Ad Code

Tana-Riri Festival (Vadnagar) | તાના-રીરી મહોત્સવ (વડનગર)


જગતના ઇતિહાસમાં નગર  સંસ્કૃતિનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. 

પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણેય નગરીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી, એમાં વડનગરની સંગીતની પરંપરા ખાસ મહત્ત્વ ધરાવે છે. 

પહેલેથી જ વડનગર સંગીત, કલા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત રહ્યું છે. 

ભારતીય પરંપરા મુજબ સંગીતમાં ગાયન, વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાય છે. 

વડનગરની આસપાસના વિસ્તારમાં એટલે કે, વિસનગર, વડનગર અને ઈડર સુધીના પ્રદેશમાં દોઢીયા તાલની એક વિશિષ્ટતા હતી. 

સંગીતને સાચવી રાખનાર નાયક નામની જ્ઞાતિ પણ વડનગર, વિસનગર અને ઈડરની આસપાસના પ્રદેશમાં બહુ મોટી સંખ્યામાં વસે છે. જેમણે સંગીત કલાને જાળવી રાખી છે. 

વડનગરના પ્રખ્યાત સંગીતકાર બૈજું બાવરા હતાં.

બૈજુ બાવરા પછી આજથી સવાસો વર્ષ પહેલાં સંગીતની ભેટ ધરનાર ભાવનગરના સંગીતકલાધર પંડિત ડાયાલાલ શિવરામ નાયક એ મૂળ વડનગરના જ વતની હતા.

રાજ્ય સરકારે આ કલાના વારસાને જાળવવા અને આખી દુનિયામાં ફેલાવવા છેલ્લા ઘણા વર્ષોથી તાના-રીરી મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું છે. 

આવી સંગીત કલાને પ્રાધાન્ય આપનાર વડનગરની બે વિરાંગના કલાધારીણી બહેનો તાના-રીરીને સુરાંજલી આપવા તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 

તાના-રીરીની પુરાણકથા

૧૬મી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી જેના નામ પર સ્થાયેલું શર્મિષ્ઠા તળાવ આજે પણ હયાત છે. 

શર્મિષ્ઠાના ધરે બે દીકરીઓનો જન્મ થયો, જેને તાના-રીરી નામ અપાયા. 

સંગીત નૃત્યમાં ગાંધર્વ સમી આ બે કન્યાઓને સંગીતની આકરી આરાધના કરીને રાગ-રાગિણીઓનો ભક્તિભાવથી સાક્ષાત્કાર કર્યો. 

બંને બહેનોએ મરવ, વસંત, દિપક અને મલ્હાર જેવા રાગને આત્મસાત કર્યા હતા. 

અક્બરના દરબારના નવ રત્નોમાંના એક સંગીત સમ્રાટ તાનસેને બાદશાહની આજ્ઞાને વશ થઈને દિપક રાગ ગાયો.

રાગ ગાતા દિપક પ્રગટ્યા પણ સાથોસાથ  તાનસેનના શરીરમાં અંગારા સળગાવ્યા હોય તેવી ઝાળ લાગી. 

આ અગનઝાળનો એકમાત્ર ઉપાય મલ્હાર રાગ  હતો.

હવે મહાર રાગ ગાયકની શોધમાં નીકળેલા તાનસેન ફરતા ફરતા વડનગાર આવી પહોંચ્યા, અહીં શર્મિષ્ઠા તળાવને કિનારે મુકામ કર્યો ત્યારે પાણી ભરવા આવેલી તાના રીરીના ઘડામાં પાણી ભરાતા જે સૂર ઉઠ્યા તેમાં  તાનસેનને મલ્હારના સૂર સંભળાયા, તાનસેને તાના-રીરીને મલ્હાર રાગ છેડવા વિનંતી કરી, બંને બહેનોએ પિતાની સંમતિ લઈ હાટકેશ્વર મંદિરમાં રાગ મલ્હાર ગાવાની તૈયારી કરી.

તાના અને રીરી એ રાગ મેઘમલ્હારના સ્વરો છેડ્યા, થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો અને તાનસેનના તન-મનમાં શાંતિ થઈ. 

દિલ્હી પાછા ફરીને તાનસેને અકબરને બધી કથા કહી.

આથી, અકબરે બંને બહેનોને દિલ્હી લાવવા સેનાપતિઓને વડનગર મોકલ્યા, પરંતુ જ્યારે બંને બહેનોએ દિલ્હી જવાની ના પાડી ત્યારે સેનાપતિઓએ બળજબરી કરી. આ દબાણને વશ ન થતાં લાંબા મનોમંથન બાદ, ઈષ્ટદેવની આરતી કરી, સૌભાગ્ય શણગાર સજી મહાકાળેશ્વર મહાદેવની પાછળ આવેલા સ્મશાનમાં તાના અને રીરીએ અગ્નિ સ્નાન કરી લીધું. ત્યાં તાના-રીરીના પ્રતિક રૂપે બંને બહેનોની દેરી તેના બલિદાનની સાક્ષી પૂરે છે. 

તાનસેનને જ્યારે આ દુઃખદ ઘટનાની જાણ થઈ ત્યારે તેને ઘણો જ આઘાત લાગ્યો અને તાના-રીરીના માનમાં નોમ... તોમ... ઘરાનામાં જોડી જગતભરમાં પ્રસિદ્ધ કર્યા. આજે પણ સંગીતજ્ઞો રાગનો આલાપ કરતાં પહેલાં નોમ... તોમ.... તાના-રીરી....નોમ....તોમનું સ્મરણ કરીને ગાયકી શરૂ કરે છે. 

આ બે મહાન ગાયિકાઓને અમર કરી જનાર સંગીતને જીવંત રાખવા ગુજરાત સરકાર ખૂબ ભવ્યતાથી દર ત્રણ વર્ષે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Post a Comment

0 Comments