→ રાપર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો તાલુકો છે, રાપર આ તાલુકાનું મુખ્યમથક છે.
→ કબીર પરંપરાના સંત ત્રિકમસાહેબની સમાધિ રાપર તાલુકામાં આવેલી છે.
→ રવેચીનો મેળો રાપર તાલુકાના રવ ગામ ખાતે યોજાય છે.
→ રાપર તાલુકાના ચિત્રોડ-મેવાસા ગામે પ્રસિદ્ધ આઈનો ડેરો (શિવ મંદિર) આવેલું છે.
→ રાપર તાલુકાની ઉત્તર અને પશ્ચિમ સરહદ પર નાની ટેકરીઓ આવેલી છે. બાકીનો વિસ્તાર સમતળ છે તથા જમીન ફળદ્રૂપ છે.
→ તાલુકાના બાદરગઢ પાસેની ટેકરીમાંથી લાકડિયાવલી નદી નીકળે છે, તે 42 કિમી. લાંબી છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેના પર સિંચાઈ માટેના નીલપર1 અને નીલપર-2 નામના બંધ તૈયાર કરેલા છે.
→ સુતઈ નદી બાદરગઢની પશ્ચિમે આવેલી ટેકરીમાંથી નીકળી, 39 કિમી. વહી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. તેના પર પણ સિંચાઈ માટેનો બંધ બાંધેલો છે.
→ ડભુંડા ગામ નજીકની ટેકરીમાંથી માલણ નદી નીકળે છે, તે 32 કિમી. વહી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. તેના પર પણ સિંચાઈ માટેનો બંધ બાંધેલો છે.
→ રાપર તાલુકાના શિરાણી વાંઢથી લઈને અમરાપર સુધીના 13 થી 14 કિ.મી.ના વિસ્તારમાં દર વર્ષે હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ પ્રજનન માટે આવે છે.
→ ભાંજડા ડુંગર અને કાળા ડુંગર વચ્ચેના અંડાબેટ કે હજબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરખાબ માદા ઈંડા મૂકે છે. આ સ્થળ એશિયાનું એક માત્ર સુરખાબ નગર તરીકે ઓળખાય છે.
0 Comments