→ દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ.
→ વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp.
→ તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી (gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ), બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન (Egyptian thorn=ઈજીપ્તનો કાંટો), સૅન્ટ ટ્રી (Sant tree), અલ-સન્ત (Al-sant) કે પ્રીકી એકાશીયા (prickly acacia પણ કહે છે. ઑસ્ટ્રેલિયામાં તેને થ્રોન મિમોસા અથવા પ્રીકલી અકાશિયા; સાઉથ આફ્રિકામાં લેકેરુઈકેપ્યુલ કે સેંટેડ થ્રોન (સુગંધી કાંટો)કહે છે. દક્ષિણ ભારતમાં તેને કરુવેલા મારમ કહે છે.
→ નદીની આપ્લાવિત (inundated) કાંપયુક્ત ભૂમિમાં અને કૃષ્ણ કપાસી ભૂમિ(black cotton soil)માં સારી રીતે ઊગે છે.
→ ઉત્તર ભારતનાં મેદાનોમાં તે કાંપયુક્ત ગોરાડુ ભૂમિમાં થાય છે.
બાવળના પુષ્પ
→ વર્ષાઋતુમાં તે પુષ્પનિર્માણ કરે છે; પરંતુ આ ક્રિયા ડિસેમ્બર—જાન્યુઆરી સુધી લંબાઈ શકે છે અને ફળનિર્માણની પ્રક્રિયા એપ્રિલથી જૂનમાં થાય છે. તેની શિંગ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ વગેરે ખાય છે અને તેમના દ્વારા જ બીજવિકિરણ થાય છે.
બાવળના પુષ્પ
→ Coelosterna scabrator Fabr, Psiloptera fastuosa Fabr., P. coerulia oliv. અને Aeolesthes holosericea Fabr. બાવળ પર આક્રમણ કરતાં સૌથી વધુ નુકસાનકારક કીટકો છે.
→ બાવળની છાલમાંથી સૌથી મહત્ત્વના દ્રવ્ય તરીકે ‘ટેનિન' મળે છે, જેનો ઉપયોગ ચર્મશોધન ઉદ્યોગમાં થાય છે.
→ બાવળની છાલમાંથી બનાવાયેલાં ચર્મ મજબૂત અને ટકાઉ હોય છે; જોકે તે રુક્ષ (harsh) અને ઘેરા રંગનું હોય છે.
→ બાવળની છાલનો સૌથી મહત્ત્વના ચર્મશોધન (tanning) દ્રવ્ય તરીકે ભારતમાં હરિયાણાથી પશ્ચિમ બંગાળ સુધી ગ્રામીણ ચર્મપરિષ્કારશાલા(tannery)માં ઉપયોગ થાય છે.
→ છાલ અને કાષ્ઠનું વજનમાં પ્રમાણ 1 : 5 જેટલું હોય છે; અને પ્રતિ હેક્ટરે 620 જેટલાં વૃક્ષોનું વાવેતર થયું હોય અને તે 15 વર્ષનાં હોય તો 5 ટન જેટલી છાલ ઉત્પન્ન કરે છે.
→ છાલમાં ટેનિન દ્રવ્ય 12%થી 20% જેટલું હોય છે.
→ છાલમાં આવેલાં કેટલાંક પૉલિફિનૉલિક સંયોજનોમાં (+)કૅટેચિન, (–)એપિકૅટેચિન, (+) ડાઇ-કૅટેચિન, ક્વિર્સેટિન, ગૅલિક ઍસિડ, (+) લ્યૂકોસાયનિડિન વગેરેનો સમાવેશ થાય છે.
→ બાવળનાં લાકડામાંથી ગાડાનું પૂડિયું, આરા, નાભ, ધૂંસરી, હોડીના હાથા, હલેસા વગેરે બનાવવામાં આવે છે.
→ માર્ચથી મે દરમિયાન બાવળની છાલમાં થયેલી ઈજા કે કાપમાંથી ગુંદરનો સ્ત્રાવ થાય છે.
→ ગુજરાતમાં બાવળની શીંગને ‘પરડા' તરીકે ઓળખવામાં આવે છે.
બાવળની શીંગ
→ બાવળની શિંગમાં 12 %થી 19 % જેટલું ટેનિન હોવા છતાં તેનો ચર્મશોધનદ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે તેના દ્રવ્યનું આથવણ થાય છે.
→ તેનું પ્રકાષ્ઠ ગાડાનું પૂડિયું, આરા, નાભ અને ધૂંસરી બનાવવામાં ઉપયોગી છે. તેનો કૃષિવિદ્યાકીય ઓજારો જેવાં કે હળ, રાંપડી, ઢેફાં ભાંગવાનું કોલુ (crusher) અને પર્શિયન ચક્રો (persian wheels) બનાવવામાં ઉપયોગ થાય છે. તે કૂવાની ચોકડી (curb), તંબૂની ખૂંટીઓ, હોડીના હાથા, હલેસાં, ખાંડ અને તેલદાબકો, રેલવે-વૅગનના બફર્સ, હૂકાના હાથા, ચાલવાની લાકડીઓ, કોતરકામ અને ખરાદીકામમાં વપરાય છે.
→ બળતણ તરીકેની તેની માંગ પુષ્કળ છે. તેનું કૅલરી-મૂલ્ય 4,224 છે.
→ A. nilotica subsp. indicaના ગુંદરને બાવળનો ગુંદર (gum arabic) કહે છે, છતાં તે સાચો બાવળનો ગુંદર નથી, જે A. senegalમાંથી મેળવવામાં આવે છે. મુંબઈનાં બજારોમાં (1) સાચો બાવળનો ગુંદર, (2) ઈસ્ટ ઇંડિયન ગુંદર અને (3) ભારતીય બાવળનો ગુંદર – એમ ત્રણેય જાતો મળે છે.
→ બાવળના ગુંદરમાં 13 % ભેજ હોય છે અને તેનું જ્વલન (ignition) કરતાં 1.8 % જેટલી ભસ્મ રહે છે; જેમાં CaO 52.2 % અને MgO 19.7 % હોય છે.
→ ગુંદરમાં ગેલૅક્ટોઝ, L-અરેબિનોઝ, અરેબિનોબાયૉઝ, L-રહેમ્નોઝ અને ચાર આલ્ડોબાયૉયુરોનિક ઍસિડ હોય છે.
→ સારી જાતના બાવળના ગુંદરનો કૅલિકો-છાપકામ અને રંગકામમાં, રેશમ અને સુતરાઉ કાપડમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે અને કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે.
→ નીચી ગુણવત્તા ધરાવતા ગુંદરમાંથી દીવાસળીઓ, શાહી, ડિસ્ટૅમ્પર અને બીજા રંગો અને ચૂર્ણલેપ (mortar) બનાવવામાં આવે છે.
→ બાવળની છાલનો ઉકાળો કરી તેને ગાળી લઈ તેને વધારે ઘટ્ટ કરવામાં આવે છે. તેની સાથે મધ ઉમેરી આંખોમાં આંજવાથી આંખોમાંથી નીકળતું પાણી બંધ થાય છે; ઉપરાંત, તે છાશ સાથે પીવાથી અને અનાજ બંધ કરી છાશ પર રહેવાથી જલોદર મટે છે. મોં આવી ગયું હોય અથવા પેઢામાંથી લોહી નીકળતું હોય, દાંત હાલતા હોય અને મોંમાંથી પુષ્કળ ચીકાશ આવતી હોય તો બાવળની છાલના કોગળા કરવાથી તે દૂર થાય છે. છાલના ઉકાળાનો ‘ઍનિમા’ આપવાથી જો ‘ગુદભ્રંશ’ થયો હોય તો તે પણ સારો થઈ જાય છે. ઘા સાફ કરવા માટે પણ ઉકાળાનો ઉપયોગ થાય છે. તેનો ઍનિમા આપવાથી જૂનો મરડો કે ઝાડા મટે છે. કર્ણસ્રાવ ઉપર તેની છાલનો કાઢો કરી તે બારીક ધારથી કાનમાં રેડવામાં આવે છે. ત્યારબાદ તેને લૂછી ગરમ પાણીમાં ફુલાવેલી ફટકડી નાખી તે પાણી કાનમાં નાખવામાં આવે છે.
→ હડકાયા કૂતરાના વિષ પર તેનાં પર્ણોના રસમાં ગાયનું ઘી અને કસ્તૂરી નાખી ખાવા આપવામાં આવે છે. કુમળાં પર્ણો ફાકવાથી ઝાડા મટે છે. તેનાં પર્ણોનું ચૂર્ણ સગર્ભા સ્ત્રીઓને આપતાં સંતાનો ગોરાં થાય છે. તેનાં કુમળાં પર્ણોનો કાઢો અમ્લપિત્તમાં ઉપયોગી છે.
→ બાવળની કુમળી શિંગોનું અથાણું અને શાક કરવામાં આવે છે. ગુજરાતમાં તેની શિંગોને ‘પરડા’ કહે છે. તે ઢોરોને ખવડાવવાથી દૂધ વધારે આવે છે. તેની લીલી સોટી દાતણના કામમાં સારી ઉપયોગી છે.
→ બાવળની એક જાતિને દેવબાવળ (Acacia latronum willd) કહે છે. તેનાં પુષ્પોનો ઉકાળો આપવાથી ‘સંનિપાત-જ્વર’ મટે છે. તે હડકાયા કૂતરાનું વિષ ઉતારે છે.
0 Comments