ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે
જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે.
તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે
રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે.
તારી છલકમાં એમ કંઇ મારી ય છોળ ઓતપ્રોત
તારી ખબર થતાં મને મારા વિષે ખબર પડે.
તારી સુવાસ પાસ આ મારું હવા હવા થવું
મારા હરેક હાલની તારી ઉપર અસર પડે.
કેવું સભર કર્યું છે તેં મારું જીવન હું શું કહું
એક ઘડી વિતાવવા ઓછી મને ઉમર પડે.
- હેમંત ઘોરડા
0 Comments