ગુજરાતનો પહેરવેશ | Dress of Gujarat


ગુજરાતના પુરુષોનો પહેરવેશ

→ ગુજરાતના લોકજીવનમાં મહિલાઓના પહેરવેશમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે તેટલું પુરુષોના પહેરવેશમાં જોવા મળતું નથી.

→ પાઘડી, અંગરખું, કેડિયું, ચોરણો, બંડી, દરબારી કોટ વગેરે પુરુષોનો મુખ્ય પહેરવેશ ગણાય છે.

→ ચોરણી, પાઘડી અને અંગરખું મધ્ય એશિયામાંથી આવીને સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલી લોકજાતિની ભેટ હોવાનું મનાય છે.

→ પાઘડી પુરુષોની વેશભૂષાનું આગવું અંગ ગણાય છે.

→ પાઘડી મૂછાળા મરદના રૂપને નિખારે છે. યુદ્ધ, ધિંગાણે માનવીનું રક્ષણ કરે છે.

→ ગુજરાતના વિવિધ પંથકમાં વિવિધ પાઘડીઓ જોવા મળે છે. આજે જોવા મળતી અનેક પાઘડી સલ્તનત કાળ અને મુઘલકાળથી વિકસી હોવાની માન્યતા છે.

→ પાઘડી મોરબીમાં ઈંઢોણી જેવી ચક્કર ઘાટની, ગોંડલની ચાંચવાળી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, બરડાની ખૂંપાવાળી, ભાલ, ઝાલાવાડ અને ઓખાની આંટિયાળી જોવા મળે છે.

→ ઉપરાંત સોરઠની સાદી, ગીરની કુંડાળા ઘાટની, ગોહિલવાડની લંબગોળ, પરજીયા ચારણની જાડા ઝીલનારી, રબારી અને મોટા ભાઈ ભરવાડની ગોળ અને આટીયાળી, જૂનાગઢ વિસ્તારના બાબીઓની બતી, સિપાઈઓનો સાફો વગેરે લોકવરણની ઓળખ આપે છે.

લગ્ન પ્રસંગે વરરાજાઓ ગુલખારની પાઘડી બાંધે છે.

→ ભરવાડો માથે રાતા છેડાવાળી ભોજપરા બાંધે, કોળી લોકો લાલ કે ધોળા રંગની પાઘડી બાંધે છે.

→ પીંછી (કલગી) લગાડી તેમાં બલ્બ મૂકી લાઈટથી લાલ લીલો પ્રકાશ કરે છે.

→ હાથમાં મખમલની મ્યાનવાળી તલવાર રાખે છે.

→ જેમ વરરાજાનો લગ્ન પ્રસંગમાં ખાસ પોશાક છે તેમ કન્યાનો પણ લગ્નપ્રસંગનો ખાસ પોશાક જોવા મળે છે.

→ સૌરાષ્ટ્રમાં લગ્નપ્રસંગે દીકરીને બાંધણીનું ઘરચોળું અને પાનેતર પહેરાવવાનો રિવાજ આજેય એવાને એવા સ્વરૂપમાં જોવા મળે છે.

→ ગુજરાતની કેટલીક જાતિઓમાં ધોયા વગરનો પાટ કે મલમલની સફેદ સાડી કન્યાને પીઠી ચડાવે ત્યારથી તે માંડવે પધરાવે ત્યાં સુધી પહેરાવવામાં આવે છે.

→ આહિર કન્યાઓ લગ્ન પ્રસંગે સોનેરી કિનારીવાળી ઓઢણી, રાતા રંગનું થેપાડું અને સળીવાળું રેશમી કે કિનખાબનું કાપડું પહેરે છે.

→ ઝાલાવાડની કાળી ટપકીવાળી પાઘડી ખૂબ જ પ્રખ્યાત છે.

→ ગુજરાતમાં પાઘડીના મુખ્ય આઠથી દસ પ્રકાર જોવા મળે છે. જેમાં, ગુજરાતી, અમદાવાદી, બાબાશાહી (વડોદરા), ગાયકવાડી (વડોદરા), ખંભાતી, સુરતી, પટ્ટણી

→ ચોરણી એ પુરુષોનો પહેરવેશ છે.

→ સૌરાષ્ટ્રના લોકજીવનમાં વિવિધ પ્રકારની અઢી પાટા, ત્રણ પાટા કે સાડા ત્રણ પાટા ચોરણા ને ચૂડીદાર ચોરણી જોવા મળે છે.

→ પાઘડી, ચોરણી ઘેરદાર અને કસોવાળા કેડિયાં એ માનવીનો સંપૂર્ણ પોશાક ગણાય છે. આ પોશાક માનવીને શોભા આપે છે એના રૂપને નિખારે છે.

→ સૌરાષ્ટ્રના વિવિધ જાતિના લોકો વિવિધ પ્રકારના કેડિયા પહેરે છે.

→ આહિરલોકો કહલ (ચૂડ) વાળા અને પીઠ ઉપર ભરત ભરેલાં કેડિયા પહેરે છે.

→ કેડિયાના રંગ અને ભરત પરથી આહિર અને સતવારા જુદા તરી આવે છે.



બાળકોનો પહેરવેશ

→ લોકજીવનમાં બાળકો માટેના જાતજાતના અને ભાતભાતના સાદા અને ભરત ભરેલા પોશાકો જોવા મળે છે.

→ જામનગર પંથકમાં વસતા સતવારા બાળકો ભરત ભરેલ અને ભરત વગરની આંગડી ચોરણીને માથે કાનટોપી જેવો નતિયો પહેરે છે.

→ સૌરાષ્ટ્રમાં રાજપૂત,રબારી, આહિર, ગરાસિયા, ભરવાડ અને કાંટિયા વરણના નાના છોકરા દાડમ, ડોડવડી અને કેવડા ભાતનું ભરત ભરેલું ફૂલગુલાબી અતલસનું કેડિયું કે ભરત ભરેલા કબજા, લીલી અતલસની ભરત ભરેલી ચોરણી અને સંતારા ટાંકી ભરત ભરેલી ભાતીગળ ટોપી પહેરે છે.

→ અગાઉના સમયમાં છોકારાઓને આંગલા-ટોપલાં પહેરાવવાની એક પરંપરા લોકજીવનમાં પ્રચલિત હતી. દીકરાનો જન્મ થાય એટલે ફોઈબા આંગલા–ટોપલાં લઈ એને બોલાવવા અને રમાડવા આવતાં.

→ સૌરાષ્ટ્રની નાની નાની દીકરીઓ ધોળી, લાલ, લીલી, પીળી, ધરાબંધની ભાત ભરેલી ઘાઘરી, પોલકાં અને માથે રાતા રંગનો ભરત ભરેલો મોસલો પહેરે છે.


ગુજરાતના લોકજીવનમાં આભૂષણ

→ ગુજરાતના લોકજીવનમાં વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુકત શણગારને જન્મ આપ્યો છે.

→ પરિણામે શરીરને શણગારવા માટે રૂડારૂપને ને દીપાવવા માટે રંગબેરંગી રૂપાળા વસ્ત્રોની સાથે અવનવા આભૂષણો પહેરવાની પ્રથા અસ્તિત્વમાં આવી છે.

→ હડપ્પા, મોહેં–જો–દડો અને લોથલના ખોદકામમાંથી સોનું, રૂપું, તાંબુ, કાંસુ, છીપ અને પથ્થરમાંથી કંઠહાર, દામણી, વીંટી, વલય, હારના છૂટા મણકા વગેરે જેવા નમૂના મળી આવ્યા છે.


ગુજરાતની લોકનારીઓનો પહેરવેશ

→ ગુજરાતની લોકનારીઓનો પહેરવેશ એની શોભા અને રૂપરંગને કારણે સવિશેષ સમૃદ્ધ બની રહ્યો છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે:

  1. ક્ષત્રિય નારીઓનો પહેરવેશ
  2. મધ્યમવર્ગીય નારીઓનો પહેરવેશ
  3. પછાતવર્ગીય નારીઓનો પહેરવેશ
→ ભરવાડ, રબારી અને જામનગર તરફની સતવારા જાતિની સ્ત્રીઓ ઊનનું થેપાડું, અને લીલા રંગનું કપડું પહેરે છે.

→ મોટી ખોયું ભરેલી ગુલાબી છેડાવાળી ધાબળી ઓઢે છે.

→ જુદી જુદી જાતિઓની સ્ત્રીઓની ઓળખ માટે તેમનો પહેરવેશ અત્યંત ઉપયોગી બને છે.

→ વિવિધ વસ્ત્રો પહેરનાર સ્ત્રી પરણેલી છે કે કુંવારી, દીકરી છે કે વહુ અથવા સધવા છે કે વિધવા તેના પહેરવેશ પરથી સ્પષ્ટપણે ઓળખાઈ આવે છે.

→ કુંવારી કન્યા આખી બાંયનો કુરતો પહેરે છે.

→ આદિવાસી નારીઓનો પોશાક પણ બહુરંગી અને વિવિધતા ભર્યો જોવા મળે છે.

બનાસકાંઠા વિસ્તારની આદિવાસી સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરી, ઓઢણી ને કાંચળી પહેરે છે. જ્યારે કુંવારી કન્યાઓ કાંચળીને બદલે કબજો પહેરે છે.

આદિવાસી ભીલ સ્ત્રીઓ ઊંચી ઘાઘરી, કમખો, સફેદ, લાલ અને કથ્થઈ રંગની ઓઢણી ઓઢે છે.

→ ગુજરાતના લોકજીવનમાં સાડલાની છત્રીસ જેટલી જાતો જાણીતી છે.

→ હોશીલી નારીઓ કચ્છ અને જામનગરની બાવન બાગની બાંધણી કે પાટણનું પટોળું પહેરી શુભ-પ્રસંગને આનંદથી માણે છે.


ગુજરાતમાં લગ્નપ્રસંગના પોશાકો

→ ગુજરાતમાં લગ્ન જેવા મંગલપ્રસંગે વિશિષ્ટ પ્રકારના વસ્ત્રો પહેરવાનો રિવાજ ગુજરાતની તમામ જાતિઓમાં જોવા મળે છે.

→ રાજપૂત, ગરાસિયા, રબારી, કોળી, આહિર, સતવારા, વણઝારા જાતિઢ ઓના વરરાજાઓના રૂડારૂપાળા દમદાર પહેરવેશ એની આગવી વિશિષ્ટતાને કારણે ઘ્યાન ખેંચે છે.

→ સતવારા જાતિના વરરાજા ચોરણીને તેના ઉપર પગ સુધી લટકતી સાળવાળી આંગડી પહેરે છે. તેના પર રેશમી પડલું વીંટે છે.

→ આ પડલાંની શરીર પર ચોકડી મારીને તેના બે છેડા લટકતા રાખવામાં આવે છે. કમરે ભેટ બાંધીને આભલા ભરેલું મોસરિયું (પહોળો પટ્ટો) વીંટે છે


ગુજરાતની ભરવાડ સ્ત્રીઓનો પહેરવેશ

→ ગુજરાતના ભાલ પંથકની નાનાભાઈ ભરવાડની સ્ત્રીઓ કાળી પરમેટાની જીમિયુંને મોયાં મૂકેલાં કપડાં પહેરે છે. રાતી કે લીલી ચૂંદડી ઓઢે છે.

→ જ્યારે મોટાભાઈ ભરવાડની સ્ત્રીઓ ઊનનો ટંગલિયો, સરમલિયું, ધૂહલું અને બાવન બાગનું મોળિયાં મૂકેલી લાંબી સાળનું કપડું પહેરે છે અને ઊનના ધાબળા, કીડિયા, ગલખકડી કે ગલેટા ઓઢે છે.

→ ગુજરાતની રબારી સ્ત્રીઓ ખડી છાપેલા ઊંચા ઘાઘરા અને ભરત ભરેલા રૂપાળાં ઓઢણાં ઓઢે છે.


સૌરાષ્ટ્રમાં વસતી સ્ત્રીઓનો પહેરવેશ

→ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસતી આહિર સ્ત્રીઓ ઘેરા લાલ કે પીળા રંગના થેપાડાં અને લીલા અથવા તો રાતા રંગના પહેરવેશ પહેરે છે અને કાળું ઓઢણું ઓઢે છે.

કાઠી જાતિની સ્ત્રીઓ કાળા રંગના ઓઢણા, રાતી જીમી અને તસતસતા લીલા કમખા પહેરે છે.

→ જયારે કોળી સમાજની બહેનો કાળી જીમી, લીલો કમખો, રાતી બાંધણી કે કોથમીર ભાતની ચૂંદડી ઓઢે છે.


ગુજરાતના કચ્છમાં વસતી જતાણીઓનો પહેરવેશ

→ ગુજરાતના કચ્છમાં વસતી જતાણીઓ ખભાથી પગ સુધીના આભો પહેરે છે.

→ તેના કોઠાના ભાગ પર સુંદર મજાનું ભરત ભરેલ હોય છે.

→ આભાને બટનને બદલે દોરી હોય છે.

→ માથે લાલ ચૂંદડી જેવું ઓઢણું ઓઢે છે અને તેના બે છેડા લટકતા હોય છે.

→ પોરબંદર પંથકમાં વસતી મેર કન્યાઓ ધોળા રંગનો ઢાંસિયો જીમીની જેમ કેડે વીંટે છે. તેમજ કાળારંગનું કપડું અને કાળા રંગનું ઓઢણું ઓઢે છે.

→ પરણેલી સ્ત્રી રાતા રંગનો ઢાંસિયો પહેરે છે.

→ વહુ જ્યારે સાસરેથી પિયર જાય ત્યારે ગામના સીમાડે આવે એટલે રાતો ઢાંસિયો કાઢીને ધોળા રંગનો ઢાંસિયો પહેરી લે છે.


ગુજરાતની અન્ય સ્ત્રીઓનો પહેરવેશ

→ ગુજરાતના ગીરકાંઠામાં વસતા માલધારી અને ચારણની સ્ત્રીઓનો સામાન્ય પહેરવેશ કાળા કે રાતા રંગનું ચસોચસ થેપાડું, ઘેરા રંગની છૂટી કસવાળું કપડું અને ઓઢણું છે.

→ ગુજરાતમાં વસતી વણઝારા નારીઓ છાપેલા ઘાઘરા, કોસંબીવાળું કે આખી બાંયનું કસોવાળું લાંબી સાળનું કાપડું પહેરે છે.



Post a Comment

0 Comments