World Wetlands Day : 2 February | વિશ્વ વેટલેન્ડ દિવસ : 2 ફેબ્રુઆરી


વિશ્વ વેટલેન્ડ દિવસ (વિશ્વ આદ્ર્ભુમી દિવસ): 2 ફેબ્રુઆરી

→ 2જી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે.


વેટલેન્ડ (આદ્ર ભૂમિ) એટલે શું?

→ વેટલેન્ડ એ એક એવી જગ્યા છે જ્યાં જમીન એ કાયમી કે મોસમી ધોરણે પાણીથી ઢંકાયેલી હોય છે, આ પાણી તાજું, ક્ષારવાળું અથવા બંનેના મિશ્રણ જેવુ હોય શકે છે. તેની સૌથી અગત્યની બાબત છે કે આ ભીની જમીનનો વિસ્તાર પોતાની અલગ ઇકોસિસ્ટમ તરીકે કાર્ય કરે છે જ્યાં અનુકૂલિત વનસ્પતિ અને જીવાવરણ જોવા મળે છે.

→ ભારતમાં વેટલેન્ડ્સ મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય ચોમાસાના પ્રદેશોથી દક્ષિણના ભેજવાળા વિસ્તારો સુધી વિસ્તરે છે.

→ વેટલેન્ડ્સ એવા વિસ્તારો છે જ્યાં પાણી એ આસપાસનું પર્યાવરણ અને તેનાથી સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જીવનને નિયંત્રિત કરતું પ્રાથમિક પરિબળ હોય છે.

→ તેમાં મેન્ગ્રોવ્સ, કાદવ-કીચડવાળા વિસ્તારો, નદીઓ, સરોવરો, મુખત્રિકોણ પ્રદેશો, પૂરના મેદાનો, પૂરગ્રસ્ત જંગલો, ચોખાના ખેતરો, પરવાળાના ખડકો, નીચી ભરતી વખતે 6 મીટરથી વધુ ઊંડા ન હોય તેવા દરિયાઈ વિસ્તારો તેમજ માનવ નિર્મિત વેટલેન્ડ્સ જેમ કે વેસ્ટ-વોટર ટ્રીટમેન્ટ તળાવો અને જળાશયોનો સમાવેશ થાય છે.

→ પાણીથી ઢંકાયેલા વિસ્તારને વેટલેન્ડ અથવા તો જળ – પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.

→ કાદવ કીચડવાળું ખાબોચિયું, તળાવ, સરોવર, નદીઓના મુખ-પ્રદેશમાં રચાતો ત્રિકોણાકાર વિસ્તાર જેને ‘ડેલ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે.

→ નીચાણવાળા વિસ્તાર જ્યાં અવારનવાર પાણી ભરાઈ રહેતું હોય તેવા તમામ વિસ્તારો જળ-પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.



→ 2 ફેબ્રુઆરી,1971 ના રોજ, કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઈરાનના શહેર રામસારમાં જળ પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું.

→ 1997ના રોજ રામસાર સંમેલનની 16 મી વર્ષગાંઠ પર વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને 1997 થી દર વર્ષે, વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવવામાં આવે છે.

→ 2 ફેબ્રુઆરી,2022 એ પ્રથમ વર્ષ હતું જ્યારે વિશ્વ વેટલેન્ડ્સ દિવસને સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો .

→ 30 ઓગસ્ટ,2021 ના રોજ 75 સભ્ય દેશો દ્વારા સહ-પ્રાયોજિત ઠરાવમાં જનરલ એસેમ્બલી દ્વારા તેને અપનાવવામાં આવ્યું હતું .


વેટલેન્ડનું મહત્ત્વ

→ વેટલેન્ડ વિવિધ પ્રકારના જીવો માટે એક આદર્શ રહેઠાણ છે.

→ સૂક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, સરીસૃપ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરું પાડે છે. આમ આ, આ પરિસરતંત્ર જૈવ વિવિધતાથી ભરપૂર હોય છે. વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવામાં ઘણા મદદરૂપ થાય છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયક્લિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભૂમિકા ભજવે છે.

→ વેટલેન્ડમાં ઊગેલી વનસ્પતિ દ્વારા આવા પોષકતત્વોને શોષી લેવામાં આવે છે, જ્યારે તેમના પાન ખરી પડે, કે તેમનો નાશ થાય ત્યારે આ પોષકતત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે.

→ વેટલેન્ડ ફોટોસીન્થેસીસની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતર કરી દે છે.

→ માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દુર કરવામાં પણ વેટલેન્ડ અગત્યનો ફાળો આપે છે.


રામસર સાઇટ

→ કોઈપણ વેટલેન્ડ સાઇટ કે જે રામસર સંમેલન હેઠળ સૂચિબદ્ધ છે તેને રામસર સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. રામસર સંમેલન હેઠળ આવા વિસ્તારોને બચાવવા અને તેના કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગને આગળ વધારવાની રજૂઆત કરવામાં આવેલી છે.

વિશ્વની સૌપ્રથમ રામસર સાઇટ વર્ષ 1974માં નિયુક્ત કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયામાં આવેલ કોબર્ગ પેનિનસુલા હતી.


મોન્ટ્રેક્ષ રેકોર્ડ

→ સ્વિટઝર્તલેન્ડના મોન્ટ્રેક્ષ શહેર ખાતે 1990ના વર્ષમાં સ્વીકારવામાં આવ્યું, જેના હેઠળ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની એવી રામસર સાઇટ્ને મૂકવામાં આવે છે કે જેને અગ્રતાના ધોરણે સંરક્ષણ કરવાની જરૂરિયાત હોય.

→ મોન્‍ટ્રેક્સ રેકોર્ડમાં પ્રદૂષણ અથવા માનવીય હસ્તક્ષેપનાં પરિણામે થતી અસરોની સંભાવના અને વેટલેન્‍ડસ્‌માં ઈકોલોજીકલ ફેરફારની નોંધ રાખવામાં આવે છે.

→ ભારતના કેઉલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને લોક્ટક સરોવરને મોન્ટ્રેક્ષ રેકોર્ડ હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલ છે.


વેટલેન્ડ્સ પરનું રામસર સંમેલન

→ વેટલેન્ડ્સ પરનું રામસર સંમેલન (Convention) એ ‘વેટલેન્ડ્સના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ’ માટે વર્ષ 1971માં યુનેસ્કો દ્વારા સ્થાપિત આંતર-સરકારી (આંતરરાષ્ટ્રીય) પર્યાવરણીય સંધિ છે, તેને ‘કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ આ આંતરરાષ્ટ્રીય સંધિની અમલવારી વર્ષ 1975થી કરવામાં આવી હતી.

→ 2જી ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર શહેર ખાતે આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, આથી જ દર વર્ષે 2 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ મનાવાય છે.



→ 2024 ની થીમ : “Wetlands and Human Wellbeing”

→ 2023ની થીમ : Wetland Restoration





Post a Comment

0 Comments