Ad Code

ચીઢો | Cyperus Rotundus




ચીઢો

→ અંગ્રેજી નામ : Purple nut sedge, Nut grass

→ વૈજ્ઞાનિક નામ : Cyperus Rotundus

→ ખેડૂતોને અકળાવનારા અને પારાવાર નુકસાનકર્તા નીંદણોમાં ચીઢો પ્રથમ ક્રમે આવે છે.

→ બધી જ જગ્યાએ, બધી જ ઋતુઓમાં અને બધા જ પાકોમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે.

→ બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે.

→ કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે.

→ ચીઢાને ચીયો અથવા મોથ અથવા છૈયા તરીકે ઓળખવામાં આવે છે.

→ ચીઢો બહુવર્ષાયુ નીંદણ છે અને તેનો ફેલાવો મુખ્યત્વે ગાંઠ દ્વારા ૯૦-૯૫%, જયારે ૫-૧૦% બીજ દ્વારા થાય છે. જ્યાં પિયતની સગવડતા છે ત્યાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા ખેતરમાં ચીઢાને વિકાસ માટે મોકળુ મેદાન મળી જાય છે.

→ ચીઢાનો વિકાસ છાંયડાવાળી જગ્યાએ પ્રમાણમાં ધીમો થાય છે.

→ જમીનમાં ચીઢાના એક છોડને 2-7 ગાંઠોની સાંકળ હોય છે.

→ જમીનમાં ચીઢાની ગાંઠોનું પ્રમાણ જમીનની ઉંડાઈ પ્રમાણે જુદુ જુદુ જોવા મળે છે. જમીનની ઉપરની સપાટી એટલે કે ૫ થી ૧૦ સે.મી. સુધીની ઉંડાઇએ લગભગ ૭૦ ટકા જેટલી ગાંઠોનું પ્રમાણ જોવા મળે છે ત્યારબાદ ઉંડાઈ વધતા તેનું પ્રમાણ ઘટતું જાય છે.

→ ચીઢાની ગાંઠોમાં ૪૦ ટકા ભેજ હોય ત્યાં સુધી તેની જીવંતશક્તિ ૧૦૦ ટકા જોવા મળે છે. ગાંઠોમાં ભેજનું પ્રમાણ ઓછું થતા જીવંતશક્તિ ઓછી થતી જાય છે.

→ સામાન્ય રીતે ચીઢામાં ગાંઠોનું સ્ફૂરણ ૨૦° સે.થી ઓછા તાપમાને થતું નથી પરંતુ સુષુપ્ત ગાંઠોનો વિકાસ તથા વર્ધન ૨૫° સે. થી ૩૦° સે તાપમાનના ગાળામાં મહત્તમ થાય છે.

→ ચીઢાને સાનુકૂળ ખુલ્લુ વાતાવરણ મળે તો વર્ષ દરમ્યાન એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાંથી ૫૬ નવા છોડ અને ૨૬૦ નવી ગાંઠો પેદા થઇ શકે છે.

→ ચીઢાના પાન લીસા તેમજ જાડા હોવાથી દવા પાન પર ટકી શકતી ન હોઈ, પાન દ્વારા બરાબર શોષાતી નથી. ઉપરાંત જમીનમાં ગાંઠોની હારમાળા હોઈ, શોષાયેલ દવા માંડ એકાદ-બે ગાંઠ સુધી પહોંચે છે. તેથી બાકીની ગંઠોમાંથી નવો છોડ ફૂટે છે. આમ તો ચીઢો સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું શક્ય નથી., તેમ છતાં સંકલિત ઉપાયોથી ચીઢોને કાબુમાં રાખી શકાય છે.


ચીઢાને અંકુશમાં રાખવાના ઉપાય

→ ઉનાળામાં ખુલ્લા ખેતર હોય તો ખેડ કરી જમીન તપાવવી

→ ચીઢાની ગાંઠને સૂર્યના ૩૫-૪૦° સે તાપમાને ૨૦-૨૫ દિવસ સુધી તપાવવામાં આવે તો ગાંઠમાં રહેલ ભેજનું પ્રમાણ ઘટવાથી ચીઢાની ગાંઠ સ્ફૂરણશક્તિ ગુમાવે છે.

→ યોગ્ય પાકની ફેરબદલી તથા યાંત્રિક પધ્ધતિનો ઉપયોગ

→ ચીઢો છાંયાને સંવેદનશીલ હોઈ છાંયડાવાળા પાકોમાં ચીઢાનો વિકાસ પ્રમાણમાં ખૂબ જ ધીમો અને નહિવત્ થાય છે. આથી છાંયડાવાળા પાકો જેવા કે રજકો, ચોળા, જુવાર, તુવેર તથા ઘાસચારાના પાકોનું વાવેતર કરવું જોઈએ.

→ ઉભા પાકમાં શક્ય હોય તો સમયાંતરે કરબની ખેડ કરવી તથા યાંત્રિક પધ્ધતિ અપનાવવી.

→ પિયતવાળા વિસ્તારમાં પિયત આપ્યા બાદ ખેતરને વાવણી કે પાક સિવાય છોડી દેવામાં આવે તો ચીઢાને વધવા સાનુકૂળ વાતાવરણ મળી રહે તેથી આવી સ્થિતિ અટકાવવી.


નીંદણનાશકોનો ઉપયોગ

  1. ગ્લાયફોસેટ
  2. હેલોસલ્ફયુરોન મિથાઈલ ૭૫% WG


ગ્લાયફોસેટ

→ ગ્લાયફોસેટ એ નીંદણ ઉગ્યા બાદ વપરાતી શોષક પ્રકારની નીંદણનાશક છે.

→ બજારમાં ગ્લાયફોસેટ ૪૧% SL રાઉન્ડ અપ, ગ્લાયસેલ, વિનાશ, નોવીડ, ગ્લાયટાફ કે વીડોફના નામે ઉપલબ્ધ છે, જેમાં સક્રિયતત્વ ગ્લાયફોસેટ હોય છે.

→ આ નીંદણનાશક કોઈપણ લીલી કુમળી વનસ્પતિ પર છાંટવાથી વનસ્પતિનો નાશ થાય છે. આથી ઉભા પાકમાં છંટકાવ કરવો હિતાવહ નથી.

→ ચીઢાનું નિયંત્રણ કરવા ગ્લાયફોસેટ સક્રિય તત્વ ધરાવતી બજારૂ નીંદણનાશકના ૧ ટકાનું દ્રાવણ (૧૦ લિટર પાણીમાં ૨૫૦ મિ.લિ. તથા ૧૫૦ થી ૨૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર) અથવા ગ્લાયફોસેટ ૭૧% SG (૧૦ લિટર પાણીમાં ૧૪૦ ગ્રામ) ફલડજેટ અથવા ફલેટફેન પ્રકારની નોઝલ દ્વારા ચીઢો સંપૂર્ણપણે ભીંજાય તે રીતે છાંટવું. આ નીંદણનાશકના છંટકાવથી ૧૦ દિવસે પાન પીળા પડવાની શરુઆત થઈ સૂકાઈ જાય છે.

→ છંટકાવ દરમ્યાન જમીનમાં રહેલ કેટલીક ગાંઠો પાન ધરાવતી હોઈ જયારે જમીન બહાર પાન દેખાય ત્યારે ફરીવાર આ પ્રમાણે છંટકાવ કરવો.

→ ચીઢો તેની ઝડપી વાનસ્પતિક વિકાસ અવસ્થાએ હોય અને છંટકાવ સમયે જમીનમાં તથા વાતાવરણમાં ભેજ હોય તો નીંદણનાશકના છંટકાવથી ચીઢાના નિયંત્રણમાં અસરકારક પરિણામ મળી શકે. આથી જુલાઇ સપ્ટેમ્બર માસના ગાળામાં શક્ય હોય તો આ નીંદણનાશકનો ઉપયોગ કરવો બાગાયતી કે પહોળા અંતરે વવાતા પાકોમાં પાક કે ઝાડના પાન તથા થડ પર નીંદણનાશક ન પડે તે પ્રમાણે પ્લાસ્ટિક હૂડથી નિર્દિષ્ટ છંટકાવ કરવો હિતાવહ છે.

→ નીંદણનાશકના છંટકાવ બાદ ૨૦ દિવસ સુધી તેમાં કોઈ ખેતી કાર્યો કરવા નહીં.


હેલોસલ્ફયુરોન મિથાઈલ ૭૫% WG

→ ફક્ત શેરડી, મકાઈ અને દૂધીના પાકમાં હેલોસલ્ફયુરોન મિથાઈલ ૭૫% WG ૬૭.૫ ગ્રામ પ્રતિ હેકટર (સેમ્પ્રા ૯૦ ગ્રામ/હે) મુજબ ચીઢાના ૩ થી ૬ પાનની અવસ્થાએ છાંટવાની સી.આઈ.બી. દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. પરંતુ આ નીંદણનાશકનો ઉપયોગ કર્યા પછી ત્રણ માસ સુધી બીજા પાકનું વાવેતર કરવું નહી.

→ ખેતરમાં ચીઢાનું અસરકારક નિયંત્રણ કરવા એપ્રિલ-મે માસમાં અવારનવાર ખેડ કરી જમીનને તપાવવી, ચોમાસુ ઋતુમાં યોગ્ય પાક પધ્ધતિ અપનાવવી તથા ભલામણ કરેલ ગ્લાયફોસેટ કે હેલોસલ્ફયુરોન મિથાઈલ નીંદણનાશક પાક પર ન પડે તે રીતે નિર્દિષ્ટ છંટકાવ કરવાથી પજવતા ચીઢાને ખેતરમાંથી નાબૂદ કરી શકાય છે.

→ શેરડી સિવાય ઊભા પાકમાં આ દવા છાંટી શકાતી નથી.


ચીઢો (ડીલો)

→ અંગ્રેજી નામ : Yellow nut sedge

→ વૈજ્ઞાનિક નામ : Cyperus esculentus

→ ચીઢાની આ જાત પણ એક પ્રકારનું બહુવર્ષાયુ નીંદણ છે.

→ તેની ટોચ ઉપર ચપટા પીળાશ પડતા કથ્થાઈ રંગના છત્રી આકારના પુષ્પગૂચ્છથી તે અન્ય ચીઢાની જાતોથી અલગ પડે છે.

→ સતત પાણી ભરાઈ રહે તેવી જગ્યાએ, સઘન સિંચાઈવાળા પાકોમાં, નદી કિનારાવાળી જગ્યાએ કે જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓએ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

→ ચીઢાની અન્ય જાતો કરતા આ જાત જમીનનો ભેજ વધુ પ્રમાણમાં શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે.

→ ૫ થી ૭ પીએચ ધરાવતી જમીન ચીઢાના વિકાસ માટે સાનુકૂળ રહે છે.

→ છાંયડાવાળી જગ્યાએ ડીલાનો વિકાસ બિલકુલ થતો નથી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments