→ ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ.
→ ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
→ અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં અમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
→ ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
→ એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
→ એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦)
→ ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
→ ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે.
→ ‘રાજ્યરંગ’-ભા.૧, ૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇