ગુજરાતી વ્યાકરણ : દ્વન્દ્વ સમાસ




દ્વન્દ્વ સમાસ



દ્વન્દ્વ સમાસની વ્યાખ્યા
→ જે સમાસનાં પદો સમાન વ્યાકરણીય મોભો ધરાવતાં હોય અને સમસ્ત પદનો વ્યાકરણીય મોભો પણ તેનો તે જ રહેતો હોય અને એ પદો વાક્ય સાથે સમાન સંબંધ ધરાવતાં હોય તેવા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.

દ્વન્દ્વ સમાસમાં નીચેની બાબતો જોવા મળે છે.


  1. સમાસનાં પદો સમાન વ્યાકરણીય મોભો ધરાવે છે.


  2. જેમ કે,
    → રાતદિવસ – રાત અને દિવસ (બંને સંજ્ઞા)

    → ચારપાંચ – ચાર કે પાંચ (બંને વિશેષણ)

    → મારુંતારું – મારું અથવા તમારું (બંને સર્વનામ)

    → ઊઠવું બેસવું – ઊઠવું કે બેસવું (બંને ક્રિયાપદો)


  3. દ્વન્દ્વ સમાસમાં બેથી વધુ પદો પણ આવી શકે છે.


  4. જેમ કે
    → તનમનધન – તન, મન કે ધન

    → રામલક્ષ્મણજાનકી – રામ, લક્ષ્મણ અને જાનકી


  5. દ્વન્દ્વ સમાસમાં પદો લિંગ ચિહ્નો, વચન, વિભકિત, કાળ વગેરેના પ્રત્યયો સાથે પણ આવી શકે છે


  6. જેમ કે
    → છોકરાંછૈયાં = છોકરાં છૈયાં વગેરે

    → ખૂણેખાંચરે = ખૂણે ખાંચરે વગેરે


  7. સમાસમાં જોડાતાં પદો સામાન્ય રીતે નીચેના ક્રમને અનુસરે છે.



  8. → પૂજ્યના નામનો ધરાવતું પદ પહેલાં આવે છે.

    જેમ કે,
    → માતાપિતા, લક્ષ્મીનારાયવ્ર, સીતારામ, સાસુસસરા.

    → ક્રમ ધરાવતાં નામોમાં મોટે ભાગે ક્રમનું અનુસરણ થાય છે.

    → જેમ કે, ચારપાંચ, આગળપાછળ, ચૈત્રવૈશાખ.


  9. દ્વન્દ્વ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ વગેરે શબ્દોથી થાય છે.




  10. દ્વન્દ્વ સમાસ સર્વપદપ્રધાન સમાસ છે.




દ્વન્દ્વ સમાસના પ્રકારો




દ્વન્દ્વ સમાસના નીચે મુજબના પેટા પ્રકારો પડે છે.



  1. સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ


  2. વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ


  3. સમાહાર દ્વન્દ્વ સમાસ









સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ




સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ



→ જે સમાસનો વિગ્રહ ‘અને’ થી થતો હોય તેને સમુચ્ચય કે ઈતરેતર દ્વન્દ્વ સમાસ કહે છે.

→ સમગ્ર પદમાંથી બહુવચનનો અર્થ નીકળે છે.

→ સમુચ્ચય સમાસ સરવાળાનો અર્થ દર્શાવે છે.

→ આ સમાસ સાથે બહુવચનના પ્રત્યયો જોડાય છે.

→ ઉદાહરણ
  1. ભાઈબહેન → ભાઈ અને બહેન


  2. દંપતી → પતિ અને પત્ની


  3. અહર્નિશ → અહ્ન (દિવસ) અને નિશા (રાત્રિ)


  4. આબોહવા → આબ (પાણી) અને હવા


  5. બાવીસ → બે અને વીસ


  6. ચાંદોસૂરજ → ચાંદો અને સૂરજ





વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ



→ જે દ્વન્દ્વ સમાસના પદનો વિગ્રહ ‘અથવા’ અને ‘કે’ થી થતો હોય તેને વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ કહે છે.

→ આ સમાસમાં વિકલ્પનો ભાવ નીકળે છે. એક છે તો બીજું નથી.

→ આ સમાસમાં જે બંને પદો એકવચનમાં હોય તો સમસ્ત પદમાંથી એકવચનો અને જો બંને પૌ બહુવચનમાં હોય તો સમસ્ત પદમાંથી બહુવચનનો અર્થ નીકળે છે.


→ વૈકલ્પિક દ્વન્દ્વ સમાસમાં બંને પદો મોટેભાગે એકબીજાનાં વિરોધી અર્થ ધરાવતાં પદો હોય છે.

→ જેમ કે
  1. સારુંનરસું → સારું અથવા નરસું


  2. ઊંચનીચ → ઊંચું કે નીચું


  3. સુરાસુર → સુર કે અસુર




→ વૈકલ્પિક દ્વન્દ્વ સમાસમાં ઘણીવાર બંને પદો સંખ્યાવાચક વિશેષણો હોય છે.

→ જેમ કે
  1. ચારપાંચ → ચાર કે પાંચ


  2. આઠદશ → આઠ કે દશ











સમાહાર દ્વન્દ્વ સમાસ



→ જે દ્વન્દ્વ સમાસમાં પૂર્વપદની ઉત્તરપદમાં પુનરાવર્તન થયેલ હોય તેને સમાહાર દ્વન્દ્વ સમાસ કહે છે.

→ આ સમાસના વિગ્રહમાં ‘વગેરે’ સંયોજક તરીકે વપરાય છે.

→ સમાહાર દ્વન્દ્વ સમાસમાં પૂર્વપદની ઉત્તરપદમાં દ્વિરુક્તિ હોય છે એટલે કે પદો મોટેભાગે સમાનાર્થી હોય છે.

→ સમાહાર દ્વન્દ્વ સમાસમાંથી સમુદાયનો અર્થ નીકળે છે.

→ સમસ્ત પદ એકવચનમાં રહે છે.

→ ઉદાહરણ
  1. માનમોભો → માન, મોભો વગેરે


  2. કરવેરા → કર, વેરા વગેરે


  3. મેવામીઠાઈ → મેવા, મીઠાઈ વગેરે








આ માહિતી તમારા દરેક ગ્રુપમાં Share કરવા વિનંતી






Post a Comment

0 Comments