આ રૂપ અને રંગના વહાલ મેલ, મન!
જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ,મન!
જો રંગની જ હોય મઝા તો બીજા નથી?
હોળી ગઈ વીતી હવે ગુલાલ મેલ,ન!
સાગર સમા થવું છે કિન્તુ ખાર લાધશે,
મોટા થઇ જવાની આ ધમાલ મેલ,મન!
ઉજ્જડ જીવનની રાત, સફરનો ન ધ્રુવ કો,
તું દૂરદર્શીતાની આ મશાલ મેલ,મન!
પામે ન ફૂલ ડાળનોય આશરો સદા,
આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ,મન!
પાછળ ગયું શું?ને શું આવશે હવે પછી?
તું ચાલ,વ્યર્થના બધા સવાલ મેલ,મન!
જોયું જશે કદીક સ્વપ્ન જો મળે મધુર,
જાગ્યા પછી હવે શું?!આશ હાલ મેલ,મન!
- હેમંત દેસાઈ
0 Comments
Any suggestions, Please comment Below 👇