ્થા રહેલા છે.
→ મોન્ટમોરિલોનાઇટ, હેલોસાઇટ, ઇલાઇટ, ડિકાઇટ અને ફુલરની માટી એ ભૌતિક અને રાસાયણિક રીતે કેઓલિનાઇટ અથવા ચિનાઈ માટીને મળતાં આવતાં ખનિજો છે.
0 Comments