દર્પણ
એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો.
દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે.
અમારા ચહેરા પી પીને
તું રહ્યું દેખાવડું
અને અમે થયા
ધીરે ધીરે ઝાંખા.
એ ચૂપ રહ્યું.
તું ન હોત તો
અમે એયને કુદરતમાં રમમાણ હોત.
તેં અમારી વચ્ચે ફાચર મારી.
એ કશુંક બોલવા ગયું
પણ એણે માંડી વાળ્યું.
તેં અમને અમારાથી છૂટા પાડ્યા
અને ડુબાડી દીધા
પ્રતિબિંબના દરિયામાં.
એ ધીરેથી ન સંભળાય
એવું કશુંક બોલ્યું.
સાંભળે છે તું ? હું બરાડ્યો.
આજે હું તને ફોડીને જ ઝંપીશ.
અને કાયમ માટે નિરાંત અનુભવીશ
તૈયાર થઈ જા.
એકાએક એણે પોતાની અંદર
સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.
અરે ! આ તો મારી માનો ચહેરો !
– રાજેન્દ્ર પટેલ
0 Comments
Any suggestions, Please comment Below 👇