ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે,
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે,
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે
ત્યારેતણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે,
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે,
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે,
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે,
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે,
– હેમંત પૂણેકર
0 Comments