→ દર વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાની શુકલ પક્ષની સાતમના મહા સુદ સાતમ દિવસે નર્મદા જયંતી (નર્મદા નદીનો પ્રાગટ્ય દિવસ) ઉજવવામાં આવે છે.
→ ભારતમાં નર્મદા જયંતીના પર્વનું ખૂબ જ મહત્વ છે.
→ નર્મદા દેવીનું વાહન મગરમચ્છ છે.
→ આ દિવસે લોકોની જીવાદોરી ગણાતી નર્મદા નદીની શ્રદ્ધાળુ ભકતો દ્વારા પરંપરા અનુસાર સાડી-ચુંદડી અર્પણ કરી પૂજા કરવામાં આવે છે. તેમજ ઘણા શ્રદ્ધાળુઓ દ્વારા નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે.
→ આ દિવસે ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
→ પૌરાણિક કથા મુજબ ચંદ વંશનો રાજા હિરણ્યતેજને તેમના પૂર્વજોના તર્પણ દરમિયાન અનુભૂતિ થઈ કે તેમના પૂર્વજ અતૃપ્ત છે પછી તેમણે ભગવાન શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યુ. તેમની તપસ્યાના ફળ સ્વરૂપ વરદાન તરીકે નર્મદા દેવી નદીના સ્વરૂપે પથ્વી પર અવતરિત થયા.
→ ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલા નર્મદા દેવીને વરદાન આપ્યું હતું કે, તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
→ નર્મદા નદી રવ (અવાજ) કરતી વહેતી હોવાથી 'રેવા' તરીકે, મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી 'મૈકલ કન્યા' તરીકે, મંદ મંદ ગતિથી વહેવાના કારણે 'મંદાકીન' તેમજ ત્રણેય લોકમાં સમસ્ત પ્રાણીઓના પાપ સમાપ્ત કરવાના કારણે 'વિપાશા' ના નામથી ઓળખાય છે.
→ નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન મધ્યપ્રદેશનું અમરકંટક છે ત્યાંથી તે ભરૂય નજીક આવેલ ભાડભૂત સુધી વહે છે અને બાદમાં સમુદ્રમાં વિલીન થઇ જાય છે.
→ નર્મદાનો સામાન્ય અર્થ 'આનંદ આપનારી' (નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી) થાય છે.
→ નર્મદા નદી દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે.
→ મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે.
→ ઓમકારેશ્વર જ્યોતિલિંગ નર્મદા નદીના કાંઠે આવેલું છે, જે 12 જ્યોતિલિંગમાંનું એક છે. આ ઉપરાંત આ નદીના કાંઠે અમરકંટક, શૂલપાણેશ્વર, ભેડાઘાટ, કપિલધારા, ભૃગુકચ્છ, ચાણોઠ - કરનાળી, નારેશ્વર, શંખોદ્વાર, કોટીશ્વર, બ્રહ્મતીર્થ, ભાસ્કરતીર્થ વગેરે જેવા ઘણા તીર્થો આવેલા છે.
→ રામાયણ અને મહાભારતમાં નર્મદા નદીનું વર્ણન જોવા મળે છે. આ ઉપરાંત વામનપુરાણ અને સ્કંદપુરાણમાં નર્મદા દેવીની જન્મકથા તથા મહિમાનું વર્ણન છે.
→ આઘગુરુ શંકરાચાર્યે પણ નર્મદાષ્ટકમાં નર્મદા દેવીના ગુણગાન ગાયા છે.
→ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે અને કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લોકો નર્મદાના દર્શન કરવા માટે આવે છે. જેનાથી દેશના પર્યટન ઉધોગના વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
→ વર્ષ 2013-14માં નર્મદાના વહેતા પૂરના પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સૌની યોજના) કાર્યરત આવી છે, જે હેઠળ 1126 કિમી લાંબી ચાર લિંક દ્વારા 11 જિલ્લામાં પાણી પહોંચાડવામાં આવે છે.
→ ગુજરાતી સાહિત્યના નર્મદના પ્રહરી તરીકે જાણીતા અમૃતલાલ વેગડેની પ્રથમ પુસ્તક ‘નર્મદાઃ રિવર ઓફ બ્યૂટી' હતું. આ ઉપરાંત તેમણે સ્વાનુભવોને વર્ણવતાં પરિક્રમા નર્મદા મૈયાની અને 'સૌંદર્યની નદી નર્મદા' પુસ્તકો લખ્યા છે.
→ "સૌંદર્યની નદી નર્મદા" પુસ્તક માટે તેમેને વર્ષ 2004માં સાહિત્ય અકાદમી પારિતોષિક - દિલ્હી પ્રાપ્ત થયું હતું. તેમને પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક માટે -ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક અને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક મળ્યું હતું.
→ “જીવન કે લિયે રોટી સે પહલે પાની જરૂરી હૈ.... નર્મદા કો હમારી જરૂરત નહીં હમે નર્મદા કી જરૂરત હૈ” તથા “મારી નર્મદા ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક હતી” તેમના જાણીતા કથનો છે.
0 Comments